નવાબ મલિક ક્યાં બેસે છે એ કોઈ મુદ્દો નથીઃ હવે કોણે આપ્યું આ નિવેદન
નાગપુરઃ મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારને પત્ર લખી મહાયુતિ ગઠબંધનની સરકારમાં શરદ પવાર એનસીપીના નવાબ મલિકને સામેલ કરવાની વાત સામે વિરોધ વ્યક્ત કર્યો હતો. આ મામલે હવે અજિત પવાર જૂથ (એનસીપી)ના નેતા પ્રફુલ્લ પટેલે જણાવ્યુ હતું કે નવાબ મલિક એક વરિષ્ઠ સાથીદાર છે અને તે મહારાષ્ટ્ર વિધાનસભામાં ક્યાં બેસે છે એ કોઈ મુદ્દો નથી. મલિક સાથે આ મામલે તેમના રાજકીય બાબતમાં કોઈ પણ વાત કરી નહોતી હોવાનું પટેલે જણાવ્યું હતું.
પટેલે વિધાનભવન પહોંચ્યા પછી પહેલા ફડણવીસને મળ્યા હતા, જેમાં ફડણવીસ સાથે પંદર મિનિટ વાત કરી હતી, ત્યારબાદ તેમણે અજિત પવારની સાથે મુલાકાત કરી હતી.
ફડણવીસે અજિત પવારને પત્રમાં જણાવ્યુ હતું કે મલિકને એક વિધાનસભ્ય તરીકે વિધાનસભાના સત્રમાં ભાગ લેવાનો અધિકાર છે. ભાજપ સાથે તેમની કોઈ પણ અંગત દુશ્મની નથી. પણ તેમના સામે લાગેલા આરોપોને લઈને તેમને આ સરકારમાં સામેલ કરવા યોગ્ય નિર્ણય નહીં હશે.
પટેલે કહ્યું હતું કે ફડણવીસે અજિત પવારને લખેલા પત્રનો ખોટો અર્થ ન કાઢવો જોઈએ. પટેલે આ મામલે ફડણવીસ અને અજિત પવાર સાથે વાતચીત કરી હતી. નવાબ મલિક વિશે પટેલે કહ્યું હતું કે મેં અજિત પવાર જૂથના મહાયુતિ ગઠબંધન સરકારમાં સામેલ થયા બાદ આ મામલે મલિક સાથે કોઈ પણ વાતચીત કરી નથી.
નવાબ મલિક જેલમાંથી જામીન પર બહાર આવતા તેમની સાથે મુલાકાત કરી હતી. અજિત પવાર જૂથ દ્વારા મલિક તરફથી ઇલેક્શન કમિશનને એફિડેવિટ આપવામાં આવ્યું નથી. મલિકના વિધાનસભામાં અજિત પવાર જૂથના સભ્ય નજીક બેસવા મુદ્દે પટેલે વિપક્ષ પાર્ટી પર ટીકા કરતાં કહ્યું હતું કે દેશના ચાર રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી હારી ગયા બાદ તેમની પાસે કઈ નવું કરવા માટે નથી.
મહાયુતિ ગઠબંધન સરકારના દરેક સભ્યો સારા કામો કરી રહ્યા છે. 2024માં મોદી ફરી સત્તામાં આવશે અને શિંદે-ફડણવીસ અને અજિત પવાર આગામી વર્ષે મહારાષ્ટ્રમાં ફરી સરકાર બનાવશે. આ પહેલા અજિત પવારને જણાવ્યુ હતું કે તેઓ મલિક સાથે આ મુદ્દે ફડણવીસ સાથે વાત કરશે, જેથી તેમની પણ વાત સમજી શકાય છે.
શરદ પવાર જૂથના એનસીપીના પ્રવકતાએ કહ્યું હતું કે નવાબ મલિકે અજિત પવાર એનસીપીના અનેક નેતાઓ માટે દિવસ-રાત કામ કર્યું છે. હું પણ આ વાતનો સાક્ષી છું. આજે આ નેતાઓ તેમને આધાર આપવાને બદલે તેમનાથી નારાજ છે, એમ એનસીપીના પ્રવક્તાએ જણાવ્યું હતું. ઇડી (એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ) દ્વારા ફેબ્રુઆરી 2022માં ડોન દાઉદ ઇબ્રાહિમ અને તેના સાથીદારોના મની લોન્ડરિંગ મામલે નવાબ મલિકની ધરપકડ કરી હતી. હાલમાં મલિકને મેડિકલના બેઝ પર જામીન આપવામાં આવ્યા છે.