ઉત્સવ

ખાખી મની-૬

ઉદયસિંહે પલટી મારી.? જે કાલ રાત સુધી કહેતો હતો કે ચાર ભાગ પડશે. સરખા ભાગે કે સરખા ભોગે.’

અનિલ રાવલ

ઇમામ અને હરપાલસિંઘની સીધી ચીમકીથી ડરી ગયેલા બસરાએ સૌથી પહેલાં પોતાની કાર ચોરાઇ હોવાની ફરિયાદ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં
નોંધાવી દીધી અને પોતે અનવરને શોધવા સુરત એના ઘરે પહોંચી ગયો.

બારણે લટકતું અલીગઢનું તાળું જોઇને એ એકદમ ઢીલો પડી ગયો. પડોસમાં એક જણને પૂછ્યું તો બરાબર જવાબ ન મળ્યો. બીજાને પૂછ્યું. જવાબમાં ખભા ઉછળ્યા. કોઇએ મોં વાંકું કર્યું. અંતે એક મુસ્લિમ બુઢ્ઢીએ કહ્યું કે અનવરની બીવી એનાથી કંટાળીને એના માયકે અલીગઢ જતી રહીને છ મહિના થઇ ગયા. હતાશ અને માયુસ અનવર અલીગઢનું તાળું જોઇને પાછો ફર્યો.

બસરા બીજે દિવસે મેટરનિટી હોમમાં એના પુતરને રમાડી રહ્યો હતો, પણ એનું ધ્યાન અનવરને શોધવામાં હતું. એને ક્યાં શોધવો. અનવર તું દગાબાજ નીકળ્યો…..મારા પૈસા લઇને, ભાગીને તું ક્યાં જઇશ…તને પાતાળમાંથી હું શોધી કાઢીશ.

યહ દેખોજી…બસરાની વાઇફે મેટરનિટી હોમમાં ચાલી રહેલા ટીવી ન્યુઝ બતાવ્યા. યહ તો હમારી ગડ્ડી હૈ….

ઝટપટ ૧૦૧ ન્યૂઝની બ્રોડકાસ્ટર બોલી રહી હતી: મહારાષ્ટ્રના અલિયાપુર ગામના જંગલ વિસ્તારમાંથી પોલીસને એક કાર અને મૃત હાલતમાં ડ્રાઇવર મળી આવ્યો છે. લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી અપાઇ છે અને વધુ તપાસ ચાલુ છે.

બસરાના હ્દયના ધબકારા વધી ગયા. અનવરની લાશ. પોતાની કાર. મહારાષ્ટ્રની હદમાં…..ન્યૂઝ રીડર પૈસા ભરેલી બેગનું કાંઇ બોલી નહીં. બેગનું શું થયું.

હું આવું છું…કહીને બસરા ઝડપથી નીકળીને સીધો ચાંદખેડા પોલીસ સ્ટેશન પહોંચી ગયો.

ગજાનન ભાઉ થેન્ક યુ……આપ જૈસે સોર્સલોગ હૈ તો પ્રિન્ટ મિડિયા આજ ભી ઇલેક્ટ્રોનિક મિડિયા સે આગે હૈ. અમન રશ્તોગી ફ્રીડમ એક્સપ્રેસ હાથમાં રાખીને ગજાનન સાથે મોબાઇલ પર વાત કરી રહ્યો હતો. ગજાનને આપેલી માહિતી અને રાધિકાએ જોયેલી ઘટનાને આધારે અમન રસ્તોગીએ અખબારમાં સ્કૂપ છાપી માર્યું. જેનું એણે સનસનાટીપૂર્ણ હેડિંગ આપ્યું. એ કારમાં શું હતું. ડ્રગ્સ, પૈસા કે શસ્ત્રો.?

અબ દેખના ગજાનન ભાઉ, કિતના બડા હંગામા હો જાતા હૈ. ઇસકે પીછે જો હૈ વો સબ હિલ જાયેંગે.’

ગજાનને અમનને માત્ર કાર અને ડ્રાઇવરની લાશ મળી હોવાની માહિતી આપી હતી, પણ અમન રસ્તોગીએ મહારાષ્ટ્રની હદમાં આવેલી અલિયાપુર પોલીસ ચોકીનો નંબર શોધીને, ઇન્ચાર્જ સાથે વાત કરીને, થોડું મરચુંમીઠું ઉમેરીને તેજ વઘાર કરી નાખ્યો. ગજાનન ભાઉ નારાજ થયો, પણ કાંઇ બોલ્યો નહીં.

ભાઉ, ઇસકો ફોલો અપ કરો ઔર શામ કો બતાઓ.’ ફોન કટ કરીને અમન રસ્તોગીએ છાતી ફુલાવી.


બેબાકળો બની ગયેલો બસરા ઇન્સ્પેક્ટરને મળીને કહેવા માંડ્યો.

સાહેબ, મારી કાર મહારાષ્ટ્રની હદમાંથી મળી આવી. એમાં કારચોરની લાશ પણ છે….ટીવી ઓન કરો સાહેબ…ઝટપટ ૧૦૧ ન્યૂઝમાં બતાવે છે.’

મહારાષ્ટ્રની હદમાં કેસ નોંધાયો હશે…કાર ગુજરાતમાં નોંધાયેલી છે એટલે ત્યાંની પોલીસ અમને પૂછશે જ. ત્યારે તમને બોલાવશું.’ ઇન્સપેક્ટરે ઝટપટ ન્યૂઝ જેવો જ ઝડપી જવાબ આપી દીધો.
પણ સાહેબ મારે મારી કાર પાછી જોઇએ છે.’ બસરા બોલ્યો. ઇન્સ્પેક્ટરે બસરાને ધ્યાનથી જોયો.

કેમ કારમાં દાણચોરીના હીરા છે.?’

નહીં નહીં સાહેબ એવું નથી, પણ આપણી પોતાની કાર પાછી મળી જાય તો સારુંને’

મળશેને….મહારાષ્ટ્રની પોલીસ અહીં આવશે. તમને સવાલો પૂછશે. મરનાર કોણ હતો એની તપાસ કરશે….એની અસલિયત જાણશે. તપાસ-ઊલટતપાસ ને કોર્ટ-કચેરીના ધક્કાને અંતે તમને કાર મળશે.’

બસરાના પગ થરથર ધ્રૂજવા માંડ્યા.

સાહેબ મેં નોંધાવેલી કારચોરીની ફરિયાદનો રિપોર્ટ મને આપોને..હું ત્યાં જઇને બતાવી દઉં તો મારી કાર મને આપી દે.’ બસરા પ્રોસીજર જાણતો હોવા છતાં ઇન્સ્પેક્ટર કાંઇક રસ્તો કાઢી આપશે એવી આશાથી બોલતો રહ્યો.

કોઇ અર્થ નથી. બધું પ્રોસીજર મુજબ થશે. બધું વાજતેગાજતે અમારે માંડવે આવશે.’ ઇન્સ્પેક્ટર બસરાની મુંઝવણ અને ઉતાવળ સમજી ગયો હતો, પણ એને કોઇ ઉતાવળ નહતી. કારણ કે મામલો મહારાષ્ટ્રની હદમાં હતો. એ આ કેસમાં લાંચ લઇને પતાવટ કરવાની સ્થિતિમાં નહતો.

બસરાને ચેન ન પડ્યું….એ ગ્રંથી હરપાલસિંઘ પાસે ગયો. જ્યાં ઇમામ પહેલેથી જ બેઠેલા હતા.

ઇમામે ટેબલ પર પડેલું ફ્રીડમ એક્સપ્રેસ ઉઠાવીને બસરા સામે ફેંકતા કહ્યું: ટીવીવાલે અબ જાગે હૈ….ઇસને છાપ દિયા હૈ…વોહ ભી ડિટેલ મેં… કાર મેં ક્યા થા…..ડ્રગ્સ, પૈસા યા શસ્ત્ર.? હેડિંગ પઢો…અંગ્રેઝી પઢ લેતે હો.?’

અનવર મર ગયા.’ બસરા બબડ્યો.

ગ્રંથી સાહબ, હમ પૈસે કી ફીકર મેં હૈ ઔર યે અનવર કા માતમ મના રહા હૈ.’
મેરા મતલબ હૈ….કિસીને અનવર કો માર કે પૈસા લૂટ લિયા હૈ.’ બસરાએ કહ્યું.
બસરા, ઉસે ઢૂંઢો…જો લૂટ કે ચલા ગયા હૈ.’ ગ્રંથી હરપાલસિંઘે કહ્યું.
બસરાના ગયા પછી તરત જ ઇમામે અબ્દુલ્લાને બોલાવીને બસરા પર નજર રાખવા કહ્યું.


લીચી અને ઉદયસિંહની કાર એક જ સમયે જગ્ગી દા ધાબાના પાર્કિંગ એરિયામાં સામસામી થઇ.

વાહ, શું ટાઇમિંગ છે સર આપણું,’ લીચીએ કારમાંથી ઉતરતા કહ્યું.

જવાબમાં ઉદયસિંહ માત્ર હસ્યો….એ વિચારતો હતો કે લીચી પટેલે એને શા માટે બોલાવ્યો છે.

વાહ, જગ્ગી દા ધાબામાં તો આખું પંજાબ ઉતરી આવ્યું છે…ખાટલા, ઢોલીડા, કુવામાંથી પાણી સીંચતી પંજાબી કુડીઓ, હાથમાં ડાંગ લઇને બલ્લે બલ્લે કરતા ખડતલ સરદારો, ખેત-ખલિયાન, માટીનો ચુલ્લો ફૂંકતી બુઝૂર્ગ બાઇજી…’ લીચીએ પંજાબની સંસ્કૃતિની ઝલક દેખાડતી રેસ્ટોરન્ટમાં નજર ફેરવતા કહ્યું.

લાગે છે કે તમે અહીં ક્યારેય આવ્યા નથી..’ ઉદયસિંહ ટેબલ પર બેસતા બોલ્યો.

ના…પહેલીવાર.’ લીચીની નજર હજી પંજાબના ગામડામાં ફરી રહી હતી. ડ્રિન્ક લેશો મેડમ?’

ના, થેન્ક યુ, હું પીતી નથી.’ એટલીવારમાં વેઇટર આવ્યો
નમસ્તે સરજી….બહુ વખતે દેખાયા.’ ઓળખીતો શીખ વેઇટર ઉદયસિંહને જોઇને ખુશ થઇ ગયો.

સમય જ ક્યાં મળે છે.’ પછી એણે લીચીની સામે જોઇને કહ્યું: અહીંનો સ્ટાફ પણ પંજાબી જ….આ બધા ગુજરાતમાં રહીને ફાંકડું ગુજરાતી બોલતા થઇ ગયા.’
મારા માટે પતિયાલા રમ. મેડમ તમે ખરેખર કાંઇ નહીં લો.?’

નાજી, નો પતિયાલા, નો લુધિયાણા, નો હરિયાણા. ઓનલી થમ્સ અપ….એકદમ ચિલ્ડ.’ વેઇટર હસીને નીકળી ગયો.

બોલો મેડમ, હવે તમારી વાત કરો.’ ઉદયસિંહે વાત છેડી.

સર, મને લાગે છે કે આપણે આપણી રીતે આ નાણા કોના છે અને કોને મોકલવામાં આવી રહ્યા હતા એ શોધી કાઢવું જોઇએ.’

અનવર વિશે મેં તપાસ કરી…એ સુરતનો હતો…બે નંબરના પૈસાની ડિલિવરીનું કામ કરતો હતો. ટૂંકમાં એણે આપણને જે કહ્યું એ સાચું હતું.’

એ પોપટની જેમ બધું બોલી ગયો એટલે જ શંકા જાય છે. કાર બીજાની, પૈસા બીજાના, આરસી બુક બીજાની…એનું ખાલી લાઇસન્સ.’ લીચી બોલી.

વેઇટરને આવતો જોઇને બંનેએ વાત અટકાવી. એણે ગ્લાસમાં ઉપર સુધી આઇસ નાખ્યો. લીંબુની અડધી ફાડ નીચોવી. સ્ટર કરીને ગ્લાસ ઉદયસિંહ તરફ આગળ કર્યો. મેડમ, યહ રહા આપકા ચિલ્ડ થમ્સ અપ. બોલીને એણે ઠંડા કરી રાખેલા લાંબા ગ્લાસમાં થમ્સ અપ રેડી.

શેની શંકા છે તમને મેડમ?’ વેઇટરના ગયા પછી ઉદયસિંહે પહેલી સિપ મારી અને રમના પહેલાં જ ઘૂંટડે એના આખાય શરીરમાં ઝણઝણાટી પ્રસરી ગઇ.

આમાં કોઇ મોટી ગેમ છે…હવે અનવર નથી, બસરા છે….એની તપાસ કરવી રહી.’

તપાસ કરીને શું કરશો મેડમ, મુદ્દામાલ તો આપણી પાસે છે. પછી એ કોનો છે અને એની પાછળ કોણકોણ છે એની ઝંઝટમાં શા માટે પડવું.’

પગેરૂં આપણા સુધી નીકળે તે પહેલા મારે પગલું દાબી દેવું છે, બસરાને શોધવો છે,’ લીચી બોલી.

મેડમ, હજી એકવાર કહું છું કે તમે તપાસના ચક્કરમાં નહીં પડો….એ કામ મહારાષ્ટ્રની પોલીસને કરવા દો….બધું બહાર આવશે જ…અને આપણને મિડિયા મારફતે ખબર મળતી રહેશે,’
સર, બધું બહાર આવશે તો એમાં આપણું નામ પણ હશે, જે હું ઇચ્છતી નથી.’

બસરાની આરસી બુકમાં એનું અમદાવાદનું સરનામું છે જ. પહોંચી જાવ એના ઘરે…પણ સંભાળજો લીચી મેડમ, તમે ત્રાટકતી વીજળી પકડી લીધી છે.’
મેં નહીં સર, આપણે.’ લીચીએ ઉદયસિંહના શબ્દો સુધાર્યા.

સોરી કહીને ઉદયસિંહે સિપ મારી. એટલામાં ઉતાવળી ચાલે વેઇટર આવ્યો.

સરજી, તમને જગ્ગી શેઠ યાદ કરે છે.’

બે મિનિટ જરા જગ્ગીને મળીને આવું. મારી એની સાથે સારી યારીદોસ્તી છે.’ લીચી ઠાલું હસી.

કાલે રાતે તને ફોન લગાડવાની કેટલી ટ્રાય મારી….ફોન લાગે જ નહીં તારો.’ જગ્ગીએ કહ્યું.

હું પણ તમને ફોન લગાડવાની ટ્રાય કરતો હતો. મારા મોબાઇલની બેટરી ઉતરી ગયેલી ને પોલીસ ચોકીની લેન્ડલાઇન ઠપ હતી,’ ઉદયસિંહે કહ્યું.

જો ઉદયસિંહ, એ લોકોને ડ્રગ્સના બદલામાં ડ્રગ્સ જોઇએ અને કાં પૈસા. ફાઇનલ વાત થઇ ગઇ છે….હું વચ્ચે છું એટલે તને સમય આપ્યો…હવે વધુ ટાઇમ નહીં મળે.’
જગ્ગી શેઠ, પૈસા આવી ગયા છે…મારી પાસે આવતા થોડી વાર લાગશે.’

જગ્ગી વિચારમાં પડી ગયો કે આ બે કોડીના સિનિયર ઇન્સ્પેક્ટરની પાસે બે કરોડ આવી ગયા છે.

બેંક લૂંટે તો પણ એટલી રકમ ન મળે. ટાઇમપાસ કરતો લાગે છે.’

સરદારનું દિમાગ છટક્યું: તારી ઓકાત નથી આટલી મોટા રકમ ભરવાની. મને તો સાચું કહી દે. ગાંધીધામથી જગ્ગી દા ધાબા સુધી ડ્રગ્સ લાવતી વખતે માલ ચોરાઇ ગયો કે તેં વેંચી માર્યો.?’
જગ્ગીભાઇ, હું તમારી સાથે ગદ્દારી ક્યારેય ન કરું. માલ ચોરાઇ ગયો. સાચું કહું છું. માતાજીના સમ.’ ઉદયસિંહે કહ્યું.

તું વહેવાર જલ્દી પતાવી દે. હું હાથ ઊંચા કરી દઇશ તો તારો ઊંચો ચડી ગયેલો શ્વાસ સાવ બંધ થઇ જશે.’ જગ્ગીના મોબાઇલની રીંગ વાગી. એણે ઉદયસિંહને જવાનો ઇશારો કર્યો.

ઉદયસિંહ મોં પરાણે હસતું રાખીને ટેબલ પર પાછો ફર્યો. ચિઠ્ઠીમાં પોતાનું નામ નીકળ્યું હોત તો ડ્રગ્સનો હિસાબ પતી જાત. વિચારીને એણે ગ્લાસમાં બચેલો રમ એક જ ઘૂંટડે ગળા નીચે ઉતારી દીધો.
લાંચિયા પોલીસ તરીકેની છાપને લીધે બદલીની સજારૂપે દાદરા નગર હવેલી ફેંકી દેવાયેલા ઉદયસિંહે જગ્ગીના ડ્રગ્સની ડિલિવરીનું કામ શરૂ કરી દીધું હતું. પણ છેલ્લી ખેપમાં ઉદયસિંહ થાપ ખાઇ ગયો. હાઇવે પર લકી હોટલ પર કાર ઊભી રાખીને પેશાબ કરવા ગયો એટલીવારમાં કોઇ ડ્રગ્સ ચોરી ગયું ને ઉદયસિંહ જગ્ગી અને ડ્રગ માફિયાની જાળમાં ફસાઇ ગયો.
લીચીને જગ્ગીએ બોલાવ્યો ત્યાર પહેલાના અને પછીના વર્તનમાં ફરક લાગ્યો..એને કાંઇક ગરબડ હોવાની શંકા ગઇ.

બધું ઓલરાઇટ છે, સર.?’

હા એકદમ ઓલરાઇટ.’ એણે વેઇટરને બીજા ડ્રિંગનો ઓર્ડર આપ્યો.

મેડમ, તમે બસરાની તપાસને મૂકો તડકે…આપણે પૈસાના ભાગ પાડી નાખીએ…. બે જ ભાગ. કનુભા અને પાટીલને આપવાની કાંઇ જરૂર નથી.’

ઉદયસિંહે પલટી મારી.? જે કાલ રાત સુધી કહેતો હતો કે ચાર ભાગ પડશે. સરખા ભાગે કે સરખા ભોગે.’ લીચી ઉદયસિંહના અલગ રંગઢંગ જોતી જ રહી ગઇ.

સર, ચોરીના કામમાં બેઇમાની નહીં ચાલે..અને સર આમ અચાનક વાતમાંથી ફરી જવાનું અને આટલી જલ્દી ભાગ પાડી લેવાનું કોઇ ચોક્ક્સ કારણ ?’
હું પોલીસ ચોકીનો ઇન્ચાર્જ છું, સિનિયર છું…હું કહું એમ થશે.’

લીચી ખડખડાટ હસી પડી. મારા સિનિયર સરજી, આ ઘટના પોલીસ ચોકીમાં નહીં, હાઇવે પર બની છે ને આખો આઇડિયા મારો હતો. આપણે ચોર છીએ. સરખાભાગની ગુનેગારી છે આપણી. સર, પૈસાના ચાર ભાગ પડશે..જ્યારે પણ પડશે ત્યારે..અને તમે એ નહીં ભૂલતા કે પૈસા મારી પાસે છે. અને તમે કોઇને આ વિશે કહી પણ નહીં શકો….એટલે ભલાઇ એમાં જ છે કે આપણે સાથે મળીને કામ કરીએ. અને હા તમે કોઇ મુશ્કેલીમાં હો અને મારી સાથે શેર કરવા માગતા હોત તો અડધી રાતે કોલ કરજો. મારા મોબાઇલની બેટરી ઉતરી નથી જતી.’ લીચી લુચ્ચુ હસીને નીકળવા જતી હતી ત્યાં ટીવી પર દર્શાવાતા સમાચાર જોઇને ઊભી રહી ગઇ.

મહારાષ્ટ્રના અલિયાપુર ગામના જંગલ વિસ્તારમાંથી પોલીસને એક કાર અને મૃત હાલતમાં ડ્રાઇવર મળી આવ્યો છે. લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી અપાઇ છે અને વધુ તપાસ ચાલુ છે.
ક્રમશ:

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત