આમચી મુંબઈમહારાષ્ટ્ર

અમે રસ્તા ધોયા તેમણે તિજોરી ધોઈ નાખી: શિંદે

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકા દ્વારા અમલમાં મૂકવામાં આવેલા ડીપ ક્લિનીંગના ભાગરૂપે મુખ્ય પ્રધાને કરેલી સફાઈના મુદ્દે શિવસેના (યુબીટી) દ્વારા કરવામાં આવેલી ટીકાનો જવાબ આપતાં સોમવારે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ કહ્યું હતું કે અમે રસ્તા ધોઈ રહ્યા છીએ, તેમણે તો તિજોરી ધોઈ નાખી છે. હું બીચ સાફ કરી રહ્યો હતો અને તેમણે તો હાથની સફાઈ કરી છે.

ઉદ્ધવ ઠાકરે જૂથની ટીકા કરતાં તેમણે એમ પણ કહ્યું હતું કે વિધાનસભ્ય તરીકે ઠાકરેને અધિવેશનમાં હાજરી આપવી પડશે. વિધાનસભાના શિયાળુસત્ર નિમિત્તે તેઓ નાગપુરમાં બોલી રહ્યા હતા.

ડીપ ક્લિનીંગ મુંબઈ માટે આવશ્યક છે. આ મારો વિચાર છે. ફક્ત રસ્તા જ નહીં, ગલીઓ, નાળા, સાર્વજનિક શૌચાલયો આમ સંપૂર્ણ પરિસરની સફાઈ કરવા માટેની આ ઝુંબેશ ચાલી રહી છે, એમ શિંદેએ કહ્યું હતું.

ઠાકરે દ્વારા કરવામાં આવેલી ટીકાનો જવાબ આપતાં તેમણે કહ્યું હતું કે ચૌપાટી પર હું પણ ગયો હતો. તેમણે થોડી વિગતો મેળવીને બોલવું જોઈતું હતું. તે ટ્રેક્ટર સાથે ક્લિનર જોડાયેલું હતું. માટીમાં રહેલા પથ્થરો, પ્લાસ્ટિક વગેરે કાઢવા માટે તે ટ્રેક્ટર લાવવામાં આવ્યું હતું. તેમણે અધુરી માહિતી મેળવી હતી. અમે રસ્તા, બીચ સાફ કરી રહ્યા છીએ, તેમણે હાથની સફાઈ કરી હતી. અમે રસ્તા ધોઈ રહ્યા છીએ, તેમણે તિજોરી ધોઈ નાખી છે. આગામી ચૂંટણીમાં જનતા તેમને ધોયા વગર રહેશે નહીં, એમ પણ તેમણે કહ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button