આસામ મ્યાનમારનો હિસ્સો હતો…’ કપિલ સિબ્બલના નિવેદનથી વિફર્યા હિમંતા
કહ્યું- ઈતિહાસની જાણકારી નથી
દિબ્રુગઢઃ આસામના મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વા સરમાએ કપિલ સિબ્બલના નિવેદન પર વળતો પ્રહાર કર્યો છે જેમાં તેમણે આસામને મ્યાનમારનો ભાગ ગણાવ્યો હતો. સિબ્બલ પર નિશાન સાધતા હિમંતા બિસ્વા સરમાએ કહ્યું હતું કે જે લોકો આસામના ઈતિહાસ વિશે નથી જાણતા તેમણે આવું બોલવું જોઈએ નહીં.
સીએમ હિમંતા બિસ્વા સરમાએ એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે આસામ ક્યારેય મ્યાનમારનો ભાગ નહોતું, કેટલોક સમય અથડામણ થઈ હતી. સીએમએ વધુમાં કહ્યું કે, મેં એવો કોઈ ડેટા જોયો નથી જે જણાવે કે આસામ મ્યાનમારનો ભાગ હતો. તેમણે કહ્યું કે કપિલ સિબ્બલ આ વિશે જાણતા નથી, તેથી તેમણે આવું બોલવું જોઈએ નહીં.
નોંધનીય છે કે નાગરિકતા અધિનિયમ 1955 ની કલમ 6A ની માન્યતાને પડકારતી અનેક અરજીઓ પર 5 ડિસેમ્બરે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન સિબ્બલે કહ્યું હતું કે આસામ એક સંધિ હેઠળ અંગ્રેજોને સોંપવામાં આવ્યું હતું. આસામ મૂળરૂપે મ્યાનમારનો હિસ્સો હતો.
સિબ્બલે આ ટિપ્પણી ત્યારે કરી જ્યારે તેઓ સમગ્ર ઇતિહાસમાં વસ્તીની હિલચાલને ટ્રેસ કરવાની જટિલતા સમજાવી રહ્યા હતા. જેમાં આસામના મ્યાનમારનો ભાગ બનવાથી લઈને બ્રિટિશ શાસન હેઠળના તેના અનુગામી શાસન અને ભાગલા પછી પૂર્વ બંગાળ સાથેના જોડાણ સુધીના ઐતિહાસિક તથ્યો છે. સિબ્બલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન કહ્યું હતું , ‘લોકો અને વસ્તીનું સ્થળાંતર ઇતિહાસમાં સહજ છે અને તેને મેપ કરી શકાતું નથી. આસામનો ઈતિહાસ જોશો તો ખબર પડશે કે કોણ ક્યારે આવ્યું તે શોધવું અશક્ય છે.
5 ડિસેમ્બરે, નાગરિકતા અધિનિયમ 1955ની કલમ 6Aની માન્યતાને પડકારતી અનેક અરજીઓ પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન સિબ્બલે કહ્યું હતું કે, આસામ મૂળ મ્યાનમારનો ભાગ હતો. 1824 માં, જ્યારે અંગ્રેજોએ આ પ્રદેશના અમુક ભાગ પર કબજો કર્યો ત્યારે એક સંધિ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા જેના દ્વારા આસામને અંગ્રેજોને સોંપવામાં આવ્યું હતું.