આમચી મુંબઈમહારાષ્ટ્ર

એસટી કર્મચારી બેંકની સ્થિતિ ગંભીર, બે મહિનામાં તપાસ થશે

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: એસ.ટી. બેંકની અવસ્થા અત્યંત કફોડી થઈ ગઈ હોવાથી રાજ્ય સરકારે તેની સ્થિતિ પર ધ્યાન આપવું આવશ્યક છે, એવી માગણી વિધાન પરિષદમાં પ્રશ્ન કાળમાં ભાજપના વિધાનસભ્ય પ્રવીણ દરેકરે કરી હતી. તેમને સહકાર ખાતાના પ્રધાન દિલીપ વળસે-પાટીલે સકારાત્મક પ્રતિસાદ આપતાં તેમણે કહ્યું હતું સહકાર ખાતાના કમિશનરને સૂચના આપવામાં આવી છે અને તેની કાર્યવાહી ચાલી રહી છે. તેનો અહેવાલ આવ્યા બાદ બે મહિનામાં તપાસ કરવામાં આવશે.

શિવસેનાના અનિલ પરબે એસટી કર્મચારીઓની બેંકનો મુદ્દો ઉપસ્થિત કર્યો હતો અને સ્ટેટ ટ્રાન્સપોર્ટ કો-ઓપરેટિવ બેંકના સંચાલક મંડળને બરખાસ્ત કરવાની માગણી કરી હતી.

આ બેંકના થાપણદારોએ રૂ. 180 કરોડની થાપણો ઉપાડી લીધી હોવાથી બેંકનો ક્રેડિટ-ડિપોઝિટ રેશિયો વધી ગયો હતો. આ સીડી રેશિયો ઘટાડવા માટે બેંકે લોન આપવા પર મર્યાદા મૂકી છે અને થાપણો વધારવા માટે વિશેષ પ્રયાસ આદર્યા છે. બેંકે લોનના વ્યાજદર નવ અને ચૌદ ટકાથી ઘટાડીને સાત ટકા કરી નાખવાનો ઠરાવ કર્યો હતો. આને કારણે બેંકનું આર્થિક નુકસાન થવાનું હોવાથી રિઝર્વ બેંકે પાંચમી સપ્ટેમ્બર, 2023ના પત્ર દ્વારા બેંકને યોગ્ય કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો હતો, જેને પગલે પંદર સપ્ટેમ્બરના પત્રમાં રિઝર્વ બેંકને આ યોજના પાછી ખેંચી હોવાનું રિઝર્વ બેંકને જણાવ્યું હતું.

સંચાલક મંડળના ખોટા નિર્ણયોને કારણે બેંકના વ્યવસાય પર નકારાત્મક અસર થઈ રહી હોવાથી સહકાર આયુક્તને સમીક્ષા કરવાનો નિર્દેશ પચીસમી ઓક્ટોબરે આપ્યો હતો, આ અહેવાલની અત્યારે રાહ જોવાઈ રહી છે એમ વળસે-પાટીલે કહ્યું હતું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button