વિરાર-અલીબાગ કોરિડોર માટે જમીન સંપાદનનું કામ થશે પૂરુ5 કલાકની મુસાફરી માત્ર દોઢ કલાકમાં થશે
મુંબઇઃ છેલ્લા ઘણા સમયથી વિરાર-અલીબાગ કોરિડોરનું કામ કાગળ પર જ રહી ગયું છે. MMRના મહત્વના પ્રોજેક્ટની લોકો કાગડોળે રાહ જોઈ રહ્યા છે. હવે એમ જાણવા મળ્યું છે કે વિરાર-અલીબાગ કોરિડોરનું નિર્માણ કાર્ય 2024માં શરૂ થશે. આ માટે જમીન સંપાદનની કામગીરી લગભગ પૂર્ણ થઈ ગઈ છે.
મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશન (MSRDC)ના વરિષ્ઠ અધિકારીએ આ પ્રોજેક્ટ અંગેની માહિતી આપતા જણાવ્યું હતું કે, આ મહિનાના (ડિસેમ્બર)ના અંત સુધીમાં આ કોરિડોર માટે જરૂરી જમીન સંપાદનનું 80 ટકા કામ પૂર્ણ કરવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે. આગામી વર્ષે માર્ચ-એપ્રિલ સુધીમાં પ્રોજેક્ટ માટે જરૂરી સમગ્ર જમીન કોર્પોરેશન પાસે હશે. લગભગ 128 કિલોમીટર લાંબા કોરિડોર માટે પાલઘર, થાણે અને રાયગઢમાં જમીન સંપાદનનું કામ જોરશોરથી ચાલી રહ્યું છે. પાલઘરમાં લગભગ 93 ટકા જમીન સંપાદિત કરવામાં આવી છે. થાણે અને રાયગઢમાં જમીન સંપાદનનું કામ ઝડપી કરવામાં આવી રહ્યું છે. કોરિડોરનું નિર્માણ કાર્ય 2024ના મધ્ય સુધીમાં શરૂ થશે.
એમ માહિતી મળી રહી છે કે આ કોરિડોરનું નિર્માણ કાર્ય બે તબક્કામાં કરવામાં આવશે. પ્રથમ તબક્કામાં 98 કિમીનો રૂટ અને બીજા તબક્કામાં 29 કિમીનો રૂટ તૈયાર કરવામાં આવશે. નાગરિકો એમએમઆરના એક ભાગથી બીજા ભાગમાં સરળતાથી પહોંચી શકે તે માટે, સરકારે લગભગ 11 વર્ષ પહેલાં 126 કિલોમીટર લાંબા કોરિડોર માટે દરખાસ્ત તૈયાર કરી હતી, પણ જુદા જુદા કારણોસર પ્રોજેક્ટનું નિર્માણ કાર્ય રખડી પડ્યું હતું. જોકે, હવે સરકારે ટૂંક સમયમાં કોરિડોરનું નિર્માણ કાર્ય શરૂ કરવાની તૈયારીઓ તેજ કરી દીધી છે.
વિરાર-અલીબાગ પ્રોજેક્ટ ઉપરાંત સરકાર એમએમઆર રિજનમાં રિંગ રૂટ તૈયાર કરવા માગે છે. આ માટેની તૈયારી પણ શરૂ કરી દેવામાં આવી છે. એમએમઆરના તમામ ચાલુ પ્રોજેક્ટ્સને એકબીજા સાથે જોડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ અંતર્ગત વિરાર અલીબાગ કોરિડોર, શિવડી-ન્હાસેવા ટ્રાન્સ હાર્બર લિંક પ્રોજેક્ટ, શિવડી-વરલી કનેક્ટર, વસઈ-ભાઈંદર બ્રિજ, કોસ્ટલ રોડ, વર્સોવા-બાંદ્રા સી લિંક અને બાંદ્રા-વરલી સી લિંક સહિત અન્ય પ્રોજેક્ટ્સને જોડવામાં આવશે.
વિરાર-અલીબાગ કોરિડોરના નિર્માણથી ઘણો ફાયદો થશે. હાલમાં વિરારથી અલીબાગ પહોંચવામાં 4 થી 5 કલાકનો સમય લાગે છે. આ કોરિડોરને કારણે વિરારથી અલીબાગની મુસાફરી માત્ર દોઢથી બે કલાકમાં પૂર્ણ કરવી શક્ય બનશે.
128 કિલોમીટર લાંબા કોરિડોરનો પ્રથમ ડીપીઆર 2016માં તૈયાર કરવામાં આવ્યો હતો. આ કોરિડોરના નિર્માણની જવાબદારી MMRDAની હતી, પરંતુ જમીન સંપાદન પ્રક્રિયામાં વિલંબને જોતા સરકારે કોરિડોરના નિર્માણની જવાબદારી MSRDCને સોંપી દીધી છે.