આમચી મુંબઈ

દંડની રકમ ન ભરનારા ૧૭ લાખથી વધુ વાહનધારકોને નોટિસ ફટકારાઈ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કર્યા પછી દંડની રકમ ન ભરનારા ૧૭ લાખથી વધુ વાહનધારકોને નોટિસ ફટકારવામાં આવી હતી. ઈ-ચલાનની રકમ ન ભરનારા વાહનધારકો લોકઅદાલતમાં હાજર ન થાય તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની ચીમકી આપવામાં આવી છે.

મળતી માહિતી અનુસાર તાજેતરમાં ટ્રાફિક વિભાગ દ્વારા છેલ્લાં પાંચ વર્ષ દરમિયાન વાહનધારકો અને ડ્રાઈવરોને ઈ-ચલાન દ્વારા ફટકારવામાં આવેલી દંડની રકમનાં લેખાંજોખાં જાહેર કરાયાં હતાં. ટ્રાફિક વિભાગના કહેવા મુજબ આવા વાહનધારકો પાસેથી હજુ ૬૮૫ કરોડ રૂપિયા વસૂલવાના બાકી છે.

ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારાઓ વિરુદ્ધ મોટર વેહિકલ ઍક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવે છે. આ માટે વન સ્ટેટ વન ઈ-ચલાન હેઠળ નિયમોનો ભંગ કરનારાઓને ઈ-ચલાન દ્વારા દંડ ફટકારવામાં આવે છે, જેની માહિતી સંબંધિત વાહનધારકોને તેમના મોબાઈલ ફોન પર મોકલવામાં આવે છે. આવા વાહનધારકો-ડ્રાઈવરો પાસેથી દંડની રકમ વસૂલવા માટે ટ્રાફિક વિભાગ દ્વારા વિવિધ પ્રકારની ઝુંબેશ પણ હાથ ધરવામાં આવે છે.

આટલા પ્રયત્નો છતાં દંડની રકમ ન ભરનારા ૧૭,૧૦,૫૧૯ વાહનધારક-ચાલકોને ડિસ્ટ્રિક્ટ લિગલ સર્વિસીસ ઓથોરિટી, મુંબઈ દ્વારા નોટિસ મોકલવામાં આવી છે. નોટિસમાં જણાવાયું છે કે ઑનલાઈન પોર્ટલ, મોબાઈલ ઍપ, નેટ બૅન્કિંગ અથવા નજીકની ટ્રાફિક પોલીસ ઑફિસમાં જઈને વહેલીતકે દંડની રકમ ભરી દેવી. જે વાહનધારકોે દંડની રકમ ન ભરે તેમણે શનિવારે લોકઅદાલતમાં હાજર રહેવું. લોકઅદાલતમાં દંડની રકમનો નિવેડો લાવવામાં આવશે. લોકઅદાલતમાં પણ હાજર ન રહેનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે, એવું પણ જણાવાયું હતું.

ગમે ત્યાં વાહનો પાર્ક કરનારાઓ પર ‘માર્શલ’ની નજર
મુંબઈમાં ટૂંક સમયમાં ગમે ત્યાં વાહનો પાર્ક કરનારાઓનું આવી બનવાનું છે. ગમે ત્યાં ગેરકાયદે રીતે વાહન પાર્ક કરીને સમસ્યા ઊભી કરનારાઓ સામે મુંબઈ મહાનગરપાલિકાએ આકરા પગલાં લેવાનો નિર્ણય લીધો છે, જે અંતર્ગત ગમે ત્યાં વાહન પાર્ક કરનારા પર હવે માર્શલો નજર રાખશે.

મુંબઈમાં પીક અવર્સમાં જ નહીં પણ સામાન્ય કલાકોમાં પણ વાહનોને પાર્ક કરવા માટે જગ્યા ઉપલબ્ધ નથી. રસ્તા પર ગમે ત્યાં ગેરકાયદે રીતે વાહનો પાર્ક કરવાને કારણે પણ પાર્કિંગ જ નહીં, પણ ટ્રાફિકની સમસ્યા સર્જાતી હોય છે. તેથી મુંબઈ મહાનગરપાલિકા ગેરકાયદે પાર્કિંગ કરનારા પર નજર રાખવા વોર્ડ સ્તરે માર્શલ નીમવાની છે. ટૂંક સમયમાં તે માટે ટેન્ડર બહાર પાડીને તેને અમલમાં મૂકવામાં આવવાનું છે.

મુંબઈમાં પબ્લિક પાર્કિંગ લોટની સાથે જ ખાનગી પાર્કિંગ લોટ પણ છે. છતાં વાહનચાલકો પૈસા ભરીને વાહનો પાર્ક કરવાને બદલે મહાનગરના રસ્તાઓની બંને તરફ મન ફાવે તેમ વાહનો ઊભા કરી નાખતા હોય છે, તેને કારણે ટ્રાફિકની સમસ્યા તો રહે જ છે પણ સાથે જ પાર્કિંગ કરેલા સ્થળે કચરાના ઢગલા પણ થતા હોય છે. તો ગમે ત્યાં પાર્ક કરેલા વાહનો સુરક્ષાની દ્દષ્ટિએ પણ જોખમી બની શકે છે. રસ્તા પર ગેરકાયદે રીતે પાર્ક કરવા આવતા વાહનો સામે મુખ્ય પ્રધાને નારાજગી વ્યક્ત કર્યા બાદ પાલિકા કમિશનર ઈકબાલસિંહ ચહેલ આ સમસ્યા દૂર કરવા પર ધ્યાન આપ્યું છે, જે અંતર્ગત મુંબઈમાં વોર્ડ સ્તરે માર્શલની નિમણૂક કરાશે અને તેઓ વાહનચાલકોને ગમે ત્યાં વાહનો પાર્ક કરતા રોકવાનું કામ કરશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button