આપણું ગુજરાત

હર્ષ સંઘવીની ટ્રેન મુસાફરી જોખમી? વંદે ભારતમાં સફર દરમિયાન થયો પથ્થરમારો

રાજકોટ: ગઇકાલે ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી અમદાવાદથી રાજકોટ વંદે ભારત ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા તે દરમિયાન પથ્થરમારાની ઘટના બનતા તપાસનો ધમધમાટ શરૂ થયો છે. સમગ્ર ઘટનામાં કોઇ જાનહાનિ થઇ નથી, ફક્ત કોચને થોડું નુકસાન થયું છે, પરંતુ રેલવે દ્વારા તપાસ શરૂ કરી દેવાઇ છે.

મળતી માહિતી મુજબ વંદે ભારત ટ્રેન પર ફરી એકવાર પથ્થરમારાની ઘટના સામે આવી છે. આ વખતે રાજકોટના બિલેશ્વર સ્ટેશનની નજીકમાં જ આ પથ્થરમારાની ઘટના બની હતી. રેલવે પોલીસ તથા પ્રોટેક્શન ફોર્સ દ્વારા જે સ્ટેશન પર ઘટના બની તેની આસપાસના વિસ્તારોમાં લોકોને પૂછપરછ કરવામાં આવી રહી છે. ટ્રેનના સી-4 અને સી-5 કોચ પર કોઇએ પથ્થરમારો કર્યો હતો. જો કે કોચમાં લગાવાયેલા કાચને જ ફક્ત નુકસાન પહોંચ્યું હતું. એ સિવાય કોઇ જાનહાનિ થઇ નથી. ટ્રેન પણ રોકાયા વગર આગળ વધી ગઇ હતી.


પ્રાથમિક નિવેદનમાં રેલવે અધિકારીઓ આ ઘટનાને કોઇ ટીખળખોરોનું કૃત્ય ગણાવી રહ્યા છે. ગઇકાલે જ્યારે ટ્રેન રાજકોટ અને વાંકાનેર પાસે વંદે ભારત ટ્રેન પહોંચી રહી હતી ત્યારે ટ્રેન પર 2 પથ્થરો ફેંકવામાં આવ્યા હતા.


વંદે ભારત ટ્રેનમાં સવાર થઇને રાજકોટ પહોંચવાનો નિર્ણય ઓચિંતા જ ગૃહપ્રધાને લીધો હતો. તેઓ સાંજે 6 વાગે ટ્રેનમાં બેસીને રાજકોટ પહોંચ્યા હતા. પથ્થરમારાની ઘટના બન્યા બાદ રેલવેના ઉચ્ચ અધિકારીઓ રાત્રે જ મોરબી રોડ પાસેની ઝૂંપડપટ્ટીઓમાં તપાસ કરી પથ્થરો ફેંકનારની તપાસ શરૂ કરી હતી. રેલવેના સૂત્રો જણાવી રહ્યા છે કે શક્ય છે કે કોઇ બાળક દ્વારા ભૂલથી રમત રમતમાં પથ્થરો ફેંકવામાં આવ્યા હોય. ઘટના ગંભીર નથી છતાં તપાસ ચાલુ છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button