દેખ રહે હો બિનોદ.. પંચાયત-3 કા ફર્સ્ટ લુક આ ગયા હૈ!
દર્શકોને ભરપૂર હસાવવા માટે ફૂલેરાના ગ્રામજનો સાથે ‘સચિવજી’ અભિષેક ત્રિપાઠી ફરીવાર આવી પહોંચ્યા છે. એમેઝોન પ્રાઇમ વીડિયોની સુપરહીટ વેબ સિરીઝ ‘પંચાયત’નો ત્રીજો ભાગ ટૂંક સમયમાં જ રિલીઝ થશે.
પંચાયત સીઝન-3ના ફર્સ્ટ લુકમાં જીતેન્દ્ર કુમાર એટલે કે ‘સચિવ જી’ અભિષેક ત્રિપાઠી બાઇક ચલાવી રહ્યા છે અને તેની પાછળ ટ્રોલી બેગ છે. જેના પરથી કહી શકાય કે તેઓ ફૂલેરા ગામમાં પાછો ફર્યો છે.
આ સિવાય અન્ય એક ફર્સ્ટ લુક પોસ્ટરમાં સિરીઝના કલાકારો દુર્ગેશ કુમાર, અશોક પાઠક અને બુલો કુમાર બેન્ચ પર બેઠા છે. તેની પાછળની દીવાલ પર લખેલુ છે કે, “ઠોકર લગતી હૈ તો દર્દ હોતા હૈ, તભી મનુષ્ય સીખ પાતા હૈ!”
કેટલાક મીડિયા અહેવાલો મુજબ આ વેબ સિરીઝ માર્ચ 2024માં રિલીઝ થઈ શકે છે. ‘પંચાયત’ની પહેલી સીઝન એપ્રિલ 2020માં આવી હતી. તે સમયે કોવિડનો સમયગાળો હતો અને એવામાં આ સિરીઝને ખૂબ જ પસંદ કરવામાં આવી હતી. આ પછી તેની બીજી સીઝન આવી જેને મે 2022માં રિલીઝ કરવામાં આવી.
‘પંચાયત’ વેબ સિરીઝમાં ઉત્તર પ્રદેશના ફૂલેરા ગામની વાર્તા બતાવવામાં આવી છે. જેમાં અભિનેતા જીતેન્દ્ર કુમાર ‘અભિષેક ત્રિપાઠી’ નું પાત્ર ભજવી રહ્યા છે. અભિષેકને મેનેજમેન્ટમાં ડિગ્રી લેવી છે જેના માટે તે પ્રવેશ પરીક્ષાની તૈયારી કરી રહ્યો છે. તે દરમિયાન તેણે રમતમાં જ સરકારી નોકરી માટે એપ્લાય કર્યું હોય છે પરંતુ તેની નોકરી લાગી જાય છે.
આથી તે પૈસા કમાવાની આશાએ નોકરી સ્વીકારી લે છે અને વિચારે છે કે નોકરીની સાથે સાથે પરીક્ષાની તૈયારી કરશે. જો કે નોકરી માટે યુપીના નાનકડા ગામડામાં તેણે રહેવા આવવું પડે છે, અને તે પછી ગામડાના લોકો કઇ રીતે જીવે છે, તેમને શું સમસ્યાઓ હોય છે તે અંગે તે પરિચિત થાય છે જે એક હાસ્યપ્રદ શૈલીમાં વર્ણવાયું છે. આ વેબ સિરીઝને ઘણા એવોર્ડઝ પણ મળ્યા છે.