વિરાટ કોહલી બાદ હવે ગૌતમ ગંભીરે આ ભારતીય ખેલાડી સાથે ઝઘડી પડ્યો, વીડિયો વાયરલ
સુરત: ગૌતમ ગંભીર તેના તેમના આક્રમક સ્વભાવને કારણે ચર્ચામાં રહે છે. તે ઘણીવાર મેદાન પર અન્ય ખેલાડીઓ સાથે ઝઘડી પડે, પછી ભલે તે મેચ રમી રહ્યો હોય કે પછી ટીમ સ્ટાફનો ભાગ હોય. IPL 2023 માં લખનઉ સુપર જાયન્ટ્સ માટે મેંટરની ભૂમિકા નિભાવતા ગૌતમ ગંભીરની RCBના વિરાટ કોહલી સાથે મેદાન બોલાચાલી થઇ હતી. હાલમાં રમાઈ રહેલી લેજેન્ડ્સ લીગમાં ગૌતમ ગંભીરનો પૂર્વ ભારતીય ફાસ્ટ બોલર એસ શ્રીસંત સાથે ઝઘડો થયો હતો.
ગૌતમ ગંભીર અને શ્રીસંત વચ્ચેની અથડામણનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. ગંભીર ટુર્નામેન્ટમાં ઇન્ડિયા કેપિટલ્સની આગેવાની કરી રહ્યો છે, જ્યારે એસ શ્રીસંત ગુજરાત જાયન્ટ્સનો ભાગ છે. વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે ગંભીર અને શ્રીસંત મેચ દરમિયાન વાત કરતાં એકબીજાની નજીક આવે છે. બંને વચ્ચે થોડી વાતચીત થાય છે, ત્યારબાદ અમ્પાયર વચ્ચે આવીને બંનેને અલગ કરી દે છે.
જો કે, અમ્પાયરોની દરમિયાનગીરી બાદ પણ બંને એકબીજાને કંઈક કહેતા જોવા મળે છે. ત્યારબાદ શ્રીસંતની ટીમના ખેલાડીઓ તેને ગંભીરથી દૂર લઈ જાય છે, ત્યારબાદ બંને ખેલાડી એકબીજાથી દૂર રહે છે. આ પછી ફિલ્ડ અમ્પાયરો પોતપોતાની જગ્યાએ પાછા ફરે છે.
આ ઘટના બાદ સોશિયલ મીડિયા પર વધુ એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં શ્રીસંત ગંભીર સાથેના વિવાદ અંગે વાત કરતો જોવા મળી રહ્યો છે. વીડિયોમાં શ્રીસંતે પહેલા ગંભીરને ‘મિસ્ટર ફાઈટર’ કહીને સંબોધ્યો હતો. આ ઘટનાને યાદ કરતાં, તેમણે કહ્યું, “હું શ્રી ફાઇટર સાથે શું થયું તે વિશે કંઈક સ્પષ્ટ કરવા માંગુ છું, જે હંમેશા તેના સાથીઓ સાથે ઝઘડતા રહે છે. તે પોતાના વરિષ્ઠ ખેલાડીઓનું સન્માન પણ કરતો નથી.”
તેણે આગળ કહ્યું, “તેણે આવીને મને કંઈક અયોગ્ય કહ્યું, જે મિસ્ટર ગૌતમ ગંભીરે ના કહેવું જોઈએ. તેણે જે કર્યું તે તમને વહેલા-મોડા ખબર પડી જ જશે. તેણે ક્રિકેટના મેદાનમાં જે શબ્દોનો ઉપયોગ કર્યો અને જે શબ્દો બોલ્યા તે સ્વીકાર્ય નથી.”
શ્રીસંતે આગળ કહ્યું કે, “જ્યારે બ્રોડકાસ્ટર્સ તેને વિરાટ વિશે પૂછે છે, ત્યારે તે ક્યારેય તેના વિશે બોલતો નથી પરંતુ તે કંઈક અન્ય બાબત વિશે વાત કરે છે.”