વીક એન્ડ

સનાતનના મૂળિયા ખૂબ જ ઊંડા છે

જગતગુરુ શ્રી અદિ શંકરાચાર્ય એક એવી હસ્તી હતી જેમણે પૂર્વ, પશ્ર્ચિમ, ઉત્તર અને દક્ષિણ ભારતને એક સનાતન ધર્મ અને એક સંસ્કૃતિ સાથે જોડવાનું અત્યંત મહત્ત્વનું કામ કર્યું. જ્યારે આજે સેન્થિલકુમાર જેવા રાજકારણીઓ સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિનું અપમાન કરી દેશને ઉત્તર – દક્ષિણ એમ બે ભાગમા તોડવાનો પ્રયાસ કરે છે.

કવર સ્ટોરી -મુકેશ પંડ્યા

તાજેતરમાં જ ચેન્નાઈના ડીએમકે સાંસદ સેન્થિલકુમારે પોતાના નિવેદનથી દેશમાં ઊહાપોહ મચાવી દીધો.

હાલમાં થયેલી લોકસભાની ચૂંટણીમાં મધ્ય પ્રદેશ. રાજસ્થાન અને છત્તીસગઢમાં ભાજપનો વિજય થતાં તેમણે એવું નિવેદન આપ્યું હતું કે ભાજપ આવાં ગૌમૂત્ર રાજ્યોમાં વિજયી થઈ શકે. દક્ષિણ ભારતમાં નહીં.

આજકાલ દક્ષિણના નેતાઓમાં સનાતન ધર્મ વિરુદ્ધ બોલવાની જાણે ફેશન થઈ ગઈ છે. અગાઉ ડીએમકેના યુવા નેતા અને તમિળનાડુના મુખ્ય પ્રધાન એમ. કે. સ્ટાલિનના પુત્ર ઉદયનિધિ સ્ટાલિને પણ સનાતન વિરુદ્ધ બફાટ કર્યો હતો.

સેન્થિલકુમારે પહેલી વાર આવું નિવેદન નથી આપ્યું. અગાઉ પણ તેમણે સનાતન ધર્મ વિશે એલફેલ બોલવાની હિંમત કરી છે. એક ન્યૂઝ ચેનલે તેમને એવું કહેતા ટાંક્યા હતા કે . ઉત્તરમાં ભગવાન શંકર અને માતા પાર્વતી ગણેશ સુધી સીમિત રહ્યા છે જ્યારે દક્ષિણ ભારતમાં તેમને ખ્યાલ આવે છે કે તેમનો બીજો પુત્ર મુરુગન . (કાર્તિકેય) છે. અમને ખબર નથી પરંતુ શું ત્યાં (ઉત્તર ભારતમાં) ફેમિલી પ્લાનિંગ થયું હશે ?

દેશને ઉત્તર દક્ષિણમાં વહેંચીને પોતાની મતબૅક અકબંધ રાખવાની કોશિશ કરતાં સેન્થિલકુમારને જત જણાવવાનું કે ઉત્તર ભારતમાં પણ કાતિકેયનો શિવપુત્ર તરીકે ઉલ્લેખ છે જ. આ ઉપરાંત એક દીકરી અશોક સુંદરીનો ઉલ્લેખ પણ છે. આવું બે જવાબદારીભર્યું નિવેદન આપતા પહેલાં તેમણે ઉત્તરમાં રચાયેલા શિવ ગ્રંથો કે શિવપુરાણ વાંચી લેવાની જરૂર હતી.

હા કાર્તિકેય દક્ષિણ ભારતમાં મુરુગન તરીકે વધુ પ્રચલિત થયા. અને હા તમારી જાણકારી માટે કહી દઈએ કે મુરુગનનું બીજું નામ સેન્થિલ છે. અર્થાત સેન્થિલ કુમાર નામ કાર્તિકેય સ્વામી પરથી જ પડ્યું છે. એક રસપ્રદ બાબત એ છે કે દક્ષિણ ભારતમાં મોટા ભાગના લોકોના નામ ઉત્તર ભારતની જેમ ભગવાન પરથી જ પડ્યા છે.

ફરક એટલો છે કે ઉત્તરમાં રામચંદ્ર તો દક્ષિણમાં રામચંદ્રન કહેવાય છે. ઉત્તરમાં રાધાકૃષ્ણ તો દક્ષિણમાં રાધાકૃષ્ણન કહેવાય છે. અરે ગૌમાતાનું જેટલું મહત્ત્વ ઉત્તર ભારતમાં છે તેના જેટલું જ કે કદાચ તેના કરતાં વધારે મહત્ત્વ દક્ષિણ ભારતમાં છે. ઉત્તરમાં તો
દેવ-દેવીના મંદિર હોય તેની સાથે ગાયો માટે ગૌશાળા હોય છે જ્યારે તમિળનાડુમાં એક મંદિર એવુ છે જ્યાં દેવ-દેવીની મૂર્તિઓ નથી. માત્ર ગાયો અને બળદો જ પૂજાય છે. શ્રી થંભીરન માટુ થોઝુ નામના આ મંદિરનું સંચાલન ઓકકાલિગા ગૌડા સંપ્રદાય દ્વારા થાય છે. આ લોકો ગાય-બળદને માત્ર પાલનહાર તરીકે જ નહીં, પરંતુ તેમને ભગવાન તરીકે પણ પૂજે છે.

એટલું જ નહી દક્ષિણ ભારતનાં અનેક મંદિરોમાં ગાય અને નંદીના શિલ્પ કોતરેલા જોવા મળે છે. ચેન્નાઈના માઇલાપોર વિસ્તારમાં આવેલા કપિલેશ્ર્વર મંદિરના ગોપુરમમાં ગાયની સુંદર પ્રતિમા કોતરાયેલી જોવા મળે છે. સેન્થિલ કુમાર જે દ્રવિડ મુનેત્ર કડધમ (ડીએમકે) પક્ષના સભ્ય છે એ દ્રાવિડિયન શૈલીમાં જ આ મંદિર બન્યું છે. આ ઉપરાંત આંધ્ર પ્રદેશ, તમિલનાડુ અને કર્ણાટકમાં એવાં ભવ્ય મંદિરો છે ત્યાં મહાકાય ગાય અને નંદીના શિલ્પો કોતરાયેલા જોવા મળે.

આમ દેશમાં અત્ર-તત્ર-સર્વત્ર ગાય પૂજનીય છે.

ગાયના મૂત્ર અને અન્ય પંચગવ્યો જેમ કે દૂધ, દહીં ઘી, ગોબર દરેકમાં પોષક અને ઓષધિ તત્ત્વો છે એમ માત્ર ભારતના ઋષિમુનિઓએ જ નહીં અનેક દેશોના વિજ્ઞાનીઓએ પણ સાબિત કર્યું છે,
સેન્થિલ કુમારના ઘરવાળા અને સ્નેહી સ્વજનો પણ ગાય માતાને આદર આપતા જ હશે. એટલે એમ માની લેવામાં છોછ નથી કે આવા પ્રકારના નિવેદનો પોતાની મત બૅંક અંકે કરી લેવા માટે જ દેવાતા હોય છે.

અલગ અલગ જાતના રાજકરણીઓ હોય છે. પોતાનો રાજકીય રોટલો શેકી લેવા કોઈ પોતાના દેશને વેચી ખાવા તૈયાર હોય છે તો કેટલાક વળી પોતાની ઓળખ સમી પોતાની જ સંસ્કૃતિનું અપમાન કરવા તૈયાર થઇ જાય છે.

જોકે વેદોમાં ઉદ્ભવેલો અને શંકરાચાર્ય જેવા સંતોએ પોષેલો સનાતન ધર્મ અને સંસ્કૃતિના મૂળ ખૂબ જ ઊંડા છે. સ્ટાલિન કે સેન્થિલકુમાર જેવા રાજકરણીઓ લાખ પ્રયત્ન કરે તો ય તેના મૂળિયા ઉખાડી શકાય તેમ નથી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button