નેશનલ

“આશા છે કે SC જમ્મુ-કાશ્મીરના લોકોની તરફેણમાં ચુકાદો આપશે”: ગુલામ નબી આઝાદ

શ્રીનગર: સુપ્રીમ કોર્ટ આવતી કાલે સોમવારે બંધારણની કલમ 370 અને 35A રદ કરવાના કેન્દ્ર સરકારના નિર્ણયની વિરુદ્ધ દાખલ થયેલી અરજીઓ અંગે નિર્ણય સંભળાવશે. એ પહેલા જમ્મુ અને કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ગુલામ નબી આઝાદે આજે રવિવારે આશા વ્યક્ત કરી હતી કે સુપ્રીમ કોર્ટ જમ્મુ અને કાશ્મીરના લોકોની તરફેણમાં પોતાનો ચુકાદો આપશે.

ગુલામ નબી આઝાદે પત્રકારોને કહ્યું, મેં આ અગાઉ પણ કહ્યું છે કે માત્ર બે જ સંસ્થાઓ છે જે જમ્મુ અને કાશ્મીરના લોકોને કલમ 370 અને 35A પરત કરી શકે છે સંસદ અને સુપ્રીમ કોર્ટ. સુપ્રીમ કોર્ટની બેંચ નિષ્પક્ષ છે અને અમને આશા છે કે તે જમ્મુ-કાશ્મીરના લોકોની તરફેણમાં ચુકાદો આપશે.

આઝાદે કહ્યું કે તેમને નથી લાગતું કે સંસદ 5 ઓગસ્ટ, 2019ના રોજ લીધેલા નિર્ણયોને ઉથલાવશે, કારણ કે એ માટે લોકસભામાં બે તૃતીયાંશ બહુમતીની જરૂર પડશે. કલમ 370 અને કલમ 35A ને પરત સ્થાપિત કરવા માટે લોકસભામાં 350 મતોની જરૂર પડશે. મને નથી લાગતું કે વિપક્ષ આટલો આંકડો એકત્રિત કરી શકશે. મોદીજી પાસે બહુમતી છે, પરંતુ તેઓ આવું કરશે નહીં. તેથી, ફક્ત સુપ્રીમ કોર્ટ જ આ કરી શકે છે.

આઝાદે કહ્યું કે જમ્મુ અને કાશ્મીરમાં દરેક ધર્મ અને જાતિના લોકો ચાર વર્ષ પહેલા રદ કરાયેલી બંધારણની વિશેષ જોગવાઈઓ સાથે ભાવનાત્મક જોડાણ ધરાવે છે. તે મહત્વનું છે કે અમારા વર્તમાન અને ભવિષ્યને સુરક્ષિત કરવા માટે આ જોગવાઈઓ પુનઃસ્થાપિત કરવામાં આવે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button