ટ્રેનમાં મહિલાનો વિનયભંગ કરવાના કેસમાં આરોપીને એક દિવસની સજા
મુંબઈ: ઉપનગરની લોકલ ટ્રેનમાં 2019માં મહિલાનો વિનયભંગ કરવાના કેસમાં કોર્ટે 49 વર્ષના આરોપીને એક દિવસની સજા સંભળાવી હતી.
મેટ્રોપોલિટન મૅજિસ્ટ્રેટ બી. કે. ગાવંડેએ ચુકાદામાં નોંધ્યું હતું કે આ ગુનો ‘ઘૃણાસ્પદ’ છે અને તેથી આરોપીને રાહતનો લાભ આપી શકાય નહીં.
કેસની વિગતો અનુસાર 13 ઑગસ્ટ, 2019ના રોજ મહિલા વેસ્ટર્ન રેલવેની ટ્રેનમાં મુસાફરી કરી રહી હતી ત્યારે આરોપીએ વારંવાર તેનો કથિત વિનયભંગ કર્યો હતો. રોષે ભરાયેલી મહિલા અને તેના ભાઈએ આરોપી સાથે ઝઘડો કર્યો હતો. બાદમાં ભાઈ-બહેને આરોપીને બાન્દ્રા રેલવે પોલીસને સોંપ્યો હતો.
કોર્ટે નોંધ્યું હતું કે ફરિયાદી મહિલાના પુરાવા અને અન્ય સાક્ષીદારોએ ઘટના બની હતી એવું સ્થાપિત કરી દીધું છે. આવું કૃત્ય કરીને તે મહિલાનો વિનયભંગ કરી રહ્યો હોવાની જાણ હોવા છતાં આરોપીએ હેતુપૂર્વક વિનયભંગ કર્યો હોવાનું પુરાવા પરથી સ્પષ્ટ થાય છે.
આરોપીએ ભારતીય દંડ સંહિતાની કલમ 354 હેઠળ ગુનો કર્યો હોવાનું પુરવાર કરવામાં ફરિયાદી પક્ષ સફળ રહ્યો છે એમાં શંકાને કોઈ સ્થાન નથી, એવું કોર્ટે જણાવ્યું હતું.
આરોપીને સજામાં રાહતનો લાભ આપવાનો ઇનકાર કરતાં કોર્ટે નોંધ્યું હતું કે તેના દ્વારા કરવામાં આવેલું કૃત્ય ઘૃણાસ્પદ છે. મૅજિસ્ટ્રેટે કોર્ટનું કામકાજ પૂરું થાય ત્યાં સુધી સજા આપી હતી અને એક હજાર રૂપિયાનો દંડ પણ ફટકાર્યો હતો. (પીટીઆઈ)