આપણું ગુજરાત

શાળાઓ વિદ્યાર્થીઓને ચોક્કસ પ્રકારનું જ સ્વેટર પહેરવાની ફરજ ના પાડે, શિક્ષણ વિભાગનું જાહેરનામું

ગાંધીનગર: શિયાળાની ઠંડી પાડવા લાગી છે ત્યારે ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગે વિદ્યાર્થીઓના હિતમાં મહત્વની સુચના જાહેર કરી છે. શિક્ષણ વિભાગે નોટીસ જાહેર કરી છે કે શાળાના બાળકોને હવે શિયાળા દરમિયાન ચોક્કસ પ્રકારના સ્વેટર અથવા ગરમ વસ્ત્રો પહેરવાની ફરજ પાડી શકાશે નહીં. આનાથી એવા વાલીઓને રાહત મળે છે કે જેમને શાળાના આદેશનું પાલન કરવાની અને તેમના બાળકો માટે માત્ર ચોક્કસ પ્રકારના જ સ્વેટર ખરીદવાની ફરજ પડે છે.

રાજ્યના પ્રાથમિક શિક્ષણ કમિશનરે શાળાઓને એક પરિપત્ર જાહેર કર્યો છે, જેમાં તેમને તેમના શિયાળાના યુનિફોર્મના નિયમોમાં છૂટછાટ આપવા અને વિદ્યાર્થીઓને પસંદગી અથવા ઉપલબ્ધતા અનુસાર ગરમ વસ્ત્રો પહેરવાની મંજૂરી આપવા જણાવ્યું છે. રાજ્યના શિક્ષણ પ્રધાને શાળાઓને કહ્યું હતું કે તેઓ તેમના વિદ્યાર્થીઓને શિયાળાના યુનિફોર્મ કોડનું પાલન કરવાનો આગ્રહ ન રાખે.

શાળાઓ વાલીઓને ચોક્કસ દુકાનમાંથી સ્વેટર ખરીદવાની ફરજ પાડતી હતી, જેનાથી વાલીઓ પર આર્થિક બોજ પડતો હતો. શાળાઓ અને યુનિફોર્મ બનાવતા વ્યવસાયો વચ્ચેની મિલીભગતના આક્ષેપો કરવામાં આવે છે, તેમજ વ્યાપારી લાભ માટે અમુક દુકાનોની તરફેણ પણ કરવામાં આવી છે. જેને ધ્યાનમાં લઈને રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓને કોઈ પણ ગરમ વસ્ત્રો પહેરવાની સ્વતંત્રતા આપી છે. આ નિર્ણયથી વંચિત બાળકોને ઘણી રાહત મળશે.

રાજ્યના પ્રાથમિક શિક્ષણ નિયામકે પણ આ નિર્ણય અંગે શાળા પ્રશાસનને જાણ કરતો પરિપત્ર જારી કર્યો હતો. આ નિર્દેશ હોવા છતાં, કેટલીક શાળાઓએ તેમના વિદ્યાર્થીઓએ તેમના લોગો ધરાવતા શિયાળાના વસ્ત્રો પહેરીને જ યુનિફોર્મ કોડનું પાલન કરવા જણાવ્યું છે.

ઘણા વાલીઓ દ્વારા કરવામાં આવેલી ફરિયાદોની નોંધ લેતા, રાજ્યના શિક્ષણ વિભાગે વધુ ઠંડી પડે એ પહેલાં નોટીસ જાહેર કરી છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે માર્ગદર્શિકા થોડી મોડી બહાર પાડવામાં આવી છે કારણ કે ઘણા વાલીઓ પહેલેથી જ શાળાઓ દ્વારા નિર્ધારિત શિયાળા માટેના ગરમ વસ્ત્રો ખરીદી લીધા છે. તેઓએ ઉમેર્યું કે વિભાગ પરિપત્ર અને માર્ગદર્શિકા બહાર પાડે છે પરંતુ શાળાઓ તેનું પાલન કરે છે તેની ખાતરી કરતું નથી.

જોકે, વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે વિન્ટર ડ્રેસ કોડ અંગે શાળાઓ શિક્ષાત્મક કાર્યવાહીનો સામનો કરી શકે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button