ટોપ ન્યૂઝનેશનલ

કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાનો નિર્ણય કાયદેસર કે ગેરકાયદે? 4 વર્ષ, 4 મહિના અને છ દિવસ પછી આજે કોર્ટનો નિર્ણય

નવી દિલ્હી: જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાના નિર્ણયને પડકારતી અરજી પર આજે સુપ્રીમ કોર્ટમાં મહત્વનો નિર્ણય આવનાર છે. 5મી ઓગષ્ટ 2019માં સંસદે જમ્મુ કશ્મીરમાંથી કલમ 370 હટાવી અને આ આખા રાજ્યને જમ્મુ-કાશ્મીર અને લદાખ એમ બે ભાગમાં વહેંચી બંનેને કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવ્યા હતાં.

આ નિર્ણયના વિરોધમાં સુપ્રીમ કોર્ટમાં 22 અરજીઓ કરવામાં આવી હતી. આ તમામનો પક્ષ સાંભળ્યા બાદ સુપ્રીમ કોર્ટે નિર્ણય બાકી રાખ્યો હતો. અને હવે આજે નિર્ણયનો સમય આવી ગયો છે. એટલે કે 370 હટવાના 4 વર્ષ, 4 મહિના અને 6 દિવસ બાદ આજે સુપ્રીમ કોર્ટ કેન્દ્ર સરકાર દ્વારા કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાનો નિર્ણય કાયદેસર છે કે ગેર કાયદે તેનો ફેંસલો કરશે.
સુપ્રીમ કોર્ટની પાંચ જજોની બેન્ચ આ નિર્ણય આપશે. સર્વોચ્ચ અદાલતના વરિષ્ઠ ન્યાયાધીશ જસ્ટિસ ડી.વાય. ચંદ્રચૂડ, જસ્ટિસ સંજય કિશન કૌલ, જસ્ટિસ સંજીવ ખન્ના, જસ્ટિસ બી.આર. ગવઇ અને જસ્ટિસ સૂર્યકાંત સામેલ છે.


આ અંગે થયેલી દલીલોમાં કેન્દ્ર સરકાર પર ફ્રોડ જેવા આક્ષેપો લગાવવામાં આવ્યા હતાં જેના જવાબમાં કેન્દ્ર સરકારે કોર્ટ સામે કહ્યું હતું કે, અમે બંધારણ સાથે કોઇ ફ્રોડ કર્યુ નથી. 370 હટાવ્યા બાદ ઘાટીમાં અભૂતપૂર્વ બદલાવ જોવા મળી રહ્યો છે. વર્ષોથી ત્યાં જે અશાંતી અને ઉથલ-પાછલનો માહોલ હતો હવે એ શાંત થઇ ગયો છે. કેન્દ્રએ કહ્યું કે કાશ્મીર એક માત્ર રાજ્ય નથી જેનો વિલય શર્તો સાથે ભારતમાં થયો છે. આવા બીજા અનેક રાજ્યો છે.


આ કેસમાં કેન્દ્રના વિરોધમાં અરજી કરનારાઓના વકીલોમાં કપિલ સિબ્બલ, ગોપાલ સુબ્રમણ્યમ, રાજીવ ધવન, દુષ્યંત દવે, ગોણલ શંકરનારાયણ અને જફર શાહનો સમાવેશ છે. જ્યારે કેન્દ્ર તરફથી એટર્ની જનરલ આર વેંકટરામન, સોલિસિટર જનરલ તુષાર મેહતા, હરિષ સાલવે, રાકેશ દ્વિવેદી અને વી. ગિરી સામેલ છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button