રોમાન્સના રાજા એક્શનના અવતારમાં
રોમેન્ટિક ફિલ્મોમાં શાસન કર્યા પછી શાહરુખ અને રણબીર એક્શન ફિલ્મોમાં સફળતા મેળવી રહ્યા છે, પણ આ ચિત્રપટોમાં હિંસાની ભરમાર અને નારીની અવહેલના આંખમાં ખૂંચે એવી હોવાની ચર્ચા પણ છે
કવર સ્ટોરી -હેમા શાસ્ત્રી
પહેલા શાહરુખ ખાન (’જવાન’) અને હવે રણબીર કપૂર (’એનિમલ’)ને બોક્સ ઓફિસ પર મળેલી અસાધારણ સફળતા હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટે વ્યવસાયિક દ્રષ્ટિકોણથી ચોક્કસ આનંદ આપનારા સમાચાર છે. અનેક વર્ષ રોમેન્સના રાજા તરીકે રાજ કર્યા પછી હવે બંને અભિનેતાએ એક્શન સ્વરૂપમાં આવી અદભુત સફળતા મેળવી છે, પણ આ બંને ફિલ્મની કથા અને પાત્રોનું નિરૂપણ જોતા હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રી કયા રસ્તે આગળ વધી રહી છે એવો સવાલ થાય એ સ્વાભાવિક છે. શાહરુખની ’જવાન’ અનિલ કપૂરની ’નાયક’નું આછું સ્મરણ કરાવી દે છે અને વીએફએક્સ – સ્પેશિયલ ઇફેક્ટ્સને બાદ કરતા વાર્તામાં એક સુધ્ધાં ઊડીને આંખે વળગે એવું તત્ત્વ ન હોવા છતાં ફિલ્મને મળેલી આવી જંગી સફળતા જોઈ અન્ય ફિલ્મ મેકરો એ રસ્તે આગળ વધવા પ્રેરાય તો નવાઈ નહીં લાગે. બે કલાક ૫૦ મિનિટની ફિલ્મમાં ખેડૂતોની આત્મહત્યા, પ્રામાણિક કલેકટરની હત્યા, સગર્ભા પત્નીને ફાંસીની સજાનું એલાન, ભ્રષ્ટાચાર, હથિયાર માફિયા વગેરે વગેરે રજૂ કરી સમસ્યાના સમાધાનનું એક આભાસી ચિત્ર ઊભું કર્યું છે. સલમાન ખાનએ ’વોન્ટેડ’ પછી જે કર્યું એ હવે શાહરુખ કરી રહ્યો છે એવો અભિપ્રાય સોશિયલ મીડિયા પર કેટલાક લોકોએ વ્યક્ત કર્યો છે. હિન્દી ફિલ્મો સાઉથની ફિલ્મોના રસ્તે આગળ વધી રહી છે કે શું એવા સવાલ પણ મનમાં ઊઠી રહ્યા છે. એક્શન ફિલ્મોમાં આગળ વધવાની ઈચ્છા વ્યક્ત કરનારા શાહરુખની ’પઠાન’ અને ’જવાન’ને મળેલી અસાધારણ સફળતાને કારણે તેની આગામી ફિલ્મ રાજકુમાર હિરાણી દિગ્દર્શિત ’ડંકી’ને અસર તો નહીં થાય ને એવો સવાલ પણ પુછાઈ રહ્યો છે, કારણ કે ’ડંકી’ એક્શન ફિલ્મ તો નથી જ. ’ડંકી’નું શું થશે એ તો પ્રેક્ષક માઈબાપ નક્કી કરશે, પણ ’જવાન’ અને ’એનિમલ’ની સફળતા ફિલ્મમેકિંગનું વહેણ બદલવામાં નિમિત્ત બનશે કે કેમ એવા તર્ક વિતર્ક થઈ રહ્યા છે.
દર્શકો હવે એક્શન ફિલ્મો વધુ પસંદ કરતા થયા છે એવો સવાલ કોઈ પૂછી શકે છે. બોક્સ ઓફિસના દ્રષ્ટિકોણથી આ વર્ષની અત્યાર સુધીની સફળ ૧૦ ફિલ્મની વાત કરીએ તો ટોચની પાંચેપાંચ (જવાન, પઠાન, ગદર ૨, એનિમલ અને ટાઈગર ૩ – પ્રત્યેકનું કલેક્શન ૪૫૦ કરોડથી વધુ) ફિલ્મમાં એક્શન ઠાંસી ઠાંસીને ભર્યું છે. સફળતા મેળવનાર અન્ય પાંચ ફિલ્મ (રોકી ઔર રાની કી પ્રેમ કહાની, ધ કેરળ સ્ટોરી, આદિપુરુષ, ઓએમજી ૨ અને તૂ જૂઠી મૈં મક્કાર’ – પ્રત્યેકનું કલેક્શન ૨૨૦ કરોડથી ૩૫૦ કરોડ સુધીનું)માં એક્શન હોય તો પણ રાઈસપ્લેટના ખૂણામાં પડેલી ચટણી જેટલું હશે. કલેક્શનના દ્રષ્ટિકોણથી ૬થી ૧૦ નંબરની ફિલ્મમાં વાર્તા, અભિનય, સંગીત વગેરે વખણાયા છે, પણ એક્શન ફિલ્મો જેવો ધસારો આ ફિલ્મોમાં નથી થયો. ’એનિમલ’માં તો નાયક રણબીર કપૂર ક્રોધિત, હિંસાચારી અને સ્ત્રીનું અપમાન કરનારો દર્શાવાયો છે. તેમ છતાં આ ફિલ્મને અસાધારણ સફળતા અને ફિલ્મ જોનારા દર્શક વર્ગમાં મહિલાની સંખ્યા ખાસ્સી હોવાની. મહિલા વર્ગ તરફથી નારાજીનો કોઈ સૂર ઉઠ્યો હોય એવું જાણવા નથી મળ્યું. તો શું એવું સમજવાનું કે દર્શકોને (જેમાં નારીવર્ગનો પણ સમાવેશ છે) આવી વાર્તા, આવો નાયક, આવી ફિલ્મ પસંદ છે? ’એનિમલ’નો ડિરેક્ટર છે સંદીપ વેન્ગા જેણે પોતાની જ સાઉથની ફિલ્મ પરથી હિન્દીમાં ’કબીર સિંઘ’ બનાવી હતી. રિલેશનશિપમાં સંબંધની વ્યાખ્યા વિશે સંદીપ વેન્ગા શું માને છે એ જાણ્યા પછી એની ફિલ્મના પુરુષ પાત્રના માનસિક બંધારણને સમજવામાં સરળતા પડશે. મિસ્ટર વેન્ગાનું માનવું છે કે ’તમે જો પ્રેમિકા – ગર્લફ્રેન્ડને લાફો ન મારી શકતા હો, તમને જ્યાં સ્પર્શવાની ઈચ્છા થાય ત્યાં સ્પર્શી ન શકો, એને કિસ ન કરી શકો કે બે ચાર ભૂંડાબોલી કહી ન શકો તો મને એ રિલેશનશિપમા
ં લાગણીનો અભાવ વર્તાય છે.’ મિસ્ટર વેન્ગા જે કહે છે એ આજના યુવા વર્ગની માનસિકતાનું પ્રતિબિંબ હોય તો ’એનિમલ’ને સફળતા મળે એની નવાઈ ન લાગવી જોઈએ. સમસ્યાના ઉકેલ માટે દુશ્મનાવટ અને હિંસાચાર ઉચિત છે એવી પુરુષની વૃત્તિનું ગૌરવ એમાં નજરે પડે છે જે ચિંતાપ્રેરક છે.
રિષભ શેટ્ટીની બહુ વખણાયેલી અને સારી સફળતા મેળવનારી ’કાંતારા’ (માયાવી જંગલ)માં જનહિતના રક્ષણનો ઉમદા મુદ્દો છે, પણ સાથે સાથે નારીનું અપમાન પણ દર્શાવાયું છે. જમીનદારની સામાન્ય માણસની જમીન હડપવાની વૃત્તિ પર અહીં પ્રકાશ ફેંકવામાં આવ્યો છે. આ બાબત ફિલ્મનું જમા પાસુ ગણાય પણ સ્ત્રીના અપમાનની વાત ખટકે એવી છે જેની દુર્ભાગ્યે થવી જોઈએ એટલી ટીકા નથી થઈ. પુરુષ પ્રધાન સમાજનું નિરૂપણ ફિલ્મમાં જોવા મળે છે અને આજે જ્યારે સંસદમાં નારી શક્તિ અધિનિયમ દાખલ કરવામાં આવ્યું હોય ત્યારે હીરો એકથી વધુ વાર હિરોઈન સાથે બળજબરી કરે અને ચૂંટિયો ભરી પોતાની લાગણી વ્યક્ત કરે અને આ સીન ક્લોઝ અપમાં દેખાડવામાં આવે એ કેવી માનસિકતા છે? હીરો હિરોઈન પર હાથ ઉપાડવા છતાં એ લોકોની નજરમાં ’હીરો’ છે અને આવા દ્રશ્યો નારી સામેની હિંસા સહજ બનાવી દે છે. કોઈને ગુસ્સો નથી આવતો, કોઈને અરેરાટી નથી થતી. પુરુષ આવું કરે, સ્ત્રી ચલાવી લે એ માનસિકતા બની જાય છે. આ પ્રકારનું ચિત્રીકરણ જોઈ એવો સવાલ જાગે છે કે શું આજે પણ સ્ત્રીને ડોમિનેટ કરતા પુરુષો વધુ પસંદ છે?