કાલબાદેવીની આંગડિયા પેઢીમાં ચાર કરોડનીલૂંટ: 30 કલાકમાં છ આરોપીની ધરપકડ
પાટણ, બનાસકાંઠા અને ગાંધીનગરના આરોપીઓને ફિલ્મી ઢબે પીછો કરી પાલઘર નજીક પકડ્યા
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: દક્ષિણ મુંબઈના કાલબાદેવી પરિસરમાં આવેલી આંગડિયા પેઢીમાં બે કર્મચારીને બાંધી દીધા પછી ચાર કરોડથી વધુની રોકડની લૂંટ ચલાવવામાં આવી હોવાની ઘટના સામે આવી હતી. ઘટનાની જાણ થતાં તાત્કાલિક કાર્યવાહી હાથ ધરનારી પોલીસની ટીમે ફિલ્મી ઢબે પીછો કરી ગુજરાતના પાટણ, બનાસકાંઠા અને ગાંધીનગરમાં રહેતા છ આરોપીને પાલઘર નજીક પકડી પાડ્યા હતા.
એલ. ટી. માર્ગ પોલીસે પકડી પાડેલા આરોપીઓની ઓળખ હર્ષદ ચેતનજી ઠાકુર (26), રાજુભા પ્રહ્લાદસિંહ વાઘેલા (21), અશોકભા જેઠુબા વાઘેલા (26), ચરણભા નથુબા વાઘેલા (26), મેહુલસિંહ જેસુબા ધાબી (24) અને ચિરાગજી ગલાબજી ઠાકુર (26) તરીકે થઈ હતી. આરોપીઓ પાસેથી લૂંટની બધી રોકડ હસ્તગત કરવામાં આવી હતી.
પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે ઘટના રવિવારની બપોરે કાલબાદેવી રોડ સ્થિત રામવાડી ખાતે આવેલી આંગડિયા પેઢીમાં બની હતી. માસ્ક પહેરેલા ચાર લૂંટારા આંગડિયાની ઑફિસમાં ધસી આવ્યા હતા. ઑફિસમાં હાજર બે કર્મચારી કાંતિલાલ પટેલ અને ભરત ઠાકુરને ધમકાવી મારપીટ કરવામાં આવી હતી. બાદમાં બન્ને કર્મચારીને બાંધી દઈ ઑફિસમાંથી ચાર કરોડથી વધુની રોકડ લૂંટી ચારેય લૂંટારા ફરાર થઈ ગયા હતા.
પોલીસે ઘટનાસ્થળ અને આસપાસના પરિસરમાં લાગેલા સીસીટીવી કૅમેરાનાં ફૂટેજને આધારે તપાસ હાથ ધરી હતી. ફૂટેજ અનુસાર ઘટનાસ્થળ નજીક એક કાર ઊભી હતી, જેમાં લૂંટારાના બે સાથી બેઠા હતા. લૂંટ બાદ ચારેય લૂંટારા કારમાં બેસીને ફરાર થઈ ગયા હતા.
બનાવની જાણ થતાં એલ. ટી. માર્ગ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી આરોપીઓની શોધ માટે સંબંધિત ઝોનના ત્રણ પોલીસ સ્ટેશનોના ચુનંદા અધિકારીઓની અલગ અલગ ટીમ બનાવવામાં આવી હતી. ફિલ્મી ઢબે આરોપીઓની કારનો પીછો કરવામાં આવ્યો હતો. કારને પાલઘર નજીક આંતરી આરોપીઓને તાબામાં લેવાયા હતા. પકડાયેલા આરોપી હર્ષદ, ચરણભા, ચિરાગ ગુજરાતના પાટણ જિલ્લાના, જ્યારે રાજુભા, અશોકભા બનાસકાંઠા જિલ્લાના અને મેહુલસિંહ ગાંધીનગરનો વતની હોવાનું પ્રાથમિક પૂછપરછમાં પોલીસને જાણવા મળ્યું હતું.
ભૂતપૂર્વ કર્મચારીએ ઘડ્યું કાવતરું
કાલબાદેવીમાં આંગડિયા પેઢીમાં લૂંટનું કાવતરું ભૂતપૂર્વ કર્મચારીએ જ ઘડ્યું હોવાની ચોંકાવનારી માહિતી તપાસમાં બહાર આવી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ આંગડિયાની ઑફિસમાંથી રોકડ લૂંટીને ભાગેલા આરોપી સીસીટીવી કૅમેરામાં ઝડપાઈ ગયા હતા. આરોપીઓએ માસ્ક પહેર્યા હતા, પરંતુ તેમાંના એકને હર્ષદ તરીકે ફરિયાદીએ ઓળખી કાઢ્યો હતો. હર્ષદ અગાઉ આ જ આંગડિયાની ઑફિસમાં કામ કરતો હતો. શંકાને આધારે પોલીસે હર્ષદના મોબાઈલ નંબરની તપાસ કરી હતી. પોલીસની એક ટીમ હર્ષદના મોબાઈલ ફોનના આઈએમઈઆઈ નંબરને ટ્રેસ કરી રહી હતી, જ્યારે બીજી ટીમ તેમની કારનો પીછો કરી રહી હતી. હર્ષદના સાથીઓની વધુ વિગતો પોલીસ મેળવી રહી છે.