નક્સલવાદીથી તેલંગણા સરકારમાં પ્રધાનઃ જાણો સીતાક્કા વિશે
ફિલ્મોમાં થતું જોવા મળતું હોય તે વાસ્તવિક જીવનમાં થાય ત્યારે અચરજ પણ થાય અને જો સકારાત્ક ઘટના હોય તો પ્રેરણા પણ મળે. તેલંગાણાની નવી અનુમુલા રેવંત રેડ્ડી સરકારમાં બે મહિલા ધારાસભ્યોને પણ પ્રધાનપદ આપવામાં આવ્યું છે. તેમાં જ્યારે મુલુગ સીટ પરથી ચૂંટાયેલા સીતાક્કા શપથ લેવા ઊભા થયા ત્યારે વાતાવરણમાં તાળીઓનો ગડગડાટ ગૂંજી ઉઠ્યો.
આ પહેલા આજે રેવંતે મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. રાજ્યના ગવર્નર તમિલિસાઈ સુંદરરાજને બપોરે 1.04 વાગ્યે 56 વર્ષીય કૉંગ્રેસી નેતાને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. આ સાથે અન્ય 11 નેતાઓએ પણ મંત્રી તરીકે શપથ લીધા હતા. આમાંથી એક હતા સીતાક્કા. તેઓ આ 11થી અલગ હતા અને તેનું કારણ છે તેમણે કરેલો જીવનસંઘર્ષ.
દાનસારી અનસૂયા એટલે કે સીતાક્કા દસમું ભણ્યા બાદ 1988માં નકસલવાદ સાથે જોડાઈ અને તે નક્સલ જૂથની કમાન્ડર પણ બની ગઈ. દરમિયાન નક્સલવાદ સાથે સંકળાયેલા તેના ભાઈ અને પતિનું પોલીસ એન્કાઉન્ટરમાં મોત થયું અને આખરે ચંદ્રબાબુ સરકારમાં તેમણે મુખ્ય પ્રવાહમાં પાછા ફરવાનું એટલે કે નક્સલવાદી છોડી પાછું સામાન્ય જીવન જીવવાનું નક્કી કર્યું.
મનાંમાં નેતાગીરીનો ગૂણ પહેલેથી જ હતો આથી પોલીસને આત્મસમર્પણ કર્યા પછી, સીતાક્કાએ જંગલોમાં રહેતા આદિવાસીઓના ઉત્થાન માટે કામ કરવાનું શરૂ કર્યું. ધીમે ધીમે તે આદિવાસી વિસ્તારોમાં લોકપ્રિય બન્યાં અને 2009માં તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી)એ તેમને વિધાનસભાની ટિકિટ આપી. તે પ્રથમ વખત મુલુગ બેઠક પરથી ચૂંટણી જીતીને વિધાનસભામાં પહોંચ્યા. જો કે, અલગ રાજ્ય તરીકે તેલંગાણાની રચના પછી તેમણે ટીડીપીને અલવિદા કહ્યું અને રેવંત રેડ્ડી સાથે કોંગ્રેસમાં જોડાઈ ગયાં.
અહીં તેમણે ઘણી નામના મેળવી અને તેલંગાણાના મુખ્ય પ્રધાનપદની રેસમાં આદિવાસી નેતા સીતાક્કાનું નામ પણ સામેલ હતું. જોકે તેમને તે ન મળ્યું પણ આજે તેમણે તેલંગાણા કેબિનેટમાં પ્રધાન તરીકે શપથ લીધા. મુલુગ બેઠક પરથી ચૂંટણી લડનાર દાનસારી અનસૂયા ઉર્ફે સીતાક્કાએ 33,700 મતોથી ચૂંટણી જીતીને હેટ્રિક ફટકારી છે. નકસલાવાદ છોડવો અને રાજકારણમાં આવી પ્રધાનપદ મેળવવું એ તો એક સિદ્ધિ છે જ, પરંતુ તેના કરતા પણ પ્રેરણાદાયી અને પ્રશંસાને પાત્ર કામ સીતાક્કાએ કર્યું છે અને તે છે એ છે કે તેમણે પોતાનો અભ્યાસ ચાલુ રાખ્યો અને પીએચડીની ડિગ્રી પણ મેળવી છે.
તાક્કાએ ઓસ્માનિયા યુનિવર્સિટીમાંથી પોલિટિકલ સાયન્સમાં પીએચડીની ડિગ્રી મેળવી છે. સીતાક્કા પાસે 82 લાખ રૂપિયાની સંપત્તિ છે. જેમાંથી તેમની પાસે એક લાખ રૂપિયા રોકડા છે. આ સાથે કોંગ્રેસના નેતા પાસે 3 લાખની કિંમતના 60 ગ્રામ સોનાના દાગીના છે.