ટોપ ન્યૂઝશેર બજાર

એશિયન બજારોની પીછેહઠ સાથે શેરબજારમાં નરમાઇ

નિલેશ વાઘેલા

મુંબઈ: વિદેશી સંસ્થાકીય રોકાણકારોની વેચવાલીના દબાણ અને એશિયન બજારોના નબળા સંકેતો વચ્ચે બેન્ચમાર્ક સેન્સેક્સ અને નિફ્ટીએ ગુરુવારે શરૂઆતના સત્રમાં પીછેહઠ નોંધાવી હતી. ખુલતા સત્ર દરમિયાન જ સેન્સેકસ ૨૦૦ પોઇન્ટ જેટલો ગબડ્યો હતો.


વિશ્લેષકોએ જણાવ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો સેન્ટિમેન્ટ સુધારવામાં નિષ્ફળ ગયો હતો, કારણ કે રિઝર્વ બેન્કની નાણાકીય નીતિના નિર્ણય પહેલાં રોકાણકારો નફો બુક કરવા તરફ વળ્યા હતા.
સેન્સેક્સના મુખ્ય શેરોમાં, હિન્દુસ્તાન યુનિલિવર, ભારતી એરટેલ, આઈસીઆઈસીઆઈ બેન્ક અને બજાજ ફાઇનાન્સ 2.03 ટકા સુધીના નુકસાન સાથે ટ્રેડ થયા હતા.


દરમિયાન, ટ્રેન્ડથી વિરુદ્ધ પાવરગ્રીડ 1.25 ટકા વઘ્યો હતો, ત્યારબાદ અલ્ટ્રાટેક સિમેન્ટ (1.07 ટકા), એશિયન પેઇન્ટ્સ (0.96 ટકા) અને NTPC (0.76 ટકા) વઘ્યો હતો. અન્ય વધનારા શેરોમાં મારુતિ, કોટક મહિન્દ્રા બેંક અને HCL ટેકનો સમાવેશ થાય છે.


સેન્સેક્સના 30 શેરોના 18 જેટલા શેર રેડ ઝોનમાં ટ્રેડ થઈ રહ્યા હતા, જ્યારે 24 નિફ્ટી કંપનીઓને શરૂઆતના કામકાજમાં નુકસાન જોવા મળ્યું હતું.


બુધવારે સેન્સેક્સ 357.59 પોઈન્ટ અથવા 0.52 ટકા વધીને 69,653.73ના નવા રેકોર્ડ પર સ્થિર થયો હતો. બ્રોડર ઈન્ડેક્સ નિફ્ટી પણ 82.60 પોઈન્ટ અથવા 0.40 ટકા વધીને 20,937.70ની નવી ટોચે પહોંચ્યો હતો.


એક્સચેન્જ ડેટા અનુસાર બુધવારે વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ રૂ. 79.88 કરોડના શેરનું વેચાણ કર્યું હતું.
યુએસ બોન્ડ યીલ્ડમાં સતત ઘટાડો, ભારતનો જીડીપી વૃદ્ધિ દર, ક્રૂડના ભાવમાં ઘટાડો અને રાજકીય સ્થિરતા જેવા સાનુકૂળ પરિબળો હોવા છતાં, ઉચ્ચ સ્તરે નફા બુકિંગને કારણે બજારમાં ઘટાડો થશે.


શુક્રવારે જાહેર થનારા તેના દ્વિમાસિક નાણાકીય નીતિના નિર્ણયમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા વ્યાજ દર પર યથાવત્ જાળવી રાખે તેવી અપેક્ષા છે.


દરમિયાન, એશિયન બજારોમાં, નિક્કી 225 1.79 ટકાના ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યો હતો. યુરોપિયન બજારો બુધવારે વ્યાપકપણે ઊંચા સ્તરે સમાપ્ત થયા હતા. ફ્રાંસનો CAC 40 1.71 ટકા અને જર્મનીનો DAX 0.75 ટકા વધીને બંધ રહ્યો હતો. લંડનનો FTSE 100 0.21 ટકા વધ્યો હતો.


યુએસ બજારો બુધવારે મિશ્ર નોંધ પર સમાપ્ત થયા હતા, S&P 500 એ 0.39 ટકાની ખોટ નોંધાવી હતી, જ્યારે બ્રાઝિલના શેરોમાં 0.08 ટકાનો વધારો થયો હતો. ગુરુવારે વૈશ્વિક ઓઇલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ 0.47 ટકા વધીને USD 74.65 પ્રતિ બેરલ પર ટ્રેડ કરી રહ્યું હતું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button