હોટેલની મહિલા કર્મચારીની જાતીય સતામણી: યુએસના નાગરિક સામે ગુનો
થાણે: નવી મુંબઈમાં હોટેલની મહિલા સફાઈ કર્મચારીની કથિત જાતીય સતામણી કરવા બદલ યુએસના નાગરિક વિરુદ્ધ પોલીસે ગુનો નોંધ્યો હતો.
પોલીસના જણાવ્યા મુજબ ઘટના તુર્ભે પરિસરમાં આવેલી એક હોટેલ ખાતે શનિવારની સવારે 11.30 વાગ્યાની આસપાસ બની હતી.
23 વર્ષની મહિલા કર્મચારીએ નોંધાવેલી ફરિયાદ અનુસાર તે હોટેલના એક એપાર્ટમેન્ટમાં પ્રવેશી ત્યારે બાથ રૉબમાં હાજર 26 વર્ષના વિદેશી યુવકે જાતીય તરફેણની માગણી કરી હતી, એવું તુર્ભે પોલીસ સ્ટેશનના અધિકારીએ રવિવારે જણાવ્યું હતું.
આ પ્રકરણે મહિલાએ પોલીસનો સંપર્ક સાધી ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદને આધારે પોલીસે શનિવારની રાતે યુએસના પેન્સિલ્વેનિયાના વતની એવા યુવક સામે ભારતીય દંડ સંહિતાની કલમ 354-એ હેઠળ એફઆઈઆર નોંધ્યો હતો. આ પ્રકરણે તપાસ કરવામાં આવી રહી હોવાથી રવિવારની મોડી સાંજ સુધી ધરપકડ કરાઈ નહોતી, એમ અધિકારીએ જણાવ્યું હતું. (પીટીઆઈ)