લેફ્ટનન્ટ ગવર્નરે કહ્યું કે ઓમર અને મહેબૂબાને નજરકેદમાં રાખવામાં આવ્યા હોવાના આરોપો પાયાવિહોણા…
શ્રીનગર: જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યાના ચાર વર્ષ બાદ સુપ્રીમ કોર્ટે તે નિર્ણય યોગ્ય હોવાની બાબત પર આજે મહોર મારી દીધી હતી. ત્યારે સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવ્યો તે પહેલા પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (PDP) અને નેશનલ કોન્ફરન્સ (NC)ના નેતાઓએ સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો શેર કરીને આરોપ લગાવ્યો છે કે કલમ 370 પર સુપ્રીમ કોર્ટના નિર્ણય પહેલા તેમના નેતાઓ મહેબૂબા મુફ્તી અને ઓમર અબ્દુલ્લાને નજરકેદમાં રાખવામાં આવ્યા છે. જો કે જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહાએ આવા તમામ દાવાઓને સંપૂર્ણપણે ફગાવી દીધા છે.
લેફ્ટનન્ટ ગવર્નરે કહ્યું હતું કે રાજકીય કારણોસર સમગ્ર જમ્મુ-કાશ્મીરમાં કોઈને નજરકેદ કરવામાં આવ્યા નથી અને ન તો કોઈની ધરપકડ કરવામાં આવી છે. કેટલાક લોકો નજરકેદને લઈને ભ્રામક અફવાઓ ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
આ ઉપરાંત શ્રીનગર પોલીસે સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યું હતું કે કે શ્રીનગરમાં કોઈને નજરકેદ કરવામાં આવ્યા નથી. કલમ 370 અને 35A હટાવવા સંબંધિત અરજીઓ પર આજે સુપ્રીમ કોર્ટના ચુકાદાને ધ્યાનમાં રાખીને સમગ્ર ખીણમાં સુરક્ષાની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. જમ્મુમાં પણ વ્યાપક વ્યવસ્થા કરવામાં આવી છે. ખાસ કરીને સોશિયલ મીડિયા પર નજર રાખવામાં આવી રહી છે. આ દરમિયાન સમગ્ર ઘાટીમાં સુરક્ષાદળોના કાફલાની અવરજવર પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત વીઆઇપીની સુરક્ષામાં લાગેલા કાફલા પર પણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. જેથી કોઈ ગડબડ ન થાય.
ઓમર અબ્દુલ્લાએ એક પોસ્ટને રીપોસ્ટ કરીને કહ્યું હતું કે મારા ગેટ પર જે સાંકળ લગાવવામાં આવી છે, તે મે જાતે નથી લગાવી. તમે તમારા પોલીસ દળ દ્વારા કરવામાં આવેલી કામગીરીને કેમ નકારી રહ્યા છો? એવું પણ શક્ય છે કે તમને ખબર ન હોય કે તમારી પોલીસ શું કરી રહી રહી છે? શું તમારી પોલીસ તમારાથી સ્વતંત્ર રીતે કામ કરે છે?
નોંધનીય છે કે ઓક્ટોબર 2020માં પોતાનું સત્તાવાર નિવાસસ્થાન ખાલી કર્યા બાદ ઓમર અબ્દુલ્લા અહીં પોતાના પિતા સાથે રહે છે.