સટ્ટાબાજી-ગેમિંગને 28 ટકા જીએસટીના દાયરામાં લાવવા માટે વિધાનસભામાં બિલની રજૂઆત…

મુંબઈઃ મહારાષ્ટ્રના નાગપુરમાં અત્યારે શિયાળુ સત્ર ચાલી રહ્યું છે ત્યારે આ સત્રમાં નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે સાત ડિસેમ્બરના રોજ વિધાનસભામાં એક સુધારો બિલ રજૂ કર્યું હતું, જેમાં ઑનલાઇન ગેમિંગ, સટ્ટાબાજી, કેસિનો, હોર્સ રેસિંગ અને લોટરીને 28 ટકા કેટેગરીના ગુડ્સ એન્ડ સર્વિસિસ (GST) ટેક્સ હેઠળ લાવવાની જોગવાઈ વિશે જણાવવામાં આવ્યું છે. આ ઉપરાંત એકનાથ શિંદેની આગેવાની હેઠળની મહારાષ્ટ્ર સરકારે સાત ડિસેમ્બરના રોજ નાગપુરમાં વિધાનસભાના શિયાળુ સત્રના પ્રથમ દિવસે રાજ્યની વિધાનસભામાં રૂ. 55,520.77 કરોડની પૂરક માંગણીઓ રજૂ કરી હતી.
મહારાષ્ટ્ર ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એક્ટ 2017માં સુધારો કરવાના બિલ પર રાજ્ય વિધાનસભાના ચાલુ શિયાળુ સત્રમાં ચર્ચા કરવામાં આવશે અને નીચલા ગૃહ દ્વારા પસાર થયા બાદ તેને મત અને મંજૂરી માટે વિધાન પરિષદમાં મોકલવામાં આવશે.
નાણા વિભાગના એક અધિકારીએ જણાવ્યું હતું કે આ સેવાઓનું કુલ ટર્નઓવર હજારો કરોડ રૂપિયા છે અને તેના પર ટેક્સ લાદવાથી રાજ્યને ચોક્કસપણે ફાયદો થશે. જો આ બિલ પસાર થયા બાદ એકવાર કાયદો બની જશે તો રાજ્યને આવકનો નવો સ્ત્રોત મળશે અને રાજ્યને કરોડોનો ફાયદો થશે.