જુનિયર મહેમૂદ સ્ટાર નહોતા છતાં યાદ રહેશે
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ
હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ઘણા કલાકારો એવા આવ્યા કે જેમને જબરદસ્ત સફળતા ના મળી પણ નાના નાના રોલ કરી કરીને પણ આ કલાકારો લોકોના દિલોદિમાગ પર અમીટ છાપ છોડી ગયા. જુનિયર મહેમૂદ એવા જ એક કલાકાર હતા ને તેમનું ગુરૂવાર મોડી રાત્રે નિધન થઈ ગયું.
એક સમયે પોતાની અલગ અદાઓથી લોકોને હસાવનારા જુનિયર મહેમૂદને પેટનું કૅન્સર થયેલું ને લાંબા સમયથી મુંબઈની એક હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી પણ સારવારથી ફરક નહોતો પડતો તેથી છેવટે ઘરે લઈ જવાયેલા. ૬૭ વર્ષના જુનિયર મહેમૂદ અંતે કૅન્સરની સામે ઝઝૂમતા જિંદગીનો જંગ હારી ગયા અને ગુરૂવારે રાત્રે લગભગ ૨ વાગે અંતિમ શ્ર્વાસ લઈને અંતિમ વિદાય લઈ લીધી.
નવી પેઢીએ તો જુનિયર મહેમૂદને જોયા જ નથી તેથી એ લોકો જુનિયર મહેમૂદને યાદ કરે એવી અપેક્ષા ના રખાય પણ જે પેઢી જુનિયર મહમૂદને ઓળખતી હતી એ પણ તેમને ભૂલી ગયેલી. તેનું કારણ એ કે, બીમારીના કારણે જુનિયર મહેમૂદ લાંબા સમયથી લાઈમલાઈટથી દૂર જ થઈ ગયેલા. થોડા દિવસ પહેલાં જાણીતા કોમેડિયન જોની લીવર અને સદાબહાર અભિનેતા જીતેન્દ્ર જુનિયર મહેમૂદના ખબર-અંતર પૂછવા હોસ્પિટલ ગયા ત્યારે ફિલ્મ ચાહકોને જુનિયર મહેમૂદની બિમારી વિશે
ખબર પડી.
જીતેન્દ્ર અને જોની લીવર સાથેની જુનિયર મહેમૂદની તસવીરો અને વીડિયો વાયરલ થયેલા પણ તેમાં એ ઓળખાય એવા જ નહોતા રહ્યા એ દેખાતું હતું. કૅન્સરે તેની અસર દેખાડી દીધી હતી ને જુનિયર મહેમૂદની હાલત અત્યંત નાજુક હતી એ દેખાતું જ હતું. પેટનું કૅન્સર હોવાથી બ્લડ પ્રેશર અને શુગર એટલાં વધી ગયાં હતાં કે શરીર નંખાવા માંડેલું. વજન લગભગ ૨૦ કિલો ઘટી ગયું હતું અને મહેમૂદ કૃશકાય દેખાવા લાગેલા. તેમના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરવાનો સમય આવી ગયો છે એવું સ્પષ્ટ જોઈ શકાતું હતું. જુનિયર મહેમૂદને પણ અંતિમ દિવસો આવી ગયા હોવાનો અહેસાસ થઈ ગયેલો તેથી તેમણે પણ હોસ્પિટલ છોડીને ઘરે જવાનું પસંદ કરેલું.
આ મુલાકાત પછી જુનિયર મહેમૂદે પોતાના છેલ્લા વીડિયોમાં પોતાને મૃત્ય પછી લોકો કઈ રીતે યાદ કરે એ વિશે કહેલું ને એ વીડિયો પણ વાયરલ થયો હતો. હોસ્પિટલથી ઘરે જતી વખતે જુનિયર મહેમૂદે કહ્યું હતું કે, હું એક સાદો જૂનિયર માણસ છું એ વાત તમે જાણો જ છો. હું મરી જાઉં ત્યારે દુનિયા કહે કે આ વ્યક્તિ સારો હતો એવું ઈચ્છું છું. માત્ર ચાર વ્યક્તિ પણ એવું કહેશે તો હું મને વિજેતા સમજીશ.
જુનિયર મહેમૂદને ઓળખનારા તેમને સારા વ્યક્તિ માનતા જ હતા ને એટલે જ જોનીલીવર અને જીતેન્દ્ર જેવા કલાકારો તેમને મળવા ગયા. જુનિયર મહેમૂદને ફિલ્મી પડદા પર જોનારા ફિલ્મી ચાહકો પણ તેમને નહીં ભૂલે. એ જમાનાના મહાન કોમેડિયન મહેમૂદની નકલ કરીને પણ જુનિયર મહેમૂદે પોતાની આગવી ઓળખ ઉભી કરેલી. આ ઓળખ એવી બની કે લોકોને જુનિયર મહેમૂદનું સાચા નામ શું છે એ જ ખબર નહોતી. જુનિયર મહેમૂદનું સાચું નામ નઈમ સૈયદ હતું ને જુનિયર મહેમૂદ નામ તેમને પ્રખ્યાત હાસ્ય કલાકાર મહેમૂદે પોતે આપ્યું હતું.
જુનિયર મહેમૂદ અને મહેમૂદ સુહાગ રાત ફિલ્મમાં સાથે હતા. મહેમૂદની પુત્રી જીન્નીની બર્થ ડે પાર્ટીમાં મહેમૂદનાં સોંગ્સ પર કરેલા અફલાતૂન ડાન્સથી ખુશ થઈને મહેમૂદે નઈમ સૈયદને જુનિયર મહેમૂદ નામ આપી દીધું ને એ જ તેમની ઓળખ બની ગઈ.
જુનિયર મહેમૂદે ફિલ્મી કારકિર્દીની શરૂઆત બાળ કલાકાર તરીકે માત્ર ૯ વર્ષની ઉંમરે ૧૯૬૬માં આવેલી મોહબ્બત ઝિંદગી ફિલ્મથી કરેલી ને ૧૯૬૮માં આવેલી નૈનિહાલ ફિલ્મમાં પણ કામ કરેલું ને દિલીપકુમારની ૧૯૬૮માં જ આવેલી સંઘર્ષમાં પણ જુનિયર મહેમૂદ હતા પણ જુનિયર મહેમૂદની ઓળખ શમ્મી કપૂરની ૧૯૬૮માં આવેલી બ્રહ્મચારી ફિલ્મથી બની. મહેમૂદે ૧૯૬૫માં આવેલી સસ્પેન્સ થ્રીલર ગુમનામમાં ‘હમ કાલે હૈં તો ક્યા હુઆ દિલવાલે હૈં’ ગીત પર કરેલા ડાન્સે ઘૂમ મચાવી હતી. હસરત જયપુરીએ લખેલા, મોહમ્મદ રફીએ ગાયેલા ને શંકર-જયકિશને સંગીતબદ્ધ કરેલા આ ગીતે ધૂમ મચાવી દીધી હતી.
બ્રહ્મચારી ફિલ્મમાં જુનિયર મહેમૂદે આ જ ગીત પર ડાન્સ કરીને સૌને ખુશ કરી દીધેલા. બિલકુલ મહેમૂદ જેવી અદાઓ સાથેનો આ ડાન્સ આજે પણ જુનિયર મહેમૂદની ઓળખ છે. પટ્ટાવાળી ટી શર્ટ અને લુંગી પહેરીને મોં પર મેંશ લગાવીને ડાન્સ કરતા જુનિયર મહેમૂદનો ચહેરો લોકોના દિલોદિમાગ પર એ હદે કોતરાઈ ગયો કે, કદી ભૂલાયો જ નહીં.
મહેમૂદની આ અદાઓની નકલ જ જુનિયર મહેમૂદની ઓળખ બની ગઈ ને આખી જીંદગી એ જ ઓળખ રહી. આ ઓળખ જુનિયર મહેમૂદને ફળી અને તેમણે ૧૯૭૦ના દાયકામાં ઢગલાબંધ ફિલ્મો કરી. દર વરસે ચાર-પાંચ ફિલ્મોમાં જુનિયર મહેમૂદ જોવા મળતા. ૧૯૭૧માં તો જુનિયરની દસ ફિલ્મો આવેલી. ‘બ્રહ્મચારી’ પછી ‘મેરા નામ જોકર’, ‘દો ઔર દો પાંચ’ અને ‘પરવરિશ, ‘કારવાં’, ‘હાથી મેરે સાથી’ જેવી ફિલ્મોમાં કામ કર્યું. હિંદી ફિલ્મોની સફળતાના કારણે બીજી ભાષામી ફિલ્મોમાં પણ કામ મળ્યું. જુનિયર મહેમૂદે પોતાની કારકિર્દીમાં ૭ ભાષામાં ૨૬૫થી વધુ ફિલ્મોમાં એક્ટિંગ કરી છે.
જુનિયર મહેમૂદ મૂળ મરાઠી માણસ હતા તેથી તેમણે કેટલીક મરાઠી ફિલ્મોનું નિર્દેશન પણ કર્યું. ૧૯૮૦ના દાયકા પછી ટીવી સિરિયલોનો જમાનો શરૂ થતાં ‘તેનાલી રામા’ અને ‘પ્યાર કા દર્દ હૈ મીઠા મીઠા પ્યારા પ્યારા’ જેવી સિરિયલોમાં પણ કામ કર્યું પણ અસલી ઓળખ મહેમૂદની અદાઓની નકલ કરનારા કલાકાર તરીકેની જ રહી.
જુનિયર મહેમૂદની કારકિર્દીને સફળ ગણી શકાય કેમ કે અઢીસોથી વધારે ફિલ્મોમાં કામ કરવું ને પાંચ દાયકા સુધી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ટકવું નાની વાત નથી. એ ભલે મહેમૂદ, જોની વોકર કે જોની લીવરની જેમ સ્ટાર કોમેડિયન ના બન્યા પણ પોતાની ઓળખ તો ઊભી કરી જ હતી. જુનિયર મહેમૂદ નામ પડે કે તરત જ એક ચહેરો નજર સામે તરવરવા માંડે એટલું નામ એ કમાયા જ હતા.