પાકિસ્તાનના નવા કેપ્ટને શાન મસૂદે ઓસ્ટ્રેલિયામાં બેવડી સદી ફટકારી, ટીમ મજબૂત સ્થિતિ
પાકિસ્તાન ટેસ્ટ ટીમના નવા કેપ્ટન શાન મસૂદે ઓસ્ટ્રેલિયામાં બેવડી સદી ફટકારી છે. શાન મસૂદની કેપ્ટનશિપ હેઠળ પાકિસ્તાનની ટીમ ત્રણ મેચની ટેસ્ટ સિરીઝ રમવા માટે ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે. 14મી ડિસેમ્બરે શરુ થનારી પહેલી ટેસ્ટ મેચ પહેલા પાકિસ્તાનની ટીમ ઓસ્ટ્રેલીયાની પ્રાઈમ મિનિસ્ટર ઈલેવન સામે વોર્મ-અપ મેચ રમી રહી છે, જેમાં પાકિસ્તાન ટીમનો નવનિયુક્ત કેપ્ટન શાન મસૂદ બેવડી સદી ફટકારીને અણનમ રહ્યો હતો. પાકિસ્તાનના કેપ્ટને 201* રનની ઇનિંગ રમી જેમાં 14 ચોગ્ગા અને 1 છગ્ગાનો સમાવેશ થાય છે.
ચાર દિવસીય પ્રેક્ટિસ મેચના બીજા દિવસે મસૂદે બેવડી સદી પૂરી કરી હતી. ઓસ્ટ્રેલિયાની ધરતી પર, જ્યાં પાકિસ્તાનના બાકીના બેટ્સમેનો લગભગ ફ્લોપ રહ્યા હતા, ત્યાં શાન મસૂદે શાનદાર બેટિંગ કરી હતી. મસૂદ સિવાય પાકિસ્તાનના કોઈપણ બેટ્સમેન અડધી સદી પણ ફટકારી શક્યા ન હતાં.
ટીમનો પૂર્વ કેપ્ટન બાબર આઝમ 40 રન બનાવીને આઉટ થયો હતો. આ સિવાય સરફરાઝ ખાને 41 રન અને અબ્દુલ્લા શફીકે 38 રન બનાવ્યા હતા. મેચના બીજા દિવસે લંચ બાદ પાકિસ્તાને 9 વિકેટે 391 રન બનાવીને પોતાનો દાવ ડિકલેર કર્યો હતો. ઇનિંગ્સ ડિકલેર કરતી વખતે કેપ્ટન શાન મસૂદ 201 રન બનાવીને અણનમ રહ્યો હતો.
બાબર આઝમના રાજીનામા બાદ શાન મસૂદને પાકિસ્તાન ટેસ્ટ ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. ODI વર્લ્ડ 2023માં પાકિસ્તાનના ખરાબ પ્રદર્શન બાદ બાબરે ત્રણેય ફોર્મેટમાં પાકિસ્તાનની કેપ્ટનશિપમાંથી રાજીનામું આપી દીધું હતું. વર્લ્ડકપમાં પાકિસ્તાનની ટીમ 9 લીગ મેચોમાંથી માત્ર 4 જ જીતી શકી હતી, ત્યાર બાદ તે સેમીફાઈનલમાં પણ પ્રવેશી શકી નહોતી.
વર્લ્ડ કપમાં ખરાબ પ્રદર્શન બાદ પાકિસ્તાન ક્રિકેટમાં માત્ર કેપ્ટનશીપમાં જ નહીં પરંતુ બોર્ડમાં પણ ઘણા ફેરફારો જોવા મળ્યા હતા. ટીમના કોચ, સિલેક્ટર અને ડિરેક્ટર સહિત ઘણા લોકો બદલાયા છે.