લો બોલો! ફિલ્મ પટકાઇ તો નિર્માતાઓએ IMDb રેટિંગ બદલી નાખ્યા..!
'ધ આર્ચીઝ' 'પઠાણ'થી પણ આગળ નીકળી ગઇ?
અઢળક સ્ટાર કિડ્ઝને લઇને નેટફ્લિક્સ પર રજૂ થયેલી ઝોયા અખ્તરની ફિલ્મ ‘ધ આર્ચીઝ’ને મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે. આ ફિલ્મથી અનેક સ્ટાર સંતાનો ફિલ્મી દુનિયામાં પદાર્પણ કરી રહ્યા છે. ફિલ્મ રિલીઝ થયા બાદ તેના રિવ્યુઝને પગલે પહેલા IMDbમાં વર્સ્ટ કેટેગરી એટલે કે 10માંથી માંડ 2.9 રેટિંગ હતા, પછી અચાનક કોઇ જાદુ થયો હોય એમ હવે 6.8 રેટિંગ મળ્યા હોવાનું IMDbમાં બતાવવામાં આવી રહ્યું છે, આથી હવે એક નવા વિવાદનો જન્મ થયો છે.
લોકોને મનમાં સવાલ થઇ રહ્યા છે કે શું કોઇ ફિલ્મના IMDbમાં રેટિંગ બદલી શકાય છે? અને જો આવું થાય તો દરેક નબળી ફિલ્મ સારી દેખાવા લાગે. એવા લોકો કે જે IMDbમાં રેટિંગ જોઇને ફિલ્મ કે વેબ સિરીઝ જોવાનું નક્કી કરતા હોય છે તેમના માટે તો આ ઘટના આશ્ચર્યજનક છે. ફક્ત 24 કલાકની અંદર જ ‘ધ આર્ચીઝ’ના રેટિંગ્સ 2.9માંથી 6.8 થઇ ગયા, જે પઠાણ કરતા પણ વધુ છે, એટલે આનો સીધો અર્થ એ થયો કે ‘પઠાણ’ કરતા પણ ‘ધ આર્ચીઝ’ને દર્શકોએ વધુ પસંદ કરી હશે! પઠાણની IMDb રેટિંગ્સ 5.9 છે.
સોશિયલ મીડિયામાં આ ફિલ્મના બદલાયેલા રેટિંગ્સની ચારેકોર ચર્ચા થઇ રહી છે, રિવ્યુ અને રેટિંગ્સની વિશ્વસનીયતા પર હવે સવાલો ઉઠી રહ્યા છે. અમુક ફિલ્મ સમીક્ષકો નિર્માતાઓ પાસેથી પૈસા લઇને રિવ્યુ કરાવતા હોય તેવા પેઇડ રિવ્યુનો તો ટ્રેન્ડ પહેલેથી હતો જ, પણ IMDbમાં જે રીતે છેડછાડ થઇ છે એના પરથી હવે એવું લાગી રહ્યું છે કે રિવ્યુ બિઝનેસમાં કોઇ પ્રામાણિકતા નથી રહી, તે પણ હવે ફિલ્મોના માર્કેટિંગ તથા પીઆરનો જ ભાગ બની રહ્યો છે.
‘ધ આર્ચીઝ’ જ્યારે નેટફ્લીક્સ પર સ્ટ્રીમ થઇ રહી હતી ત્યારે તેને માંડ 1.1k વોટ મળ્યા હતા. જેના પરથી તેને 2.9ની રેટિંગ્સ મળી હતી. આ રેટિંગ્સ બાદ તે 2023ની સૌથી ઓછી જોવાલાયક, વર્સ્ટ ફિલ્મની કેટેગરીમાં આવી ગઇ હતી. આ આંકડો 8 ડિસેમ્બરનો હતો, જો કે તેના બરાબર 24 કલાક બાદ 9 ડિસેમ્બરે તેના રેટિંગ્સમાં ધરખમ ફેરફાર થયો અને હવે 6.8 રેટિંગ્સ અને 28 હજાર વોટ્સ સાથે નવા રેટિંગ્સ જ IMDbની વેબસાઇટ પર બતાવાઇ રહ્યા છે.
‘ધ આર્ચીઝ’ પર લોકોના મંતવ્ય વિશે વાત કરીએ તો ઝોયા અખ્તરે પ્લેટફોર્મ પૂરું પાડ્યા બાદ પણ આ સ્ટાર સંતાનો લોકોને ઇમ્પ્રેસ કરવામાં નિષ્ફળ રહ્યા છે. સુહાનાના અભિનયની ટીકા થઇ રહી છે, તેમજ લોકો એટલે સુધી કહી રહ્યા છે કે જે ઝોયાએ ‘જિંદગી ન મિલેગી દોબારા’, ‘ગલીબોય’ જેવી ઉત્કૃષ્ટ ફિલ્મો આપી તે ઝોયાને અચાનક શું થઇ ગયું કે તેણે આવી ફિલ્મ બનાવવી પડી.