મોરબી પુલ દુર્ઘટનામાં ‘પીડિતોને નોકરી અથવા આજીવન પેન્શન આપો’ – ગુજરાત હાઈકોર્ટનો ઓરેવા ગ્રુપને આદેશ
અમદાવાદઃ મોરબી ઝુલતો પુલ તૂટી પડવા મામલે ભોગ બનેલા લોકોના પરિજનોને એક સમયનું વળતર પૂરતું નથી તેવું અવલોકન કરીને ગુજરાત હાઈકોર્ટે જવાબદાર કંપની ઓરેવા ગ્રુપને વૃદ્ધો અને વિધવાઓને સ્ટાઈપેન્ડ/પેન્શન અથવા નોકરી આપવા આદેશ કર્યો હતો. હાઇ કોર્ટે એમ પણ જણાવ્યું હતું કે ઓરેવા ગ્રુપે પીડિત પરિવારોને જીવનભર ટેકો આપવો પડશે કારણ કે તેમણે પીડિત પરિવારોનું જીવન જ બરબાદ કરી નાખ્યું છે.
ચીફ જસ્ટિસ સુનિલ અગ્રવાલ અને જસ્ટિસ અનિરુદ્ધ માયીની ડિવિઝન બેંચ ૩૦ ઑક્ટોબર, ૨૦૨૨ની ઘટનાની સુઓ મોટો પીઆઇએલ પર સુનાવણી કરી હતી. મોરબીનો ઝુલતો બ્રિજ તૂટી પડતા 135 લોકોના મૃત્યુ થયા હતા.
પીડિત પરિવારોમાં એવી વિધવાઓ પણ છએ, જેમનું જીવન કાયમ માટે ઉથલપાથલ થઇ ગયું છે. આ એવી સ્ત્રી છે, જે ક્યારેય ઘરની બહાર નથી નીકળી. તેઓ ઘરની બહાર નીકળે અને કામ પર જાય એવી અપેક્ષા ના રાખી શકાય એવું અવલોકન કરી કોર્ટે ઓરેવા કંપનીને પીડિત પરિવારની વિધવાઓને નોકરી અથવા સ્ટાઇપેન્ડ આપવા જણાવ્યું હતું. જોકે, કંપનીએ દાવો કર્યો હતો કે તે અનાથ અને વિધવાઓની સંભાળ લઈ રહી છે. એ સમયે કોર્ટે સવાલ કર્યો હતો કે કંપનીએ વૃદ્ધ લોકો વિશે શું નિર્ણય લીધો છે જેમણે તેમના પુત્રો ગુમાવ્યા, જેના પર તેઓ ર્નિભર હતા. કોર્ટે કહ્યું, જે વડીલો પોતાના પુત્રોની કમાણી પર ર્નિભર હતા તેમના માટે તમે શું કરવાના છો? તેમને આજીવન પેન્શન મળવું જોઈએ. ડિવિઝન બેંચે કહ્યું હતું કે, ‘એકસામટુ વળતર તેમને મદદરૂપ બનશે નહીં એ ધ્યાનમાં રાખો. આ દુર્ઘટના પીડિત પરિવારોના જીવન માટે એક ઘા સમાન છે. એક વખતનું વળતર કદાચ તેમને મદદ ના કરી શકે. કંપની દ્વારા સતત ખર્ચ કરવો પડશે અને પીડિત પરિવારને મદદરૂપ થવા ઊભા રહેવું પડશે.
હાઇ કોર્ટે અસરગ્રસ્ત લોકોને વળતર આપવા માટે એક ટ્રસ્ટની રચના કરવા પણ જણાવ્યું હતું, કારણ કે લાંબા સમય સુધી આ કેસની દરેક પ્રક્રિયાની દેખરેખ રાખવી કોર્ટ માટે શક્ય નથી. બેન્ચે સરકારને એવી રીતો સૂચવવા પણ કહ્યું હતું કે જેનાથી પીડિત પરિવારોની જરૂરિયાતો પૂરી થઈ શકે.
જ્યારે કંપનીએ કોર્ટને ફરિયાદ કરી કે પીડિતો સાથેના તેના કામમાં તેમની દુશ્મનાવટ અને પુરાવા સાથે ચેડા કરવાના આરોપોથી અવરોધ આવી રહ્યો છે, ત્યારે કોર્ટે મોરબી કલેક્ટરને કંપની સાથે સંકલન કરવા તેમ જ વર્તમાન સ્થિતિ તેમજ પીડિતોના પરિવારજનોની સ્થિતિ અને આર્થિક સ્થિતિનો અહેવાલ રજૂ કરવા આદેશ આપ્યો હતો.