રાજસ્થાનના મુખ્ય પ્રધાનની રેસમાંથી બાબા બાલકનાથ બહાર? સોશિયલ મીડિયા પર આ પોસ્ટ દ્વારા સંકેત આપ્યો
જયપુરઃ રાજસ્થાન વિધાનસભા ચૂંટણીના પરિણામો 3 ડિસેમ્બરે જાહેર થઈ ગયા હોવા છતાં ભાજપે હજુ સુધી મુખ્ય પ્રધાનના નામની જાહેરાત કરી નથી. સીએમ પદના નામ પર અંતિમ નિર્ણય ભાજપ હાઈકમાન્ડ દ્વારા લેવામાં આવશે. રાજસ્થાનમાં સીએમ પદના દાવેદારોમાં ઘણા નેતાઓના નામની ચર્ચા થઈ રહી છે. જેમાં એક બાબા બાલકનાથનું નામ પણ લેવામાં આવી રહ્યું છે. જોકે, બાબા બાલકનાથે સીએમ પદના નામને લઈને ચાલી રહેલી ચર્ચાઓને ફગાવી દીધી છે.
બાબા બાલકનાથે X પર પોસ્ટ કર્યું છે. તેમણે પીએમ મોદી અને પાર્ટીનો આભાર વ્યક્ત કર્યો છે. આ ઉપરાંત તેમણે સોશિયલ મીડિયા પર ચાલી રહેલી અફવાઓને પણ સંપૂર્ણપણે ફગાવી દીધી છે. તેમણે લખ્યું છે કે મોદીજીના નેતૃત્વમાં જનતા જનાર્દને પહેલી વાર તેમને સાંસદમાંથી વિધાનસભ્ય બનાવીને લોકસેવા કરવાનો મોકો આપ્યો છે. ચૂંટણી પરિણામો જાહેર થયા બાદ મીડિયા અને સોશિયલ મીડિયા પર ચાલી રહેલી ચર્ચાઓને અવગણો. મારે હજું વડા પ્રધાન મોદીના માર્ગદર્શનમાં ઘણો અનુભવ લેવાનો છે.
બાબા બાલકનાથ વર્ષ 2019માં અલવર લોકસભાથી સાંસદ બન્યા હતા. તાજેતરમાં પૂર્ણ થયેલી રાજસ્થાન વિધાનસભા ચૂંટણીમાં બાબા બાલકનાથ તિજારા વિધાનસભા બેઠક પરથી જીત્યા છે. ભાજપની ટિકિટ પર ચૂંટણી જીત્યા બાદ તેમનું નામ પણ સીએમ પદની રેસમાં લેવામાં આવી રહ્યું છે. જો કે હજુ સુધી પાર્ટીએ કોઈપણ નામ પર પોતાની સંમતિ આપી નથી. એવી અપેક્ષા છે કે પાર્ટી ટૂંક સમયમાં નામ પર નિર્ણય લઈ શકે છે. જેના કારણે રાજસ્થાનના ઘણા મોટા નેતાઓએ દિલ્હીમાં ધામા નાખ્યા છે.