એક દાદીનો પત્ર
વ્યંગ -પ્રજ્ઞા વશી
સંબોધન શું કરવું કૈં સમજાતું નથી. જયારે જીવન આખું સમજાયા વિના જ પસાર થઈ ગયું ત્યારે સંબોધન કેવું કરવું અને એ માટે મગજ ઘસવું મને બરાબર લાગતું નથી. એમ પણ જો હું “વ્હાલાં સંબોધન કરું (લખું) તો તમે તરત જ વળતો ફેક્સ કરીને ગુસ્સો ઠાલવતાં લખશો કે હવે આ ઉંમરે આવાં વેવલાંવેડા સારા નહિ લાગે. જો કે મને તો ખબર છે જ કે હું કોઈપણ સંબોધન લાખો વાર વિચારી-વિચારીને કરું પણ તમને તો પેલાં વાંકડાંનાં વરની જેમ વારે વારે વાંકું પડવાનું તે પડવાનું જ ! એટલે મગજ ઘસવાનું કામ તમને મુબારક… હું હવે વિના કોઈ સંબોધન કર્યે જ પત્ર લખવાનો શરૂ કરું છું. જેમ આપણે કંઈપણ વિચાર્યા વિના આપણું જીવન શરૂ કરેલું એના ભરોસે જ, સમજી જવાની વાત છે!
અહીં હું નાનકાનાં છોકરાં ઉછેરવાનું કામ કરું છું. તેમ તમે ત્યાં કેનેડાની કડકડતી ઠંડીમાં બેબી સીટિંગ કરીને તમારી ટાઢ ઉડાડતાં હશો. અહીં હતા ત્યારે તમે આખી જિંદગી બીજાની ટાઢ ઉડાડેલી હવે ત્યાં આવો લ્હાવો તમને મળતો નહિ હશે, એટલે થોડાં રઘવાયા તો થયાં જ હશો. પણ ત્યાં તો કાચની દીવાલ વચ્ચે ઊભરો કાઢવાનો, ત્યાં તમને મારાં જેવી પાક્કી તેમ જ તમામ પ્રકારની ઝીંક ઝીલે એવી ભીંત તો ક્યાંથી મળવાની ભલાં ! એટલે થોડામાં ઘણું સમજીને કાચની દિવાલથી ચલાવી લેવું !
જયારે આપણાં ભાગલાં પડેલાં ત્યારે મેં ખૂબ સમજાવેલાં કે તમે નાનકાનાં છોકરાં સંભાળવા હૂરતમાં જ રેવ… કારણ કે તમને હવાર થાય ને હૂરતી લોચો, ખમણ, ભૂસાં, ભજિયાં, ઊંધિયા, પોંક ને ઘારી ખાવાનું વ્યસન… પણ ના, કેનેડા જવાનો… કેનેડા જવાનો… સૂટ-બૂટ-ટાઈ ને પ્લેનમાં ઊડવાનાં સપનાં એ તમને ભોંય ભેગા કરી દીધાં ! ના હું તો મોટાનાં છોકરાં રમાડવાં જ જવાનો. એવી તમારી જીદ જોઈને મને ત્યારે તમારી ખૂબ જ દયા આવેલી કે જેને જિંદગીભર પોતાના છોકરાને ખભે બેસાડ્યા નથી તે બેબી સીટિંગ કેવી રીતે કરવાનાં? તમને કદાચ એમ હશે કે ત્યાં કપડાં-વાસણ જેમ મશીન દ્વારા ઓટોમેટિક થૈ જાય તેમ છોકરું હો ઓટોમેટિક મોટું થૈ જશે, પણ કદાચ જિંદગીમાં તમે પહેલીવાર ભૂલથી ખોટું પત્તુ ઉતર્યા.
હૂરતમાં નાનકાનાં છોકરા મોટા કરવા રહ્યા હોત તો છોકરા ગલી-મહોલ્લામાં જ આપમેળે મોટા થઈ ગયા હોત, પણ ત્યાં તો તમે જે જે કામ કરો છો તેનો તો ઉલ્લેખ કરવો પણ..પણ… તમે તો જયારે ફોન કરો ત્યારે – “આજે વોલમાર્ટમાં શોપિંગ કરવા ગયો હતો, આજે તો નાયગરા ફોલ જોવા ગયો હતો, આજે તો મલ્ટિપ્લેક્સમાં ફિલ્મ જોવા ગયો હતો ! તમને એમ કે તમે જે જૂઠાણાં જીવનભર ચલાવ્યા તેવા જૂઠાણાં બસ ચાલ્યા જ કરશે. પણ તમને કહેતાં આનંદ થાય છે કે કેનેડાથી મોટાએ મોકલેલ વીડિયોસીડી મને આજે જ નાનકાએ બતાવી, અને તે પણ ૭૦ એમએમના મોટા પડદે !
એક પર એક એમ પાંચ-છ મોટા-મોટા, જાડા-જાડા કોટ, હાથ-પગનાં મોજાં, કાનિયા ટોપી, મફલરની વચ્ચે તમે તો વહેલાં ઓળખાયાં પણ નહિ. અહીંયા ભર શિયાળે હો ગંજી-પાયજામે ફરનારા બહાદૂરશા જફરની આવી દશા ! તમારાં હાડપિંજર જેવાં શરીર ઉપર આટલો બધો ભાર ! અહીંયા તો હું તમારી પાછળ-પાછળ પાંચ-છ થેલાં લઈને ચાલતી અને તમે આગળ-આગળ બોડીગાર્ડની જેમ ચાલતા, પણ આ વીડિયોમાં હું શું જોઉં છું, તમે બાબાગાડી હાંકો છો, ખભે થેલાં છે અને હાડપિંજર જેવાં શરીર ઉપર પાંચ-છ કોટ લટકે છે !
અહીંયા તો જયારે આપણા છોકરા નાના હતા ને રાત્રે રડતા હતા ત્યારે તમે કૈં મજાની હૂરટી હંભળાવતા ને હું ગભરાઈને લઈને બહારની પરસાળમાં સૂઈ જતી. જેથી લાટસાહેબ નિરાંતે ઊંઘી શકે, પણ કહ્યું છે ને કે કર્મ કોઈને છોડતું નથી ! તે મોટો ફોન ઉપર કહેતો હતો કે મારાં હેરી તેમ જ ચેરીને તો દાદા સાથે એટલું ફાવી ગયું છે કે રાતે હો દાદા પાસે જ સૂઈ જાય છે. એમ પણ મમ્મી, તારી મોટી વહુ જોબ કરીને ખૂબ થાકી ગઈ હોય એટલે રાત્રે છોકરાનું ઉવાં ઉવાં “શી કાન્ટ બેર, સો મોમ… છોકરાઓ હવે રાત-દિવસ માટે એમના દાદાને જ સોંપી દીધા છે. પપ્પાનું મન પણ કેનેડામાં લાગેલું રહે અને ટાઈમ પાસ થાય તે નફામાં !
“દાળમાં મરચું કે મરચાંમાં દાળ ! જેવા ડાયલોગ સાંભળ્યાને પણ કેટલાય મહિના વીતી ગયાં છે. હવે આ ડાયલોગ જયારે તમારી વહુ તમને સંભળાવતી હશે ત્યારે તમારું જીવન પણ મારી જેમ જ ધન્ય બની જતું હશે ! ગભરાશો નહિ, થોડાં દિવસ ડાયલોગ સાંભળવા પડશે, પણ પછી મારી જેમ જ ધીરે ધીરે પરફેક્ટ રસોઈ તેમ જ બેબી સીટિંગના મહાવરો થૈ જશે અને પછી થોડાં મહિના બાદ તો તમે ફોન ઉપર કેનેડાની બહેનોને નવી નવી રસોઈની ટિપ્સ પણ આપતા થઈ જશો અને બેબી ઉછેર ઉપર એક ઉપયોગી પુસ્તક પણ લખી શકશો.
યાદ છે તમને હું જરાક ચાંદલો કે મંગળસૂત્ર કે પછી બંગડી પહેરવાનું ભૂલી જતી ત્યારે તમને કેટલો ગુસ્સો આવી જતો હતો. યાદ છે ને? એકવાર હું ચાંદલો કર્યા વિના બહાર જતી હતી તો તમે કહ્યું હતું – “વિધવાબહેન ક્યાં ચાલ્યાં? ત્યાં તો રોજ કૈં કેટલી વિધવા ભટકતી હશે? કારણ કે ત્યાં તો કોઈ ચાંદલો તો શું પૂરાં ઢંગનાં કપડાં પણ પહેરતાં નથી ! ” જો જો પાછું ટેવ પ્રમાણે એમને સધવા તેમ જ વિધવાનો અર્થ સમજાવવાં ના બેસી જતાં, કારણ કે એમની સેન્ડલની પેન્સિલ હિલ “કાટતી હૈ તો પાની ભી નહિ માંગતી !
તમે જે સયુંકત ખાતામાં મોટી રકમ મૂકી હતી તેમાંથી દર મહિને પાંચ-દસ હજાર ઉપાડીને હું તો દાન-ધરમ-મંદિર અને સારી ફિલ્મો-નાટક-પ્રવાસ તેમ જ બ્યુટીપાર્લરમાં ખર્ચુ છું. તમે તો કેનેડામાં ડૉલર વાપરતા હશો એટલે તમને પાંચ-દસ હજારની તો શી વિસાત? પણ ખરું પૂછો તો મને તમારી સાથે રહી કરકસરની ટેવ પડી ગઈ છે. બાકી બાજુવાળા કમળાબા તો ગોપાળબાપાનાં ગયા બાદ દર મહિને રોકડા વીસ હજાર વાપરી જ નાંખે છે. એ તો કહે છે કે વાપર… વાપર… કોણે દીઠી કાલ… એ જ તો મને કાલે ‘બાગબાન’ ફિલ્મ જોવાં લઈ ગયેલાં… આખું થિયેટર પેલી હેમામાલિનીની સાથે સાથે રડતું હતું. પણ કોણ જાણે કેમ એક મને જ મૂઈને રડવું આવતું નહોતું. મેં તો હેમાબહેનને કીધું – બહેન, આવો છૂટા રહેવાનો મોકો હોય કંઈ વારેવારે થોડો મળવાનો છે. થોડી સ્પેસ મળી છે તો મુક્તિનો શ્ર્વાસ લેતી હોય તો… પણ હેમા હમજે તો ને ! ધર્મેન્દ્ર હારું દોડી તો દોડી હવે ‘બાગબાન’ અમિતાભ હારું હો નરો રડાકૂટો કરે…
હામે ચાલીને હુખનો જીવ દુ:ખમાં હું કામ લખતી ઓહે… ભાઈ, એ તો હાચા આંસુ પડેલાં હોય એને જ… સ્પેસ એટલે હું તે સમજાય !
તમારાં પૈસા વપરાઈ જશે એ બીકે વહેલાં આવી ના જશો. તમે જેટલા સૂટ-બૂટ અહીંથી સીવડાવીને ગયા છો એ બધાં જૂના થાય પછી જ પ્લેન પકડજો. કાગળ ધારવા કરતાં લાંબો લખાઈ ગયો છે. પણ હવે સાંજ થવા આવી છે. એટલે યાદ આવ્યું અહીંયા તો તમે જમ્યા બાદ કેટલું વધ્યું? કેટલું ઘટ્યું? કેટલું ફેંક્યું? કેટલું બગડ્યું? એ બધું જ જોવા, પરખવા અને પછી લેક્ચર આપવા રસોડાના સર્વે કબાટ, ફ્રીજ તેમ જ સ્ટોરરૂમ ખૂંદી વળતા હતા. હવે ત્યાં કેનેડામાં કંઈ ફેંદવા જેવું છે ખરું? અરે હા ! હું તો ભૂલી જ ગઈ કે ત્યાં તો તમે જ કુક એટલે જરાપણ વધારે કે જરાપણ ઓછું કે પછી જરાપણ આમથી તેમ ના કરતાં હશો. અને થઈ જતું હશે તો વહુરાણીની મીઠી મજાક સાંભળીને તમને હું યાદ આવતી હોઈશ. અને પછી તમે વહુરાણી સામે બિલકુલ મારી જેમ જ હસતું મ્હોં રાખીને… ખેર ! હવે તમને હસતાં ચહેરા પાછળનો રડતો ચહેરો એટલે શું તે પણ સમજાયું હશે.
તા.ક. હું અહીં મારી આત્મકથા લખું છું. તમે પણ તમારી આત્મકથા લખવા માંડશો. પછી કોની આત્મકથા બેસ્ટસેલર બને છે એ જોયા બાદ આપણે બાગબાન’ની જેમ અંતે ભેગા થવું કે નહિ થવું એનો નિર્ણય લઈશું. વાચકોનો અભિપ્રાય પણ મંગાવશું. વોટિંગ તેમ જ જખજ પણ કરાવીશું. અને પછી જ આપણા જીવનની નવલકથાનો અંત આપણે નક્કી કરીશું. આમ તો હવે મને આ જીવન પણ કોઠે પડી ગયું છે. સવાલ ફક્ત તમારો છે. તમને જો કાચની દિવાલ કરતાં પાક્કી દિવાલ તરફનું ખેંચાણ વધી ગયું હોય તો જ પછી સ્ટોરીમાં આમ તેમ થાય. બાકી તમારી ઋઉ તોડીતોડીને વાપરતા હવે મને આવડી ગયું છે. ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ વગેરે તમામ કાર્ડ મેં તમારા ખાનામાંથી કાઢીને મુક્ત ગગનમાં વિહરતા કરી દીધા છે. એ જાણી તમને શું થશે તે મને ખબર છે. પણ મોટો કહેતો હતો કે હેરી-ચેરી ને દાદા વિના ગમતું નથી. માટે હજી પાંચેક વર્ષ દાદા કેનેડા જ રહેશે ! અને મેં પણ મોટાને કહી જ દીધું કે દાદાને પણ વ્યાજ બહુ વ્હાલું હોય છે. બેટા ! તું એમને ત્યાં જ સાચવીને રાખજે ! ચાલો ત્યારે તમારે તો કુકીંગનો ટાઈમ થૈ ગયો હશે. મેં તો અહીં રસોઈ કરવાવાળી બાઈ તેમ જ બે કામવાળી એક શોફર અને એક ચંપીવાળી બાઈ રાખી લીધી છે. માનવ જીવન કંઈ વારેવારે થોડું મળવાનું છે? બસ ત્યારે મારે પણ બ્યુટીપાર્લર જવાનો સમય થઈ ગયો છે. એટલે
બાય બાય…
લિ. ભારતીનાં જય કેનેડાને રામ રામ!!!
મુંબઈ સમાચારનો ખૂબ ખૂબ આભાર.
સુરત બાદ હવે સૌથી જૂના અને ઉત્તમ એવા મુંબઈ સમાચારમાં
હાસ્ય વ્યંગ લેખની આ કોલમ લખવાનો એક અનેરો આનંદ અને ગૌરવ અનુભવું છું. હાસ્યકોલમનાં મારાં વિષય રોજબરોજ
જિવાતી જિંદગી અને અનુભવ કે ઘટના રહ્યાં છે.અને એમાં જ તો મજા છે ખરુંને ???
અભિપ્રાયની અભિલાષા. લે—- પ્રજ્ઞા વશી