વીક એન્ડ

કેરોલિના રીપર પ્રકરણ-૭૬

કબ્રસ્તાનથી આવ્યા બાદ રાતે અબ્બાએ ઝાડ પર લટકીને જીવ આપી દીધો

પ્રફુલ શાહ

કિરણ, ગૌરવ અને વિકાસે નક્કી કર્યું કે બત્રા અને ગોડબોલેને મળ્યા બાદ કાલે મુરુડથી નીકળી જઈશું

એટીએસના પરમવીર બત્રા અનેકવાર બાદશાહની કબૂલાત જોઈ ચુકયા હતા. એ બતાડ્યા બાદ સોલોમન પીગળ્યો નહોતો પણ બત્રાએ ધડાધડ એનું માથું ભીંત સાથે અનેકવાર અફળાવ્યા બાદ એનું મોઢું ખુલી ગયું હતું. હકીકતમાં સોલોમન મનોમન ફફડી ગયો હતો. બત્રાનું રૌદ્ર સ્વરૂપ જોઈને એને ડર લાગ્યો કે આ માણસ ક્યાંક મને મારી ન નાખે? જીવ હશે તો કંઈક કરી શકાશે એવું માનીને એ બોલવા માંડ્યો.

બાદશાહ બાદ સોલોમનની વીડિયો કબૂલાત ચારેક વખત જોયા બાદ પરમવીર બત્રાના સમક્ષ આખું ચિત્ર એકદમ દીવા જેમ સ્પષ્ટ થઈ ગયું. મુરુડની હૉટલ પ્યૉર લવમાં થયેલા ધડાકાઓ પાછળના ભેદભરમ ખુલી ગયા. પૂરી વાતના તાણાવાણા જોડાઈ ગયા, તાળા મળી ગયા અને તર્ક ગળે ઊતરી ગયા.

પરમવીર બત્રાની ઈચ્છા પૂરી હકીકત કાગળ પર ઉતારવાની હતી કે જેથી આગળ કાનૂની કાર્યવાહીમાં કોઈ અડચણ ન થાય. સાથોસાથ ભવિષ્યમાં પણ એ પેપર ઉપયોગી થઈ શકે, પરંતુ તેઓ ખૂબ કંટાળ્યા હતા. લખવાનું માંડી વાળવાનું નક્કી કરીને તેમણે ઊભા થઈ આળસ મરડી. હાથની થોડી કસરત કર્યા બાદ મમ્મીને મોબાઈલ લગાવ્યો.

ઘણાં દિવસથી માનો મીઠો ટપકો ખાધો નહોતો અને હવે એની તાતી જરૂરિયાત અનુભવાતી હતી.


રાતે ડિનર બાદ કિરણ મહાજન, ગૌરવ ભાટિયા અને વિકાસ હળવાશ અનુભવી રહ્યાં હતાં. પોતાની અને પછી એટીએસના પરમવીર બત્રાની પ્રેસ-કોન્ફરન્સથી મોટાભાગની હકીકતો બહાર આવી હતી. મૃતકો ત્રાસવાદી નહોતા અને ધડાકા આતંકવાદી કૃત્ય નહોતું એમાં જ ત્રણેયને રસ હતો. પોતે જે પુરવાર કરવા આવ્યા હતા એ કામ પૂરું થઈ ગયાનું લાગતું હતું.

ગૌરવ ભાટિયાને હવે મુસ્કાનની બહુ યાદ આવતી હતી. મમ્મી શારદાબહેનની પણ ફિકર થતી હતી. બિચારાએ આ ઉંમરે કેટકેટલું કરવાનું? ગૌરવનું મન ઉડીને મુંબઈ પહોંચી જવા તલપાપડ થવા માંડ્યું હતું. વિકાસને પણ થતું હતું કે હવે મુરુડમાં રોકાવાનો અર્થ નથી.

કિરણ બન્નેના અભિપ્રાય સાથે સંમત થતી હતી. એનેય રાજાબાબુ, માલતીબેન, મમતા અને ‘વિશ્ર્વાસ’ની યાદ આવતી હતી. છતાં ન જાણે કેમ એને લાગતું હતું કે હજી કંઈક બાકી છે. પણ શું બાકી છે એ ખબર નહોતી એટલે બન્ને સમક્ષ તેણે વાત ઉચ્ચારી નહિ.

નક્કી એવું થયું કે આવતી કાલે પરમવીર બત્રા અને પ્રશાંત ગોડબોલેને મળ્યા બાદ નીકળી જઈશું, પરંતુ ત્રણેયમાંથી કોઈ જાણતું નહોતું કે હજી તેઓ એક બહુ મોટું કામ કરવાના હતા.


સોલોમન પાસે હૉટલ બ્લાસ્ટસની ઘટના અને એની તરફ લઈ જનારી બાબતોનું ક્રમબદ્ધ નિવેદન ફરી લેવાનું શરૂ થયું. એના નિવેદન કે કબૂલાતનું વીડિયો સાથે ઑડિયો રેકોર્ડિંગ થવા માંડ્યું.
“અમારો પરિવાર ન જાણે કેટલાંય વરસોથી અલીબાગમાં જ રહે. કહો કે મોટાભાઈ બાદશાહ સિવાય ભાગ્યે જ કોઈએ લાંબા સમય માટે અલીબાગ છોડ્યું હશે. મને વધુ લાંબો ઈતિહાસ વિગતવાર યાદ નથી. પરંતુ ઘરમાં અબ્બા અને અમ્મી સાથે અમે ત્રણ ભાઈ રહેતા હતા. મોટાભાઈ બાદશાહ, વચલો ભાઈ એનડી એટલે નાવેદ જે હૉટલ પ્યૉર લવમાં મેનેજર હતો અને સૌથી નાનો હું. અબ્બા મહેનત મજૂરી કરીને અમને મોટા કરતા હતા પણ એ જરાય ખુશ નહોતા. એ ખૂબ ભાર હેઠળ જીવતા હતા, સતત તાણમાં રહેતા હતા. મેં ઘણીવાર એમને અમ્મી સામે રડતા જોયા હતા. તેઓ ઘણીવાર ઊંઘમાં ય બબડ્યા કરતા કે મુઝે માફ કર દો, મૈં કુછ નહિ કર પાયા.

અમારા એક વડવાના અવસાનના દિવસે એ ખૂબ અપસેટ થઈ જતા. અમને ત્રણેય ભાઈને ભોઈધરના કબ્રસ્તાનમાં લઈ જતા. ત્યાં ગુલાબના ફૂલ, ગુલાબનું અંતર અને ગુલાબની અગરબત્તી ચડાવીને માથું પટકી – પટકીને રડતા ક્યાંય સુધી રડે. પછી ત્રણેય એ કબર પર હાથ મુકાવીને કસમ લેવડાવતા કે મોટા થઈને અમે અમારા બુઝર્ગની રૂહની શાંતિ માટે જે કરવાનું હશે એ અવશ્ય કરીશું અને પછી જ શાદીબ્યાહ કરીશું. હું બહુ નાનો એટલે ઝાઝું સમજું નહિ પણ કસમ અવશ્ય લેતો હતો.

…પણ વરસો અગાઉ કબ્રસ્તાનથી આવ્યા બાદ રાતે અબ્બાએ ઝાડની ડાળી પર લટકીને જીવ આપી દીધો. આપઘાતની ચિઠ્ઠીમાં અમ્માને લખ્યું કે “અમીના બુઝુર્ગ સે માફી માંગને જા રહા હું. મેરા અધૂરા કામ તીનો બચ્ચો સે પૂરા કરવાના વર્ના મેરી રુહ કો ભી સુકુન નહિ મિલેગા.

પછી અમ્મી મોટાભાઈ બાદશાહને એકલામાં ખૂબ સમજાવતી કે અમારે ત્રણેયની જીવનની સર્વોચ્ચ પ્રાથમિકતા શું હશે? અમારે જન્નતનશીન બુઝુર્ગની રુહની શાંતિ માટે જે જરૂરી હોય એ બધું કરવાનું હતું.
આ મિશન માટે જ હું સોનગિર વાડી ગામમાં રહેતો હતો. જ્યારે જરૂર હોય ત્યારે જ મોટાભાઈ નાવેદ – એટલે એનડીને મળતો હતો.
પરંતુ ત્યાર બાદ સોલોમન ઉર્ફે સલીમે વર્ણવેલી ઘટનાઓમાં ઘણાં ગાબડાં હતાં. એટીએસના પરમવીર બત્રાને સોલોમન – સલીમની દલીલ વધુ સાચી લાગી કે ‘મોટાભાઈ બાદશાહે બધું સંપૂર્ણ આયોજન કર્યું હતું અને બધી ગોઠવણ કરી હતી. અમે બન્ને ભાઈ તો તેમની આજ્ઞાનું પાલન કરતા હતા. વધુ હકીકત બાદશાહ ભાઈ જ જણાવી શકશે.


કિરણ મહાજને સવારની ચા પતાવી, ત્યાં જ અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો. કોઈ મહિલા સતત રડી રહી હતી. એને માંડમાંડ શાંત પાડીને કિરણે વાત શું છે એ પૂછ્યું. ભાંગ્યાતૂટયા હિન્દી – મરાઠીમાં એ બદનસીબ પોતાની આપવીતી વર્ણવવા માંડી.

“મારા પતિ નાના ખેડૂત હતા. ખૂબ ન્યાય પ્રિય માણસ. કોઈ અન્યાય ચલાવી ન લે કે ખોટું સહન ન કરે. આને લીધે તેઓ સરપંચના ભારે વિરોધી છતાં ગ્રામ પંચાયતમાં ચૂંટાઈ આવ્યા હતા. મુરુડ આસપાસ ખેતીલાયક જમીન થોડી સસ્તી મળવાના આશયથી તેઓ મુરુડની હૉટલમાં રોકાયા હતા. એ રૂમ પણ કોઈ દલાલે બૂક કરાવી હતી. પરંતુ હૉટલમાં થયેલા ધડાકામાં એમનો જીવ ગયો. એમને આતંકવાદી જાહેર કરાયા બાદ સરપંચના માણસોએ અમારા ઘર પર હુમલો કર્યો. ઘરને આગ ચાંપી દીધી. હું માંડમાંડ બે છોકરાને બચાવીને ગામ છોડી ગઈ છું. મરેલા કોઈ આતંકવાદી નહોતા એવું સાબિત થવા છતાં મારા માટે ગામ પાછા ફરવાનું સલામત નથી. આ સંજોગોમાં હું પતિના મૃતદેહને ગામ લાવીને એમની અંતિમક્રિયા કરી શકું એમ નથી. દીદી, આપ મારા પરિવાર વતી એટલું કામ કરી આપશો?

આટલું માંડમાંડ બોલીને એ ફરી રડવા માંડી. કિરણે ગૌરવ ભાટિયા અને વિકાસને આ આઘાતજનક ઘટના જણાવી. કિરણ એકદમ ઉશ્કેરાઈ ગઈ. “આપણે આ મહિલાના ગામે જવું જોઈએ. એને પોલીસ રક્ષણ અપાવવું જોઈએ. એક તો આવો કુઠારાઘાત અને ઉપરથી આવો હાડોહાડ અન્યાય? આ તો ન જ ચલાવી લેવાય.

ગૌરવ ભાટિયા નાના ગામડામાં જન્મ્યો ને ઉછર્યો હતો. પત્રકારત્વ દરમિયાન અનેક ગામમાં ફર્યો હતો. તેણે કિરણને સમજાવી, “ભારતમાં બે ભારત વસે છે. એક આપણા મેટ્રોપોલીટન શહેરોમાં અને બીજું ગામડાંમાં. બન્ને ઘણાં અલગ છે. બૉમ્બ બ્લાસ્ટસમાં માર્યા ગયેલા ખેડૂતના ગામમાં જઈને આપણે કંઈ નહિ કરી શકીએ. આપણી પાસે પુરાવા છે કે એનું ઘર સરપંચના માણસોએ જ બાળ્યું. આપણે હોબાળો મચાવીશું તો પોલીસ એના પરિવારને રક્ષણ પૂરું પાડશે. પણ ક્યાં સુધી? સારું છે કે એનું કુટુંબ જ્યાં છે ત્યાં સુખેથી, શાંતિથી અને સલામત રીતે રહે.
કિરણને આઘાત લાગ્યો. તેણે વિકાસને એક વિનંતી કરી. એ સાંભળીને ગૌરવ અને વિકાસ પણ એકદમ આશ્ર્ચર્યચકિત થઈ ગયા. (ક્રમશ:)

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
દાયકાઓ બાદ ગુરુપૂર્ણિમા પર બનશે મંગળની યુતિ, આ રાશિઓના જીવનમાં થશે મંગલ જ મંગલ… 2024માં આ સેલિબ્રિટી કપલ છૂટા પડ્યા હાર્દિક જ નહીં આ Legends Cricketerની Married Lifeમાં ભંગાણ પડ્યા છે સાચી રીતે નહાવાની રીત જાણો છો?