સચિન-કોહલીથી અંબાણી… રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ માટે 7000 લોકને આમંત્રણ
અયોધ્યા: શ્રી રામ જન્મભૂમી તિર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા દિગ્ગજ ક્રિકેટર સચિન તેંડુલકર, વિરાટ કોહલી, ફિલ્મસ્ટાર અમિતાભ બચ્ચન, ઉદ્યોગપતિ મુકેશ અંબાણી, ગૌતમ અદાણી સહિત લગભગ 7000 લોકોને રામ મંદિરમાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમનું આમંત્રણ મોકલ્યું છે. ટ્રસ્ટના સૂત્રોએ બુધવારે આ અંગે જાણકારી આપી હતી. આ ઉપરાંત દુરદર્શન પર પ્રસારીત થનારા રામાયણ સિરિયલમાં ભગવાન રામનું પાત્ર ભજવનાર અરુણ ગોવિલ અને સિતાનું પાત્ર ભજવનાર દીપિકા ચિખલીયાને પણ આ કાર્યક્રમનું આમંત્રણ મોકલવામાં આવ્યું છે.
ખાસ વાત તો એ છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને 22મી જાન્યુઆરી, 2024ના રોજ યોજાનાર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ માટેનું આમંત્રણ પહેલાં જ આપવામાં આવ્યું છે. ટ્રસ્ટ દ્વારા 3000 વીવીઆઇપી સહિત 7000 લોકોને આમંત્રણ મોકલવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં 1992માં મૃત્યુ પામેલા કારસેવકોના પરિવારોને પણ આમંત્રણ આપવામાં આવનાર છે. આમંત્રીત વીવીઆઇપીમાં રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના સરસંઘસંચાલક મોહન ભાગવત, યોગ ગુરુ રામદેવ, ઉદ્યોગપતિ રતન ટાટા, ઉદ્યોપતિ મુકેશ અંબાણી, ઉદ્યોગપતિ ગૌતમ અદાણી જેવા લોકોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
અયોધ્યામાં ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ અંતર્ગત તમામ જિલ્લાના પ્રસિદ્ધ રામ મંદિરોમાં 14મી જાન્યુઆરીથી 22મી જાન્યુઆરી ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા સુધી રામાયણ, રામચરિતમાનસ અને હનુમાન ચાલિસાના અંખડ પાઠ થાય એ માટે ટુરિઝમ ડિપાર્ટમેન્ટ દ્વારા સ્વખર્ચે વ્યવસ્થા કરવામાં આવશે એવો યોગી સરકારનો પ્લાન છે.
અયોધ્યામાં હાલમાં 30 હજાર 500 કરોડ રુપિયાના 178 વિકાસ કામો શરુ છે. જો આમા ખાનગી ક્ષેત્રોનું યોગદાન વધે તો આવનારા સમયમાં અહીં 50 હજાર કરોડ રુપિયાના વિકાસના કામો થતાં દેખાશે. જેને કારણે લાખોની સંખ્યામાં રોજગાર ઉપલબ્ધ થશે.