મેટિની

…પાત્ર તો ઠેર ઠેર મળી જાય છે, અછત વિશ્ર્વાસ પાત્રની હોય છે…

“…હું પરાણે ‘છાનું છમકલું’ના ‘રીવાઈવલ’ નાટકમાં કિશોર ભટ્ટનો રોલ કરવા તૈયાર તો થયો પણ…

અરવિંદ વેકરિયા

રાજેન્દ્રને થિયેટર માટેની કોઈ ચિંતા નહોતી. થિયેટરના મેનેજરો પાસે જઈને ઉભા તો રહેવું જ પડશે કારણકે કોઈ તારીખો ‘રીલીઝ’ માટે હાથમાં નહોતી. નાટક તાજેતરમાં બંધ થઇ ગયા પછી આમ પણ ખોટો તારીખોનો ભરાવો તો કરવો નહોતો કારણ, બીજું નાટક રજૂ કરવામાં ખાસ્સો સમય જવાનો હતો. મારે માટે તો પાછા દરેક નિર્માતાએ ‘બેનર’ બદલાતા રહેતા. બીજી ચિંતા એ પણ હતી કે કિશોર ભટ્ટ અને સંજીવ શાહ સિવાય બધા એ જ કલાકારો હતા જેમને સ્ક્રીપ્ટ ઉપર નજર નાંખતા સંવાદો યાદ આવી જવાના હતા. હા, ‘બોલ્ડ’ સંવાદો જે હશે એ એટલા બધા તો ન જ હોય જે યાદ રાખવામાં સમય જાય. દિગ્દર્શક તરીકે પણ મને કિશોર ભટ્ટનાં પાત્રનાં સંવાદો હજી પણ મોઢે હતા. આમ, સોહિલ વિરાણી માત્ર નવો ગણી શકાય.. પરંતુ એની ‘મેમરી’ એટલી ‘શાર્પ’ કે એના મગજમાં સંવાદો તરત ‘ફીટ’ થઇ જાય. ટૂંકમાં, નાટક તો એક અઠવાડિયામા તૈયાર થઇ જાય.પણ થીયેટર ન મળે તો તૈયાર થઇ ગયેલા નાટકનું કરવું શું? ક્યા સુધી થિયેટરની રાહ જોતા બેઠા રહેવું.! તૈયાર થઇ ગયેલા નાટકને વારંવાર રટતા-રટતા કલાકારો પણ ધીમે ધીમે મોનોટોનસ’ થઇ જાય. પછી તો રીહર્સલ એક રૂટીન બની રહે.

આ બધું થવાનું છે, એની મને ખબર હતી તો સામે રાજેન્દ્રને કોઈ ચિંતા નહોતી. રીવાઈવલ નો ‘આઈડીયા’ જ મને ગળે ઊતરતો નહોતો. તુષારભાઈને એક યા બીજી રીતે સમજાવવાની ઘણી કોશિશ કરી પણ પથ્થર પર પાણી ! ક્યારેક સમય પણ એવી પરીક્ષા લે છે કે સમજદાર વ્યક્તિ પણ આપણને સમજી નથી શકતી. મન મનાવ્યું કે દરેક નવી સવારમાં ચમત્કારની સંભાવના હોય છે એટલે સ્વયંને સ્વયંથી કહેવાનું કે ‘મૈ હું નાં !’ આજ ‘ટેન્સન’ ઓછું કરવાનું રામબાણ વાક્ય હું ગોખતો રહ્યો.

બીજે દિવસે જ રાજેન્દ્રનો ફોન આવ્યો, ‘મને કહે બે સીન્સ તૈયાર થઇ ગયા છે તો આપણે આજે સાંજે જ મળી લઈએ. હું વાંચીશ તો જરા જોઈ લે કેવા લખાયા છે.’

અમે બંને સાંજે મળીએ એ પહેલા મને થયું કે તુષારભાઈને ફોન કરી જણાવી દઉં કે તેઓ પણ આ રિડીંગ પ્રોસેસ’ મા જોડાય અને લખાણ સાંભળે. પણ, નસીબ ! મેં તુષારભાઈનાં સાસરે-માટુંગા ફોન તો કર્યો, ખબર પડી કે એ આજે જ પારડી જવા નીકળી ગયા છે. હવે તો મારે અને રાજેન્દ્રએ જ મળવું રહ્યું. …હરી ફરીને ‘રી-વાઈવલ’ શું કામ? એ વિચાર માથાં પર હથોડાની જેમ ઝીંકાતો હતો. કોને ખબર કેમ, તુષારભાઈને નાટક ઉપર અને અમારા ઉપર ગજબનો વિશ્ર્વાસ હતો. પાત્ર તો ઠેર ઠેર મળી જાય પણ અછત વિશ્વાસ પાત્ર’ ની હોય છે.કઈક આવું જ તુષારભાઈ માનતા હશે.
સાંજે હું અને રાજેન્દ્ર મળ્યા. એ જ અમારી જાણીતી જગ્યા, હિન્દુજા થિયેટર પર ! એણે બે સીન્સ વાંચ્યા. જે પહેલા લખાણ હતું એ એમ જ રાખેલું. વચ્ચે-વચ્ચે જયંત ગાંધીના જોક્સ સાંકળી લીધેલા. એવા સરસ રીતે જોક્સનો ઉમેરો કરેલો કે વાર્તા સાથે વણાઈ ગયેલા. ‘બોલ્ડ’ બનાવવાનું સહિયારું નક્કી કરેલું એટલે હવે મો બગાડવાનો કોઈ અર્થ સરતો ન હતો. પણ જોક્સ સરસ રીતે વાર્તામાં એકરૂપ થઇ ગયેલા. બાકી આજે તો ઘણાખરા નાટકોમાં રિલીફ’ નાં બહાને જોક્સ ઉમેરાતા હોય છે. કોઈ એક કહે, ‘ મારો એક વકીલ દોસ્ત છે..એણે,,’ કહી વકીલનો કોઈ જોક કહે, તો સામેનું પાત્ર ..‘તારો વકીલ તો કઈ નથી પણ મારો એક ડૉક્ટર મિત્ર છે…’ એમ કહી સામે ડૉકટરનો ચીલાચાલુ જોક ફટકારે. આ ‘જોકાજોકી’માં મૂળ વાત તો બાજુએ રહી જાય. આગળ કહ્યું એમ રોટલા ઘણા ખવડાવ્યા હવે બદલાતા રંગ પ્રમાણે પ્રેક્ષકોને ‘પિત્ઝા’ ટેસ્ટ કરાવી જોઈએ.

બે સીન્સ વાંચી લીધા પછી રાજેન્દ્રએ પૂછ્યું કેમ લાગ્યું? ઓ.કે. મારો આવો જવાબ સાંભળી રાજેન્દ્ર મને કહે કે કેમ સાવ ઢીલો જવાબ આપે છે ? તું જોજે આ નાટકનો રિસ્પોન્સ. મારી તો ઇચ્છા છે કે આ નાટકને શત-પ્રયોગ સુધી ચલાવું. ઇચ્છા હોવી અને મુકામ પર પહોંચાડવી, એ બંનેમા ફરક તો છે. ખરું કહું તો ઇચ્છાઓના કાફલા પણ કમાલ હોય છે, એ ત્યાંથી જ પસાર થાય છે જ્યાં રસ્તા નથી હોતા. મારા મગજમાં ચાલતો આ વિચાર મેં રાજેન્દ્રને જણાવ્યો નહિ.

મને મૂંગોમંતર બેઠેલો જોઈ એણે પોતાના લખાણના ગુણગાન આગળ ચલાવ્યા. ત્રીજા સીનનો ડ્રોપ પણ અફલાતૂન બનશે. ત્યાં જ પહેલો અંક પૂરો થશે. મેં અરધો ત્રીજો સીન તો લખી પણ નાંખ્યો છે. લગભગ કાલે પૂરો લખાય પણ જશે. તુષારભાઈએ પરમ દિવસથી રીહર્સલ માટે ફાર્બસ હોલ લખાવી રાખ્યો છે, તો બધા કલાકારોને ફોન કરી સાંજે ૬ વાગે આવવાનું જણાવી દે.

રાજેન્દ્ર ખરેખર ભુરાયો બન્યો હતો. એક વાર પોતાની નવી કથાવસ્તુ ધરાવતું નાટક રજૂ કરવા જે અધૂરો હતો એ જ રાજેન્દ્ર હવે પૂરેપૂરો જાણે તુષારભાઈની ‘રીવાઈવલ’ ની ગાડીમાં ચડી બેઠો હતો.
મેં કહ્યું, ચોક્કસ…તુષારભાઈને પણ જણાવીશ જો એ પારડીથી આવી શકે તો ઠીક નહિ તો આપણે શરુ કરી દઈશું. હોલના પૈસા ભર્યાની રસીદ ધનવંત શાહ પાસે છે. કાલે સવારે એમને ફોન કરી એમને જ પરમ દિવસે કલાકારોને ફાર્બસ હોલ પર બોલાવવાનું કહી દઈશ.

યે હુઈ ને બાત રાજેન્દ્રને જાણે જોમ ચડ્યું. અમારી એકબીજા પ્રત્યેની લાગણીનું જ એ પ્રતિબિંબ હતું. મળે જ્યાં લાગણીનાં ખજાના, સંબંધ એ જ લાગે મજાના, હું મનોમન બોલ્યો. એણે લખેલા સીન્સનો ‘પોઝિટિવ’ રિસ્પોન્સ મેં આપ્યો એ એને પુલકિત કરી ગયો.

એ પણ ખુશ અને મારા ખુશ હોવાનો દેખાડો એને વધુ ખુશ કરી ગયો.

આપણે ત્રીજા સીન માટે કાલે મળવું છે? એણે પૂછ્યું. મેં કહ્યું, આમ પણ ત્રીજો સીન તું આજે પૂરો કરીશ..હજી આગળ લખતો રહે. કદાચ કોઈ થિયેટર વહેલું મળી ગયું તો ત્યારે ઓપન’ કરી દઈશું. આમ પણ પરમ દિવસે મળવાના તો છીએ જ ને?

હા, એ બરાબર ! મારો તો વિચાર છે કે રીહર્સલ શરૂ થયા પછી બે દિવસની ઓફીસમાંથી રજા લઇ આખા નાટકને ધી એન્ડ’ આપી દઉં. રાજેન્દ્ર બોલ્યો.

ભલે. કલાકારોને ફોન કરવાનું કામ ધનવંત શાહને સોંપી દઉં છું. મેં કહ્યું.

રાજેન્દ્ર મને કહે, દોસ્ત ! ભલે તુષારભાઈએ જીદ કરી પણ મને અંદરથી થાય છે કે આ ‘રીવાઈવલ’ ખુબ સફળ થશે. જો ઈરાદા મજબૂત હોય તો ભાગ્ય બદલાય, બાકી ઘણા જીવન વિતાવતા હોય છે કિસ્મતને દોષ દઈ. રાજેન્દ્રએ છેલ્લે નાની પણ સારી શાયરી કહી દીધી, લેખક તો ખરો ને !

અમે બંને ‘પરમ દિવસે મળીએ’ એવું એકબીજાને કહી છુૂ ટા પડ્યા.

મને એની સફળતાની વાત ઉપર ખુબ નવાઈ તો લાગી. કદાચ તુષારભાઈ અને રાજેન્દ્રની ગાડી એક જ પાટા પર દોડતી હતી. સાચી વાત સમજવામા મારી ગેરસમજ પણ હોઈ શકે. પછી હું પણ એ બંને સાથે જોડાય ગયો. ગેરસમજને સમજવી એ પણ એક સાચી સમજ છે, એમ માની ને.!

દરેક વખતે મનને મનાવવું એ જિંદગી જીવી કહેવાય..ક્યારેક મનનું માનવું એ જિંદગી માણી કહેવાય.

મને રાજેન્દ્રનું હોય કે તુષારભાઈનું. મારું મન પણ એમની વાત માનતું થઇ ગયું. થયું ચાલો, જિંદગી માણી લઈએ…!!!

  ***                  

ઊડવા દો એ ધૂળને, ક્યા સુધી ઊડશે?,
આપમેળે જ રોકાઈ જશે, જ્યારે હવા સાથ

છોડશે.!

દશેરાના દિવસે ફાફડા-જલેબી અને મરચાં ખાઈને એસિડિટી થાય તો એમ સમજવાનું કે આપણી અંદરનો રાવણ બળી રહ્યો છે….

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button