મેફેડ્રોન જપ્તીનો કેસ: કોર્ટે ડ્રગમાફિયા લલિત પાટીલ, અન્ય ત્રણને 18 ડિસેમ્બર સુધી પોલીસ કસ્ટડી ફટકારી
નાશિક: કરોડો રૂપિયાના મેફેડ્રોન ડ્રગ્સની જપ્તીના કેસમાં ડ્રગમાફિયા લલિત પાટીલ અને અન્ય ત્રણને નાશિક કોર્ટે શનિવારે 18 ડિસેમ્બર સુધીની પોલીસ કસ્ટડી ફટકારી હતી.
નાશિક પોલીસે શુક્રવારે રાતે મુંબઈની આર્થર રોડ જેલમાંથી લલિત પાટીલ, રોહિત ચૌધરી, ઝીશાન શેખ અને હરિશ પંતની કસ્ટડી મેળવી હતી અને તેમને નાશિક લવાયા હતા.
આ ચાર અને અન્ય આરોપી શિવાજી શિંદેને નાશિક જિલ્લાની સેશન્સ કોર્ટમાં હાજર કરાયા હતા, જ્યાં ન્યાયાધીશે બંને પક્ષની દલીલો સાંભળી હતી. લલિત પાટીલ, ચૌધરી, શેખ અને પંતને 18 ડિસેમ્બર સુધીની પોલીસ કસ્ટડી ફટકારવામાં આવી હતી, જ્યારે શિંદેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી અપાયો હતો.
ઉલ્લેખનીય છે કે સાકીનાકા પોલીસે નાશિકમાં ડ્રગ બનાવતી ફેક્ટરીમાં રેઇડ પાડીને 300 કિલો મેફેડ્રોન જપ્ત કર્યું હતું અને આ કેસમાં પાટીલની સંડોવણી બહાર આવી હતી.
ડ્રગ્સના અન્ય કેસમાં ભૂમિકા બદલ પુણેની યેરવડા જેલમાં રખાયેલા પાટીલને સસૂન હોસ્પિટલમાં દાખલ કરાયો હતો, જ્યાં 2 ઑક્ટોબરે તેને એક્સ-રે માટે લઇ જવામાં આવી રહ્યો હતો ત્યારે તે ભાગી છૂટ્યો હતો. બે સપ્તાહ બાદ તેને કર્ણાકટથી પકડી પાડવામાં આવ્યો હતો. (પીટીઆઇ)