આપણું ગુજરાતનેશનલ

ત્રણ વર્ષમાં સૌરાષ્ટ્રભરમાં આલ્કોહોલ યુક્ત સીરપની બે કરોડ બોટલનું વેચાણ, પોલીસ તપાસમાં ખુલાસો

અમદાવાદ: ખેડામાં આયુર્વેદિક સીરપના લેબલ વળી આલ્કોહોલ યુક્ત દવા પીવાથી 6 લોકોના મોત થતા સફાળું જાગેલું પોલીસ તંત્ર હવે દરોડા પાડીને સિરપનો જથ્થો પકડી રહ્યું છે. એવામાં સિલ્વાસામાંથી આલ્કોહોલિક હર્બલ સિરપની દાણચોરીના મોટા રેકેટનો ખુલાસો થયો છે. રેકેટ કરનારાઓએ 2020 થી માત્ર સૌરાષ્ટ્રમાં જ રૂ.45 કરોડની કિંમતનો નશાકારક સિરપનું વેચાણ કર્યું હતું.

દેવભૂમિ દ્વારકા પોલીસે ગયા અઠવાડિયે સિલ્વાસામાં એક ફેક્ટરી પર દરોડા પાડીને યોજનાબદ્ધ ચાલતા રેકેટનો પર્દાફાશ કર્યો હતો જેમાં અગાઉ 800 કરોડની બેંક ફ્રોડમાં જામીન પર રહેલા પૂર્વ ટેલિકોમ કંપનીના માલિક સહિત આઠ લોકોની ધરપકડ કરી હતી. આરોપીઓએ કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલીમાંથી ગુજરાતમાં બે કરોડની બોટલોની દાણચોરી કરી હતી.


દેવભૂમિ દ્વારકા જિલ્લાના વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, “આ લોકો ક્યારેય હર્બલ સીરપ બનાવવાનો ઇરાદો ધરાવતા નહોતા પરંતુ માત્ર દારૂ જ બનાવીને તેને આયુર્વેદિક સિરપની આડમાં વેચતા હતા. તેઓએ બીયર અને વાઇન બનાવવામાં નિષ્ણાત લોકોને નોકરી પર રાખ્યા હતા આ લોકો વ્હાઇટ કોલર્ડ બુટલેગરો છે.”


સિરપની સામગ્રીમાં માલ્ટેડ જવની મહત્તમ માત્રા હતી અને બીયર જેવી કડવાશ આપવા માટે હોપ ફૂલના બીજના અર્કનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આયુર્વેદ નિષ્ણાતોએ જણાવ્યું હતું કે માલ્ટેડ જવનો ઉપયોગ આસવ અને અરિષ્ટ દવાઓ બનાવવામાં ક્યારેય થતો નથી. જપ્ત કરાયેલી બોટલો પર આયુર્વેદિક દવાઓના લેબલ હતા.


ગુજરાતમાં આલ્કોહોલિક સિરપના વેચાણ માટે આ ટોળકીએ સિલવાસામાં હાર્બોગ્લોબલ ફાર્માસ્યુટિકલ કંપની લિમિટેડ (HBG) નામની કંપનીની સ્થાપના કરી હતી. એક આરોપી કે જે આયુર્વેદ વિશે કશું જાણતો નથી તેને પ્રોડક્શનનો હવાલો સંભાળતો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button