આઇપીએલ 2024: પંજાબ કિંગ્સે નવા વડાની કરી નિયુક્તિ
મોહાલીઃ સંજય બાંગર ઇન્ડિયન પ્રીમિયર લીગ 2024 પહેલા પંજાબ કિંગ્સ સાથે જોડાયા છે. પંજાબ કિંગ્સે સંજય બાંગરને ક્રિકેટ ડેવલપમેન્ટના વડા તરીકે નિયુક્ત કર્યા છે. બાંગરે અગાઉ ઘણી ટીમો માટે કોચિંગ સ્ટાફમાં મહત્વની ભૂમિકા ભજવી છે. પંજાબે સંજય બાંગર અંગે સોશિયલ મીડિયા પર જાણકારી આપી હતી. આઇપીએલ 2024 માટેની હરાજી 19 ડિસેમ્બરે દુબઈમાં યોજાશે. તમામ ટીમો આ હરાજીની તૈયારીમાં વ્યસ્ત છે.
પંજાબ કિંગ્સે એક પોસ્ટ શેર કરી છે. જેમાં તેણે બાંગરના ફોટો સાથે લખ્યું હતું કે, અમને જણાવતા આનંદ થાય છે કે અમારો સિંહ સંજય બાંગર પાછો ફર્યો છે. તેને પંજાબ કિંગ્સના ક્રિકેટ ડેવલપમેન્ટના વડા બનાવવામાં આવ્યા છે. બાંગર અમારી ટીમમાં અનુભવ લાવે છે. અમને વિશ્વાસ છે કે તેમના નેતૃત્વમાં અમારી ટીમ નવી ઊંચાઈઓ પર પહોંચશે.
સંજય આ પહેલા પણ પંજાબ સાથે જોડાયેલા હતા. તેઓ જાન્યુઆરી 2014માં કિંગ્સ ઈલેવન પંજાબના આસિસ્ટન્ટ કોચ બન્યા હતા. જો કે આ પછી ટીમનું નામ બદલીને પંજાબ કિંગ્સ કરવામાં આવ્યું હતું. તે અન્ય આઈપીએલ ટીમો સાથે પણ કામ કરી ચૂક્યા છે.
સંજયે કોલકાતા નાઈટ રાઈડર્સ અને કોચી ટસ્કર્સ સાથે પણ કામ કર્યું છે. બાંગરે ભારત-એ અને ટીમ ઈન્ડિયા માટે કોચિંગ સ્ટાફમાં પણ મહત્વની ભૂમિકા ભજવી છે.