ગેમ ચેન્જર સાબિત થઈ રહી છે સાયબર ક્રાઈમ હેલ્પલાઈન
એક વર્ષમાં મહારાષ્ટ્રમાં કરી 55 કરોડની વસૂલાત
મુંબઇઃ દેશમાં સાયબર ક્રાઈમનો ગ્રાફ ઝડપથી વધી રહ્યો છે. NCRBના તાજેતરના રિપોર્ટ અનુસાર વર્ષ 2022માં સાયબર ક્રાઈમના 65893 કેસ નોંધાયા છે. વર્ષ 2021માં 52974 કેસ નોંધાયા હતા. આ રીતે એક વર્ષ દરમિયાન સાયબર ક્રાઈમમાં 24.4 ટકાનો વધારો નોંધાયો છે. આવી સ્થિતિમાં કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલ સાયબર ક્રાઈમ હેલ્પલાઈન નંબર 1930 ગેમ ચેન્જર સાબિત થઈ રહ્યો છે. સાયબર ફ્રોડ પછી તરત જ આ નંબર પર ફરિયાદ કર્યા બાદ મહારાષ્ટ્રમાં લગભગ 55 કરોડ રૂપિયાની વસૂલાત કરવામાં આવી છે.
મહારાષ્ટ્ર સાયબર પોલીસના જણાવ્યા અનુસાર, હેલ્પલાઈન દ્વારા સાયબર ક્રાઈમ વિશે માહિતી મળ્યાના કલાકોમાં છેલ્લા ત્રણ વર્ષમાં સફળતાપૂર્વક 90 કરોડ રૂપિયાની વસૂલાત કરી છે. આ ટીમમાં 100 થી વધુ લોકો સતત કામ કરે છે. આ વર્ષે જ અલગ-અલગ લોકો પાસેથી 55 કરોડ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હતી. જ્યારે લોકો હેલ્પલાઈન નંબર પર સાયબર ફ્રોડના અહેવાલો નોંધાવે છે, ત્યારે મહારાષ્ટ્ર સાયબર પોલીસ ટીમ ઝડપી પ્રતિસાદની ખાતરી આપે છે. ઘણી વખત પૈસા માત્ર થોડા કલાકોમાં વસૂલ કરવામાં આવે છે. જોકે, સાયબર પોલીસ જણાવે છે કે છેતરપિંડી થાય કે તરત જ માહિતી આપવી જરૂરી છે.
આપણે આ સાયબર ફ્રોડ રિપોર્ટિંગ સિસ્ટમ કેવી રીતે કામ કરે છે તે જાણીએ.
આ સિસ્ટમમાં 243 નાણાકીય સંસ્થાઓને તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની અમલીકરણ એજન્સીઓ સાથે જોડવામાં આવી છે. આ નાણાકીય સંસ્થાઓમાં બેંકો, વર્ચ્યુઅલ વોલેટ્સ, પેમેન્ટ એગ્રીગેટર્સ, ગેટવે અને ઈ-કોમર્સ પ્લેટફોર્મનો સમાવેશ થાય છે. જ્યારે પીડિત છેતરપિંડીની જાણ એન્ફોર્સમેન્ટ એજન્સીને કરે છે ત્યારે આ સિસ્ટમ કામ કરવાનું શરૂ કરે છે. આ પછી, છેતરપિંડી કરનારની તમામ માહિતી એક ટિકિટના રૂપમાં જનરેટ થાય છે. આ ટિકિટ સંબંધિત નાણાકીય એકમ એટલે કે બેંક, પેમેન્ટ વૉલેટ વગેરેને મોકલવામાં આવે છે. આ પછી, નાણાકીય એકમ છેતરપિંડીની રકમની તપાસ કરે છે અને જ્યારે તે ખાતામાં હોય ત્યારે તેને તરત જ લૉક કરી દે છે.
રકમ બીજા ખાતામાં ટ્રાન્સફર થઈ ગઇ હોય ત્યારે ટિકિટ આગલા એકમમાં મોકલવામાં આવે છે અને રકમ રોકી દેવામાં આવે છે. ગુનાખોરે તમારા ખાતામાંથી પૈસા ઉપાડી લીધા હોય તેવા કિસ્સામાં કાયદાકીય અમલીકરણ એજન્સીને પગલાં લેવા માટે કહેવામાં આવે છે.
જોકે, લોકોએ સાયબર ફ્રોડના કિસ્સામાં ફરિયાદ ક્યાં કરવી તે જાણવું જરૂરી છે. તેઓ જેટલી જલ્દી ફરિયાદ કરે, તેટલી જ રકમ પાછી મળવાની શક્યતાઓ વધી જાય છે. સાયબર ફ્રોડ થયા પછી શક્ય તેટલી વહેલી તકે 1930 નંબર પર કૉલ કરો અને તમારી ફરિયાદ નોંધાવો. આ સાથે https://www.cybercrime.gov.in/ અથવા પોલીસ સ્ટેશનમાં પણ ફરિયાદ નોંધાવી શકાય છે.
આપણા દેશમાં સાયબર ફ્રોડના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. લોકો જેટલા વધુ જાગૃત અને સજાગ બની રહ્યા છે, એમ સાયબર ઠગ્સ છેતરપિંડીની વધુ નવી પદ્ધતિઓ શોધી રહ્યા છે. સાયબર જગતના ગુનાખોર લોકો ઓનલાઈન છેતરપિંડી રોકવાની તમામ પદ્ધતિઓને નિષ્ફળ કરીને લોકોના ખિસ્સા ખાલી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. વૈશ્વિક સરેરાશની સરખામણીએ ભારતમાં સાયબર ફ્રોડની સંખ્યા લગભગ બમણી થઈ ગઈ છે. ભારતીય સાયબર સ્પેસમાં છેલ્લા છ મહિનામાં સરેરાશ 2127 સાયબર ક્રાઇમની ઘટનાઓ નોંધાઈ છે.