ગાઝામાં મૂળ ભારતીય સૈનિકનું મોત, મહિના પહેલા થઈ હતી સગાઈ
ગાઝા પટ્ટીઃ ગાઝા પટ્ટીમાં ઈઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધમાં ભારતીય મૂળના ઈઝરાયલી સૈનિકનું મોત થયું હોવાનું જાણવા મળ્યું છે, જેની એક મહિના પહેલા સગાઈ થઈ હતી. અશડોડના માસ્ટર સાર્જન્ટ ગિલ ડેનિયલ્સનું મોત મંગળવારે થયું હતું. બુધવારે તેના અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતા. ઈઝારયલ આર્મીએ કહ્યું હતું કે ગાઝા પટ્ટીના યુદ્ધ દરમિયાન શહીદ થનારા બે સૈનિકમાં ગિલનો સમાવેશ થયો છે.
આ યુદ્ધમાં ઈઝરાયે પોતાના અનેક સૈનિક ગુમાવ્યા છે. આ યુદ્ધમાં ઈઝારયલની રક્ષણ માટે દેશના નાગરિકોએ પોતાના દીકરી-દીકરાને પ્રોત્સાહન આપ્યું છે. વાસ્તવમાં જે કોઈના મોત થઈ રહ્યા છે એ દુખદ બાબત છે. યુદ્ધ શરુ થયા પછી 10મી ઓક્ટોબરે ગિલને ફોર્સમાં રાખવામાં આવ્યો હતો, એમ ઈન્ડિયન જ્યુઈશ હેરિટેજ સેન્ટરે જણાવ્યું હતું.
ગિલ ડેનિયલ્સના મિત્રે કહ્યું હતું કે એક મહિના પહેલા ગિલની સગાઈ થઈ હતી. તેની શહીદીને કારણે પરિવારને સૌથી મોટી ખોટ પડી છે. ગાઝામાં યુદ્ધ શરુ કરવામાં આવ્યા પછી 86 ઈઝરાયલના સૈનિકનાં મોત થયા છે. સાતમી ઓક્ટોબરે ઈઝરાયલમાં થયેલા હુમલા પછી અત્યાર સુધીમાં ભારતીય મૂળના ચાર સૈનિકનાં મોત થયા છે.