આમચી મુંબઈ

કલ્યાણમાં પુત્રીના બે મિત્રની મદદથી પત્નીએ પતિને જીવતો સળગાવ્યો

કલ્યાણ: કલ્યાણ પૂર્વના વિજયનગર વિસ્તારમાં પુત્રીના બે મિત્રની મદદથી પત્નીએ પોતાના 61 વર્ષના પતિના શરીર પર જ્વલનશીલ પદાર્થ ફેંકી તેને સળગાવ્યો હોવાની ઘટના શુક્રવારે બની હતી. દાઝી ગયેલા પતિને સારવાર માટે નવી મુંબઈની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયો હતો, જ્યાં સારવાર દરમિયાન રવિવારે તેનું મૃત્યુ થયું હતું.

મૃતકની ઓળખ હરિશ્ર્ચંદ્ર કાશીનાથ પવાર તરીકે થઇ હોઇ તેની હત્યા કરવા બદલ પત્ની અશ્ર્વિની પવાર (54) તથા તેની પુત્રીને બે મિત્ર સિદ્ધેશ સૂર્યવંશી અને રિતેશ ચવ્હાણ વિરુદ્ધ કોલસેવાડી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાયો હતો.
હરિશ્ર્ચંદ્ર પવાર એક કંપનીમાં કામ કરતો હતો અને નિવૃત્ત થયા બાદ તેને પેન્શન મળતું હતું. આ પેન્શનને લઇ છેલ્લા કેટલાક સમયથી હરિશ્ર્ચંદ્ર અને પત્ની અશ્ર્વિની વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. પેન્શનની સંપૂર્ણ રકમ પોતાને આપવામાં આવે એવું અશ્ર્વિનીનું કહેવું હતું. જોકે હરિશ્ર્ચંદ્ર આ માટે તૈયાર નહોતો, જેને કારણે બંને વચ્ચે ઉગ્ર ઝઘડો થયો હતો.

હરિશ્ર્ચંદ્રના ઘરે તેની પુત્રીના બંને મિત્ર નિયમિત આવતા હતા, જે હરિશ્ર્ચંદ્રને ગમતું નહોતું. પેન્શનના રૂપિયા આપવાનો પતિએ ઇનકાર કર્યો હતો અને પુત્રીના બંને મિત્ર ઘરે આવે એની સામે તેને વાંધો હોવાથી અશ્ર્વિનીને આ વાતનો ગુસ્સો હતો.

આથી શુક્રવારે તેણે સિદ્ધેશ અને રિતેશને ઘરે બોલાવ્યા હતા. બંનેએ હરિશ્ર્ચંદ્ર પર જ્વલનશીલ પદાર્થ ફેંક્યા બાદ અશ્ર્વિનીએ આગ ચાંપી દીધી હતી. હરિશ્ર્ચંદ્રએ મદદ માટે બૂમાબૂમ કરી મૂકતાં પડોશીઓ દોડી આવ્યા હતા. તેમણે હરિશ્ર્ચંદ્રના શરીર પર પાણી નાખીને આગ બુઝાવી હતી અને બાદમાં તેને હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. 90 ટકા દાઝી ગયેલા હરિશ્ર્ચંદ્રનું રવિવારે હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું. મૃત્યુ પૂર્વે પોલીસે તેનું નિવેદન નોંધ્યું હતું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button