“POK ભારતનું છે, તેની એક ઇંચ જમીન પણ કોઇ છીનવી ન શકે..” સંસદમાં ગરજ્યા શાહ
નવી દિલ્હી: કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે રાજ્યસભામાં કલમ 370ના મુદ્દે કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું. સુપ્રીમ કોર્ટમાં આજે થયેલી સુનાવણીમાં જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370ને હટાવી લેવાના કેન્દ્ર સરકારના નિર્ણયને પડકારતી અરજીઓ પર સુનાવણી થઇ હતી. જેમાં મોદી સરકારના આ નિર્ણયને સુપ્રીમે યોગ્ય ઠેરવ્યો છે.
કેન્દ્રીય ગૃહપ્રધાને તેમના ભાષણમાં કહ્યું હતું કે જમ્મુ કાશ્મીરના નાગરિકોના અધિકારોને 3 પરિવારોએ રોક્યા. POK આપણા દેશનો જ ભાગ છે, તેને કોઇ આપણી પાસેથી છીનવી શકે નહિ. કલમ 370ને કારણે અલગતાવાદી વિચારોને સમર્થન મળતું હતું. તેમણે ફરીવાર નહેરુનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે નહેરુની ભૂલને કારણે અડધું કાશ્મીર જતું રહ્યું. તેમની અસમંજસને કારણે જમ્મુ-કાશ્મીરના ભારતમાં વિલયને મોડું થયું.
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે વિપક્ષ પર પ્રહાર કરતા કહ્યું હતું કે શા માટે અન્ય કોઇ રાજ્યમાં આવી કલમ લાગુ નહોતી થઇ? જમ્મુ-કાશ્મીરમાં સેના મોકલવામાં મોડું કેમ થયું? નહેરું POKનો મુદ્દો લઇને UNમાં કેમ ગયા હતા? કોંગ્રેસ ક્યારેય કોઇ સારા કામને સમર્થન આપતી નથી. જમ્મુ-કાશ્મીરના જે યુવાનો પથ્થરો લઇને ફરતા હતા તે હવે હાથમાં લેપટોપ લઇને ફરે છે. અમારી સરકારે તેમને લેપટોપ આપ્યા હતા. કલમ 370માં જે ચુકાદો આવ્યો છે તેને ઇતિહાસ યાદ રાખશે.
“સુપ્રીમ કોર્ટે પણ માન્યું કે કલમ 370 એક અસ્થાયી જોગવાઇ હતી. બિલ લાવવાની ઇચ્છા, પ્રક્રિયાને પણ સુપ્રીમ કોર્ટે બંધારણની હદમાં જ છે તેવું કહ્યું છે, મેં પોતે કહ્યું હતું કે અમે ચૂંટણી કરાવીશું, યોગ્ય સમય આવે એટલે રાજ્યનો દરજ્જો પણ અપાવીશું. કલમ 370ને કારણે જ આતંકવાદ ઉભો થયો. આતંકવાદીઓ માટે અમારા મનમાં કોઇ સંવેદનાઓ નથી. તેમણે હથિયારો નાખીને તાબે થઇ જવું જોઇએ. કલમ 370 હટી ગયા પછી કોઇની અંતિમવિધિમાં આતંકવાદીઓની ભીડ નથી ઉમટતી. અલગતાવાદથી આતંકવાદનો જન્મ થાય છે.” તેમ કેન્દ્રીય ગૃહપ્રધાને ઉમેર્યું હતું.