સાત દિવસ થયા તો પણ મુખ્ય પ્રધાનનો ચહેરો નક્કી નથી કરી શક્યા એ શું શાસન કરવાના…
જયપુર: રાજસ્થાનના પૂર્વ મુખ્ય પ્રધાન અશોક ગેહલોત હારની સમીક્ષા બેઠકમાં ભાગ લેવા માટે દિલ્હી પહોંચ્યા હતા. તે સમયે ગેહલોતે ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા અને કહ્યું હતું કે વિધાનસભાની ચૂંટણીમાં કામ પર કોઈ ચર્ચા થઈ નથી અને ભાજપના લોકો માત્ર કન્હૈયાલાલની હત્યાની ચર્ચા કરતા રહ્યા વિધાન સભામાં ફક્ત તણાવનું વાતાવરણ ઊભું કરવામાં આવ્યું હતું. જો ભાજપમાં એટલી જ સક્ષમ છે તો ચૂંટણીના પરિણામો આવ્યા સાત દિવસ થઇ ગયા પરંતુ હજુ સુધી કેમ મુખ્ય પ્રધાન તરીકે કોઇને નક્કી નથી કરી શક્યા. હવે આટલા દિવસોમાં જે પક્ષ મુખ્ય પ્રધાન નક્કી નથી કરી શક્યા એ શાસન શું કરશે?
આ ઉપરાંત ગેહલોતે ભાજપ પર આકરા પ્રહારો કરતા કહ્યું હતું કે ભાજપના રહસ્યો ખુલી રહ્યા છે. સુખદેવ સિંહ ગોગામેડી હત્યા કેસ પર મોટું નિવેદન આપતાં મુખ્યપ્રધાન અશોક ગેહલોતે કહ્યું હતું કે સુખદેવ સિંહ ગોગામેડી હત્યા કેસમાં NIAની તપાસ સામે મને કોઈ જ પ્રશ્નો નથી એવા દસ્તાવેજો પર મને સહી કરવાનું કહેવામાં આવ્યું હતું પરંતુ ખરેખરતો આ કામ નવા મુખ્ય પ્રધાનનું છે. પરંતુ ભાજપ આજ સુધી તેના નવા મુખ્ય પ્રધાન નક્કી કરી શક્યું નથી. હું ઈચ્છું છું કે ભાજપ આ અંગે જલ્દી નિર્ણય લે.
હવે આ જ ભાજપ અમારા પર વિસંવાદિતાનો આરોપ લગાવી રહી છે જ્યારે તેમની જ પાર્ટીમાં અનુશાસન નામની કોઈ વસ્તુ નથી. જો અમને આટલા દિવસ લાગ્યા હોત તો મને નથી ખબર કે આ લોકોએ શું શું આરોપ લગાવ્યા હોત. ગેહલોતે કહ્યું હતું કે કન્હૈયાલાલના મુદ્દાને રાષ્ટ્રીય બનાવ્યો. ઉશ્કેરણીજનક ભાષણો આપ્યા. ત્યારે આ લોકો લોકશાહીની હત્યા કરનારા લોકો છે. બંધારણનો ભંગ કરી રહ્યા છે. ઈડીનો દુરુપયોગ કરી રહ્યા છે. અને લોકો સાથે બહુ ખતરનાક રમત રમી રહ્યા છે, જનતા ગમે ત્યારે જવાબ માંગશે.
આ ઉપરાંત સમીક્ષા બેઠકનો ઉલ્લેખ કરતા અશોક ગેહલોતે જણાવ્યું હતું કે સમીક્ષા બેઠક યોજાઈ તેમાં ચૂંટણીમાં શું ખામીઓ હતી અને અમે કેવી રીતે હારી ગયા તેની ચર્ચા કરવામાં આવી હતી.