ઇન્ટરનેશનલ

કતારમાં ફાંસીની સજા પામેલા આઠ ભૂતપૂર્વ ભારતીય મરીનને મળવા પહોંચ્યા ભારતીય રાજદૂત…

કતાર: કતારમાં જાસૂસીના આરોપમાં મૃત્યુદંડની સજા પામેલા આઠ ભૂતપૂર્વ નેવી કર્મચારીઓને ભારતીય રાજદૂત ત્રણ ડિસેમ્બરના રોજ મળવા પહોંચ્યા હતા તેમ વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ જણાવ્યું હતું. તેમજ વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દુબઈમાં કતારના અમીર સાથે મુલાકાત કરી છે. જો કે બંને વચ્ચે શું વાતચીત થઇ તે જાણી શકાયું નથી.

અરવિંદ બાગચીએ જણાવ્યું હતું કે કતારમાં આઠ ભારતીયોને ફાંસી આપવાના મામલામાં ભારતે અપીલ કરી છે. આ અંગે 23 નવેમ્બર અને 30 નવેમ્બરના રોજ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. તેમજ આગામી સુનાવણી પણ ટૂંક સમયમાં થવાની ધારણા છે. આ ઉપરાતં અરવિંદ બાગચીએ જણાવ્યું હતું કે હાલમાં અમારું સંપૂર્ણ ધ્યાન ન્યાયિક પ્રક્રિયા પર છે, પરંતુ અમે કતારના અધિકારીઓના સંપર્કમાં પણ છીએ.

કતારની કોર્ટ ઓફ ફર્સ્ટ ઇન્સ્ટન્સે 26 ઓક્ટોબરના રોજ આઠ ભારતીયોને મૃત્યુદંડની સજા ફટકારી હતી. ભારતે આ ચુકાદાને ચોંકાવનારો ગણાવ્યો હતો અને આ મામલે તમામ કાયદાકીય વિકલ્પો વિશે વિચારવાની વાત કરી હતી. ભારતે ફાંસીની સજા સામે અપીલ દાખલ કરી હતી. તેમજ બાગચીએ જણઆવ્યું હતું કે આ બાબતે કતારી સત્તાવાળાઓ સાથે પણ સંપર્કમાં છીએ અને અમે તેમને (ભૂતપૂર્વ નૌકાદળના કર્મચારીઓને) તમામ કાયદાકીય અને રાજદ્વારી સહાયતા આપવાનું ચાલુ રાખીશું.

નોંધનીય છે કે ખાનગી કંપની અલ દહરામાં કામ કરતા ભારતીય નાગરિકોની ગયા વર્ષે ઓગસ્ટમાં કથિત જાસૂસી કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. જો કે કતારી સત્તાવાળાઓ કે નવી દિલ્હીએ ભારતીય નાગરિકો સામેના આરોપો જાહેર કર્યા નથી. હાલમાં ભારત તમામ કાયદાકીય વિકલ્પો શોધી રહ્યું છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button