વેપાર

ડૉલર સામે રૂપિયામાં પાંચ પૈસાનો સુધારો

મુંબઈ: સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં આગળ ધપતા સુધારાની સાથે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની પણ ઈક્વિટીમાં લેવાલી જળવાઈ રહેતાં સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આજે ડૉલર સામે રૂપિયો પાંચ પૈસાના સુધારા સાથે ૮૩.૩૨ના મથાળે બંધ રહ્યો હતો. જોકે, વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં સુધારો અને આયાતકારોની ડૉલરમાં લેવાલી જળવાઈ રહેવા ઉપરાંત રિઝર્વ બૅન્ક ઑફ ઈન્ડિયાની મૉનૅટરી પૉલિસી કમિટીની આજથી શરૂ થઈ રહેલી ત્રણ દિવસીય બેઠકને ધ્યાનમાં લેતાં સાવચેતીના અભિગમને કારણે સુધારો મર્યાદિત રહ્યો હોવાનું ટ્રેડરોએ જણાવ્યું હતું. આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના ૮૩.૩૭ના બંધ સામે સુધારાના અન્ડરટોને ૮૩.૩૫ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૮૩.૩૭ અને ઉપરમાં ૮૩.૨૯ની રેન્જમાં અથડાઈને અંતે પાંચ પૈસાના સુધારા સાથે ૮૩.૩૨ના મથાળે બંધ રહ્યો હતો. તાજેતરમાં થયેલી ત્રણ રાજ્યોની ચૂંટણીના પરિણામો પશ્ર્ચાત્ સ્થાનિક ઈક્વિટી માર્કેટે નવી ઊંચી સપાટી અંકે કરવાનો ક્રમ જાળવી રાખવાની સાથે ગઈકાલે પણ વિદેશી સંસ્થાકીય રોકાણકારોની રૂ. ૫૨૨૩.૫૧ કરોડની ઈક્વિટીમાં ચોખ્ખી લેવાલી રહેતાં રૂપિયાના સુધારાને ટેકો મળ્યો હોવાનું બીએનપી પારિબાસના વિશ્ર્લેષક અનુજ ચૌધરીએ જણાવતાં ઉમેર્યું હતું કે આજે યુએસ એડીપી ટ્રેડ બેલેન્સ અને આ સપ્તાહે અંતે જાહેર થનારા અમેરિકાનાં નોન ફાર્મ પૅ રૉલ ડેટા તેમ જ મૉનૅટરી પૉલિસીનાં નિર્ણયને ધ્યાનમાં લેતાં જોવા મળેલા સાવચેતીના અભિગમને કારણે રૂપિયામાં સુધારો મર્યાદિત રહ્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button