આમચી મુંબઈ

મુંબઈમાં અઠવાડિયાથી પાણીની મોકાણ

ઉપનગર બાદ આજે દક્ષિણ મુંબઈમાં પાણી પુરવઠાને અસર

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈના નાગરિકો છેલ્લા એક અઠવાડિયાથી પાણી માટે હેરાન થઈ રહ્યા છે. ગયા ગુરુવારે પાઈપલાઈનમાં પડેલા ભંગાણને કારણે પશ્ર્ચિમ અને પૂર્વ ઉપનગરમાં પાણીપુરવઠાને ફટકો પડ્યો હતો. પાઈપલાઈનના સમારકામને ૪૮ કલાકથી વધુ સમય બાદ બુધવારના પણ પશ્ર્ચિમ ઉપનગરના અનેક વિસ્તારમાં પાણીપુરવઠો પૂર્વવત્ થયો નહોતો. તેમાં હવે ગુરુવારે મલબાર હિલ જળાશય રિઝર્વિયરની નિષ્ણાતો મુલાકાત લેવાના છે, તેથી રિઝવિયરના કમ્પાર્ટમેન્ટ- બેને ખાલી કરવામાં આવવાનું હોવાને કારણે દક્ષિણ મુંબઈના કફ પરેડ સહિતના પાંચ વોર્ડમાં ગુરુવારે પાણીપુરવઠો બંધ રહેવાનો છે.

ગયા અઠવાડિયે સીપ્ઝ પાસે પાઈપલાઈનમાં પડેલા ભંગાણનું સમારકામ થઈ ગયા બાદ તબક્કાવાર પાણીપુરવઠો ચાલુ કરવામાં આવ્યો હતો. છતાં અંધેરીના અનેક વિસ્તારમાં બુધવારે પણ પાણીપુરવઠો થયો ન હોવાથી નાગરિકોને પાણી માટે ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. તો મંગળવારે દહિસરમાં પાઈપલાઈનમાં થયેલા ગળતરથી પાણીપુરવઠાને અસર થઈ હતી. અઠવાડિયાથી પશ્ર્ચિમ અને પૂર્વ ઉપનગરમાં પાણીના ધાંધિયા ચાલી રહ્યા છે, તેમાં હવે ગુરુવારે દક્ષિણ મુંબઈમાં પાણીપુરવઠાને અસર થવાની છે.

મુંબઈ મહાનગરપાલિકા તરફથી મલબાર હિલ જળાશયના પુન:બાંધકામનું કામ હાથમાં લેવામાં આવવાનું છે. આ કામને કારણે ૩૮૯ ઝાડને અને મલબાર હિલ ટેકરી પરિસરને તેમ જ મુંબઈના પ્રખ્યાત હેગિંગ ગાર્ડનને પણ અસર થવાની છે. તેથી રિઝવિયરના પુન:બાંધકામ સામે સ્થાનિક નાગરિકો અને બિનસામાજિક સંસ્થાઓ વિરોધ કર્યો છે. તેથી ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી બોમ્બે (આઈ.આઈ.ટી)ના પ્રોફેસર, સ્થાનિક નાગરિક અને પાલિકાના અધિકારીઓનો સમાવેશ રહેલી નિષ્ણાતોની સમિતિ સ્થાપવામાં આવી છે. આ સમિતિ ગુરુવાર સવારના ૮થી ૧૦ વાગ્યાના સમય દરમિયાન રિઝર્વિયરના કમ્પાર્ટમેન્ટ બેનું નિરીક્ષણ કરવાના છે.

મલબાર હિલ મેઈન રિઝર્વિયરમાં પાંચ કમ્પાર્ટમેન્ટ છે. તેમાંથી નિષ્ણાતોની પેનલ કમ્પાર્ટમેન્ટ બેનું અંદરથી નિરીક્ષણ કરવાના છે. તે માટે રિઝર્વિયરના કમ્પાર્ટમેન્ટને ખાલી કરવામાં આવવાનું છે. તેથી આ કમ્પાર્ટમેન્ટમાંથી દક્ષિણ મુંબઈના જે પાંચ વોર્ડને પાણીપુરવઠા કરવામાં આવે છે, તેને અસર થશે. અમુક ઠેકાણે પાણીનું દબાણ ઓછું રહેશે. આ સમય દરમિયાન જળાશયના પાણીના સ્તરને ધ્યાનમાં રાખીને આવશ્યકતા મુજબ વોર્ડ સ્તરે પાણી પુરવઠાનો સમય પણ બદલવામાં આવશે એવું પાલિકાએ જાહેર કર્યું છે.

પુન:બાંધકામ કે નવું બંધાશે?

મલબાર હિલ રિઝર્વિયરનું સમારકામ કરવું કે તેનું પુન:બાંધકામ કરવું તે માટે તાજેતરમાં પાલિકાએ નાગરિકો પાસેથી તેમ જ નિષ્ણાતો પાસેથી સલાહ-સૂચનો મગાવ્યા હતા. આ સલાહ-સૂચનનો કમિટિ અભ્યાસ કરશે અને અહેવાલ સબમીટ કરશે. ત્યારબાદ આ પ્રોજેક્ટમાં આગળ શું કરવું તેનો નિર્ણય લેવામાં આવશે. અસ્તિત્વમાં રહેલા મલબાર હિલ જળાશયનું સમારકામ થઈ શકે કે નહીં તેમ જ નવેસરથી બાંધવું પડે તો પાણીપુરવઠાને અસર નહીં થતા તબક્કાવાર કામ કરી શકાય કે નહીં તેનો અભ્યાસ પણ નિષ્ણાતોએ કરવો છે.

અહીં થશે અસર

કફ પરેડ અને આંબેડકર નગરમાં નિયમિત પાણીપુરવઠાનો સમય સવારના ૧૧.૨૦ વાગ્યાથી બપોરના ૧.૪૫ વાગ્યાનો છે. આ ઠેકાણે પાણીપુરવઠો ૧૦૦ ટકા બંધ રહેશે. નરિમન પોઈન્ટ અને જી.ડી. સોમાણી માર્ગમાં નિયમિત પાણીપુરવઠાનો સમય બપોરના ૧.૪૫ વાગ્યાથી બપોરના ત્રણ વાગ્યા સુધીનો છે. આ વિસ્તારમાં ૫૦ ટકા પાણીકાપ રહેશે. મિલિટ્રી ઝોન વિસ્તારમાં ૩૦ ટકા, ૨૦ ટકા પેડર રોડ તો ફોર્ટ, ચર્ચગેટ, મરિન લાઈન્સ, ધારાવીમાં ૧૦ ટકા પાણીકાપ રહેશે. એ સિવાય દાદર પશ્ર્ચિમ , ધારાવી અને માહિમ, વરલી, લોઅર પરેલ, પ્રભાદેવી, એલ્ફિન્સ્ટનની પશ્ર્ચિમ તરફના વિસ્તારમાં ૧૦ ટકા પાણીકાપ રહેશે.

સમારકામ માટે સાત વર્ષ લાગશે

દક્ષિણ મુંબઈને પાણીપુરવઠો કરનારા મલબાર હિલના ૧૩૮ વર્ષ જૂના જળાશયનું પુન:બાંધકામ કરવામાં આવવાનું છે. જળાશયના સમારકામની સાથે જ જળાશયની ક્ષમતા ૧૪૭.૭૮ મિલિયન લિટર પરથી ૧૯૧ મિલિયન લિટર સુધી વધારવાની છે. આ પ્રોજેક્ટની કિંમત ૬૯૮ કરોડ ૫૦ લાખ રૂપિયા છે. આ કામ સાત વર્ષમાં તબક્કાવાર કરવામાં આવવાનું હોવાથી તે ૨૦૨૯ સુધીમાં પૂરું કરવાનું લક્ષ્યાંક છે.

પનવેલમાં જૂન સુધી અઠવાડિયામાં એક દિવસ પાણી પુરવઠો બંધ
પનવેલવાસીઓ છેલ્લા ઘણા વર્ષોથી પાણીની તંગીનો સામનો કરી રહ્યા છે. તેમનો પાણી પુરવઠો વ્યવસ્થિત કરવા મ્યુનિસિપલ કોર્પોરેશને યોજના બનાવવાનું નક્કી કર્યું છે, જે અનુુુુસાર આઠ ડિસેમ્બરથી ૧૫ જૂન સુધી અઠવાડિયામાં એક દિવસ વિસ્તાર પ્રમાણે પાણી પુરવઠો બંધ કરવામાં આવશે. તેથી, પનવેલવાસીઓએ આગામી સાત મહિના સુધી પાણીનો બચાવ કરવો પડશે. પનવેલ મ્યુનિસિપલ કાઉન્સિલની માલિકીના
અપ્પાસાહેબ વેદક જળાશય (દહેરાંંગ ડેમ)ની ક્ષમતા ૩.૫ મિલિયન ક્યુબિક મીટર હોવાથી, નગરપાલિકાને અન્ય સત્તાવાળાઓ પાસેથી પાણી મેળવવું પડે છે. પનવેલવાસીઓને ૩૨૦ લાખ લિટર (એમએલડી) પાણીની જરૂર છે. દેહરાંગ ડેમમાંથી ૧૬ એમએલડી અને મહારાષ્ટ્ર લાઈફ ઓથોરિટી તરફથી ૧૧ એમએલડી અને મહારાષ્ટ્ર ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન તરફથી પાંચ એમએલડી પનવેલવાસીઓને સપ્લાય કરવામાં આવે છે. જો દહેરાંગ ડેમમાંથી વધુ પાણી પમ્પ કરવામાં આવશે તો ઉનાળામાં ડેમમાં પાણીનો સંગ્રહ ખતમ થઈ જશે તેવી ભીતિને પગલે મહાનગરપાલિકાએ આઠમી ડિસેમ્બરથી આ આયોજન કર્યું છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Medicineને કહો Bye Bye, આ નેચરલ વસ્તુઓથી ઘટાડો ડાયાબિટીસ… આ ઑન સ્ક્રીન ભાઈ-બહેનની જોડી ન ગમી દર્શકોને આટલા કલાકની ઊંઘ લે છે સેલેબ્સ, ચોથા નંબરના સેલેબ્સ વિશે જાણીને તો ચોંકી ઉઠશો લીલા મરચાને વરસાદમાં સ્ટોર કરવાની ટીપ્સ જાણો