વીક એન્ડ

ખુદ સે રહને લગે બેપરવા ભી,કોઇ અચ્છા બને ન ઇતના ભી!

ઝાકળની પ્યાલી -ડૉ. એસ. એસ. રાહી

શોર મે મૈને યે કિયા મહસૂસ,
કમ વહી બોલેગા જો સચ્ચા હૈ
*
બેવફાઇ કા હો ડર ‘નાશાદ’ તો,
દોસ્તી કા કોઇ મતલબ હી નહીં
*
ન જાને કૈસે યે પત્થર બટે હૈ લોગોં મે,
શહર મૈ યૂં તો ફૂલોં કી દુકાન જ્યાદા હૈ,
*
કભી મિલતી હૈ આસાની, કભી રહતી પરેશાની,
દુવા હૈ યા કિસી કી બદ્દુવા હૈ, મુઝકો ક્યા માલૂમ.
-ગુલામ અબ્બાસ ‘નાશાદ’
વડોદરાનાગુજરાતી-ઉર્દૂ શાયર ગુલામ અબ્બાસ ‘નાશાદ’નું મૂળ નામ ગુલામ અબ્બાસ શમ્સુદ્દીન એડનવાલા છે. આ શાયરનો જન્મ વડોદરામાં ૧૫ મે, ૧૯૪૯ના રોજ થયો હતો. વનસ્પતિ શાસ્ત્ર સાથે બીએસસી થયેલા આ શાયરે સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયામાં સેવાઓ આપી હતી.
તેમનો પહેલો ઉર્દૂ ગઝલ સંગ્રહ ‘સાતવાં આસમાન’ હિન્દી લિપિમાં ગુજરાતની હિન્દી સાહિત્ય અકાદમીની આર્થિક સહાયથી પ્રગટ થયો હતો. તેમનો બીજો ગઝલ સંગ્રહ ઇ.સ. ૨૦૧૮માં ‘કુછ અધૂરી ખ્વાહિશે’ શીર્ષકથી પ્રકાશિત થયો છે. તેમના ગુજરાતી ગઝલ સંગ્રહોને પણ સુંદર આવકાર મળ્યો છે. ગઝલ સર્જન અને વિવેચન માટે આ શાયરને ‘શહીદે ગઝલ’ ત્રિમાસિક દ્વારા કવિ શૂન્ય પાલનપુરી અવૉર્ડ મળ્યો છે.
મજબૂરી, લાચારી, ફરિયાદ, યાતના, પીડા, દોસ્તી-દુશ્મની, દીવાનગી, કુટુંબ – સમાજ, લોકવ્યવહાર, જીવન ચિંતન અને દર્શન, સામાન્ય માણસની નિરાશા-હતાશા વગેરે ભાવોનું તેમણે તેમની ગઝલોમાં ધારદાર આલેખન કર્યું છે.
તેમની ગઝલોમાંથી વીણી કાઢેલા તેમના કેટલાક શે’રનું હવે રસદર્શન- આચમન કરીએ:

  • ઇસ મેં ન કોઇ હાથ હૈ દુશ્મન કા, દોસ્ત કા,
    સાયદ મેરા ભરોસા હી મુઝ કો ડૂબો ગયા.
    તેમાં કોઇ શત્રુ કે મિત્રનો હાથ ન્હોતો વધુ પડતા મારા વિશ્ર્વાસે જ મને ડૂબાડી દીધો છે.
  • બાત અકસર કરે હૈ વો રબ કી,
    જિન્હે ખુદ કા પતા નહીં હોતા.
    જેનું પોતાનું કોઇ ઠાસ-ઠેકાણું હોતું નથી તેવા લોકો જ ખુદા વિશે વારંવાર વાતો કરતા હોય છે.
  • મરના પડતા હૈ રોઝ જીને કો,
    ઝિંદગી તેરા ફલસફા ક્યા હૈ,
    જીવવા માટે મારે રોજ (ટુકડે ટુકડે) મરવું પડે છે. એ જિંદગી! આ વિશેનું તારું તત્ત્વજ્ઞાન તો હવે મને સમજાવી દે.
  • ઝૂઠ કી અબ કહાં હૈ ગુજાઇશ,
    મેરા દિલ હૈ ખુદ આઇના મેરા.
    છળકપટનું હવે કોઇ ગજું નથી. મારું દિલ એ જ તો મારો અરીસો બની ગયું છે.
  • ન જાને કૈસે યે પત્થર બટે હૈ લોગોં મેં,
    શહર મે યું તો ફૂલો કી દુકાન જયાદા હૈ.
    આ નગરમાં ફૂલોની તો કઇ કેટલીયે દુકાનો મોજૂદ છે તો પછી લોકોને પથ્થરોની વ્હેંચણી કોણે- શા માટે કરી.
  • મરતે હૈ કિતને લોગ હકૂમત કે વાસ્તે,
    સચ્ચાઇ કે લિયે કટે વો સર મિલા હૈ કયા!
    સત્તા મેળવવા માટે કેટલાય લોકો મૃત્યુને ભેટી જતા હોય છે. પરંતુ સચ્ચાઇ (સત્ય) માટે માથું કપાવનારા શહીદો આજકાલ મળે છે ખરા!
  • તૌબા સે, આંસુઓ સે, નમાઝોં સે, તસ્બીહ સે,
    રૂઠે હુવે ખુદા કો મનાને ચલે થે હમ.
    તમે પ્રાયશ્ર્ચિત્ત કરો, આંસુઓ વહાવો, નમાઝો પઢો કે પછી તસ્બી (માળા) કરો. રિસાયેલા ખુદાને મનાવવા અમોએ આ બધું કર્યું પણ જો ખુદા રીઝે નહીં તો પછી જિંદગીમાં કશું બચતું નથી.
  • નઇ હવાએ, નઇ તાજગી કહીં ભી નહીં,
    મૈં જી રહા હૂં મગર ઝિંદગી કહી ભી નહીં.
    નવી હવા અને નવી તાજગી વગરના પ્રદૂષિત માહોલમાં લોકો જીવી રહ્યા છે, પરંતુ જિંદગીની ભીનાશ હવે ક્યાં જોવા મળે છે?
  • હમ તો ‘નાશાદ’ કુછ ઐસે દીવાને ઠહરે,
    ગમ મિલા તો ભી ઉસે રબ કી ઇનાયત સમઝે.
    અરે ‘નાશાદ’! હું તો એવો મિજાજી દીવાનો છું કે મને દુ:ખ મળે તો તેને પણ હું ખુદાની કૃપા સમજું છું.
  • કલ જો અપને ઝમીર સે ખેલા,
    આજ દુનિયા કા વો મસીહા હૈ.
    ગઇ કાલે જે પોતાના અંત:કરણ સાથે રમત કરીને ચેડા કરતો હતો તે આજે વિશ્ર્વનો મસીહા (મડદાને નવજીવન આપનાર) બની બેઠો છે.
  • યે બૂરે વક્ત કી પહચાન હૈ અઝીઝ મેરે,
    મેરે ભી અપનોં મેં અપના કોઇ રહા હી નહીં.
    અરે મારા મિત્ર! પોતાના જ્યારે પારકા થઇ જાય તો સમજી લેવું કે હવે આપણો માઠો વખત બેસી ગયો છે.
  • બડે ભારી હુઇ જાતી હૈ અરમાનોં કી યે મૈયત,
    ઉતારી ભી નહીં જાતી, ઉઠાઇ ભી નહીં જાતી.
    આશા-ઇચ્છાઓની મૈયત (અર્થી-જનાઝો) ભારેખમ થતી જાય છે. તેને ખભેથી ઉતારી શકાતી પણ નથી કે તેને ઉપાડી શકાય તેમ પણ નથી. તે ઘડી કેવી કશ્મકશની હશે?
  • સિખા રહી હૈ ખલિશ કૈસે સબ્ર કરના હૈ,
    કશિશ બઢે તો ખુશી તેરે દ્વાર આયેગી.
    વ્યગ્રતા-ચિંતા એવી બાબતો છે જે મને સહનશક્તિ કેળવવાના પાઠ ભણાવી રહી છે. ખેંચાણ વધે છે પછી જ ખુશી ઘરના દ્વાર સુધી આવતી હોય છે.
  • મૈં સોચતા રહા ‘નાશાદ‘ સુબ્હ હોને પર,
    બિના તમાશા કિયે રાત ગુઝર ગઇ કૈસે?
    સવાર પડી ત્યારે હું વિચારતો રહ્યો હતો કે કોઇ તમાશા-ગરબડ વગર આ રાત્રિ કેવી રીતે વીતી ગઇ.’
  • ઝરા હુશિયાર મેરે દિલ, નહીં આસાર કુછ અચ્છે;
    કિસી ને રાહ મંઝિલ કી બડી આસાં દિખાઇ હૈ.
    અરે મારા હદય! તું હવે સાવધાન થઇ જા. આવનારા વખતનાં લક્ષણો મને સારા જણાતા નથી. કેમકે મને કોઇએ મંઝિલ સુધી પ્હોંચવાનો જે રસ્તો બતાવ્યો છે તે તો ખૂબ સરળ અને સીધો લાગી રહ્યો છે. શક્ય છે કે તેમાં કોઇ મોટા અવરોધો આવી શકે છે. માટે ચેતી જવું જરૂરી છે.
  • કભી ના દર્દ, ના કોઇ ખુશી મહસૂસ હોતી હૈ,
    જહાં ભી જાઉં બસ તેરી કમી મહસૂસ હોતી હૈ
    પ્રિયતમા કે પછી પ્રભુનો અભાવ સાલવા લાગે ત્યારે અચરજથી સભર અનુભૂતિ થતી હોય છે તે વેળા ન તો વેદના અનુભવાય છે કે ન તો ખુશીનો અનુભવ થાય છે.
  • બંદગી કુછ બેઅસર-સી ઇસલિયે શાયદ રહી,
    મુઝ કો અકસર લગ રહા થા કિ ખુદા મેરા ન થા.
    ‘ખુદા મારો નથી’ એવું વિચારનારાની પ્રાર્થના ક્યારેય કબૂલ થતી નથી. આ જગતમાં આસ્થાથી વધીને કશું છે જ નહીં.
  • જહાં કો દેખિયે દિલ કી નઝર સે,
    યહાં હર શખ્સ દીવાના લગેગા,
    જો સંસારને હદયની દ્રષ્ટિથી જોવામાં આવે તો દરેક જણ પાગલ-છટકેલો લાગશે. મતલબ એ છે દરેક માણસમાં ઓછી-વત્તી દીવાનગી પડેલી હોય જ છે.
  • ન જાને ક્યોં નયે ખતરોં સે રહતે હો ગાફિલ!
    ન જાને ક્યોં નયે રિશ્તે બનાયે રહતે હો!
    નવા સંબંધો બાંધો ત્યારે બેદરકાર રહેશો નહીં. નવા સંબંધો બાંધો તો જોઇ વિચારીને બાંધજો તે માટે અહીં શાયરાના ચેતવણી અપાયેલી છે.
  • હસનેે વાલે કી હકીકત જાન લે,
    કૌન હૈ જિસ કો કોઇ સદમા નહીં.
    જે હસે છે તે સુખી છે તેમ માનવું ભૂલ ભરેલું છે. જેને કોઇ આઘાત લાગ્યો હોય તેવો માણસ જ છૂટથી હસી શક્તો હોય છે.
  • ખુલે ભી વહ ગયે કુછ-કુછ તો હર્જ નહીં લેકિન,
    જો ઝખ્મ બોલ રહે હૈ ઉસે સિયા જાયે
    જે ઝખ્મો ખુલ્લા -ઉઘાડા રહી ગયા છે તેની કોઇ ચિંતા નથી, પરંતુ જે જખ્મો બોલકા છે અને કશોક ઇશારો કરે છે તેને સીવી લેવાય તો સારું.
  • લબોં કી મુસ્કુરાહટ પે ન જાઓ,
    હમારેે સપને ભી ટૂટે હુવે હૈ.
    માણસના હોઠ પર સ્મિત હોય તો તે સુખી છે એવું સમજવાની જરૂર નથી તે માણસના કેટલાય સ્વપ્નાઓના ચુરેચુરા થઇ ગયા હોય એવું પણ બની શકે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button