ઈક્વિટી માર્કેટમાં જળવાતો નવી ઊંચી સપાટી અંકે કરવાનો ક્રમ: સેન્સેક્સમાં વધુ ૩૫૭ પૉઈન્ટની તેજી નિફ્ટી ૨૧,૦૦૦ની સપાટીની નજીક
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: તાજેતરમાં થયેલી વિધાનસભાની ચૂંટણીના પરિણામો પશ્ર્ચાત સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં શરૂ થયેલી તેજી સાથે બૅન્ચમાર્ક ઈન્ડેક્સમાં નવી ઊંચી સપાટી બનાવવાનો ક્રમ આજે સતત ત્રીજા સત્રમાં જળવાઈ રહ્યો હતો. આજે મુખ્યત્વે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, આઈટીસી અને લાર્સન ઍન્ડ ટૂબ્રો જેવી ઈન્ડેક્સ હેવી વેઈટ કંપનીઓના શૅરોમાં વ્યાપક લેવાલી તથા ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. ૫૨૨૩.૫૧ કરોડની ચોખ્ખી લેવાલી રહી હોવાના નિર્દેશ અને વિશ્ર્વ બજારમાં બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ઘટી આવ્યાના અહેવાલે તેજીને ટેકો મળ્યો હતો અને સત્રના અંતે બૉમ્બે સ્ટોક એક્સચેન્જનો ૩૦ શૅરનો બૅન્ચમાર્ક સેન્સેક્સ ૩૫૭.૫૯ પૉઈન્ટની તેજી સાથે ૬૯,૬૫૩.૭૩ની નવી ઊંચી સપાટીએ તેમ જ નેશનલ સ્ટોક એક્સચેન્જનો ૫૦ શૅરનો બૅન્ચમાર્ક નિફ્ટી ૮૨.૬૦ પૉઈન્ટની તેજી સાથે ૨૧,૦૦૦ની લગોલગ ૨૦,૯૩૭.૭૦ની સપાટીએ બંધ રહ્યો હતો.
તાજેતરની રાજ્યોની ચૂંટણીના પરિણામો પશ્ર્ચાત્ રોકાણકારોમાં સરકારની પ્રોત્સાહક નીતિઓ જળવાઈ રહેવા અંગેના વિશ્ર્વાસમાં વધારો થયો છે. તેમ જ અમેરિકા ખાતે ફુગાવામાં ઘટાડો થવાની સાથે ટ્રેઝરીની યિલ્ડમાં ઘટાડો થઈ રહ્યો હોવાથી બજારમાં સુધારાને ટેકો મળી રહ્યો છે. વધુમાં ચીનના રેટિંગમાં ઘટાડો, ક્રૂડતેલના ભાવમાં ઘટાડો અને રાજકીય-ભૌગોલિક તણાવ હળવો થવાથી ભારતીય બજારમાં તેજીને વધુ ટેકો સાંપડ્યો હોવાનું જિઓજીત ફાઈનાન્સિયલ સર્વિસીસનાં રિસર્ચ હેડ વિનોદ નાયરે જણાવ્યું હતું. આજે મુખ્યત્વે અમેરિકામાં મંદીની શક્યતાઓ હળવી થવાથી આઈટી શૅરોમાં બાઉન્સબૅક તથા આગામી ઉનાળામાં માગ વધવાની શક્યતાએ પાવર ક્ષેત્રમાં જોવા મળેલા સુધારાએ તેજીને ટેકો આપ્યો હતો. તેમણે આગામી સમયગાળામાં પ્રોફિટ બુકિંગ જોવા મળે તેવી શક્યતા ઉપરાંત અલ નિનોના જોખમ, જળસ્રોતમાં ઘટાડાને કારણે રવી વાવેતર વિસ્તારમાં ઘટાડાના જોખમો પણ વ્યક્ત કર્યા હતા. જોકે, રિઝર્વ બૅન્ક ઑફ ઈન્ડિયા નાણાકીય વર્ષ ૨૦૨૪નાં બીજા છમાસિકગાળાના વૃદ્ધિદર અને ફુગાવાના અંદાજોમાં ફેરફાર કરે તેવી શક્યતા તેમણે વ્યક્ત કરી હતી.
દરમિયાન આજે સ્થાનિકમાં બૉમ્બે સ્ટોકએક્સચેન્જનો ૩૦ શૅરનો બૅન્ચમાર્ક સેન્સેક્સ ગઈકાલના ૬૯,૨૯૬.૧૪ના બંધ સામે સુધારાના ટોને ૬૯,૫૩૪.૯૩ના મથાળે ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૬૯,૩૯૫.૦૧ અને ઉપરમાં ૬૯,૭૪૪.૬૨ની રેન્જમાં અથડાઈને અંતે ગઈકાલના બંધ સામે ૩૫૭.૫૯ પૉઈન્ટ અથવા તો ૦.૫૨ ટકા વધીને ૬૯,૬૫૩.૭૩ની નવી ઊંચી સપાટીએ બંધ રહ્યો હતો. તે જ પ્રમાણે નેશનલ સ્ટોક એક્સચેન્જનો ૫૦ શૅરનો બૅન્ચમાર્ક નિફ્ટી ગઈકાલના ૨૦,૮૫૫.૧૦ના બંધ સામે ૨૦,૯૫૦.૭૫ના મથાળે ખૂલ્યા બાદ સત્ર દરમિયાન ૨૦,૮૫૨.૧૫થી ૨૦,૯૬૧.૯૫ની રેન્જમાં રહ્યા બાદ અંતે ગઈકાલના બંધ સામે ૮૨.૬૦ પૉઈન્ટ અથવા તો ૦.૪૦ ટકા વધીને ૨૦,૯૩૭.૭૦ના મથાળે બંધ રહ્યો હતો.
આજે સેન્સેક્સ હેઠળના ૩૦ શૅર પૈકી ૨૦ શૅરના ભાવ વધીને અને ૧૦ શૅરના ભાવ ઘટીને બંધ રહ્યા હતા, જ્યારે નિફ્ટી હેઠળના ૫૦ શૅર પૈકી ૨૯ શૅરના ભાવ વધીને અને ૨૧ શૅરના ભાવ ઘટીને બંધ રહ્યા હતા. આજે સેન્સેક્સ હેઠળના મુખ્ય વધનાર શૅરોમાં આજે સૌથી વધુ ૩.૬૦ ટકાનો સુધારો વિપ્રોમાં જોવા મળ્યો હતો, ત્યાર બાદ અનુક્રમે આઈટીસીમાં ૨.૫૧ ટકાનો, લાર્સન ઍન્ડ ટૂબ્રોમાં ૨.૩૧ ટકાનો, ટીસીએસમાં ૨.૦૮ ટકાનો, ટાટા મોટર્સમાં ૧.૯૯ ટકાનો અને નેસ્લેમાં ૧.૪૫ ટકાનો સુધારો આવ્યો હતો, જ્યારે મુખ્ય ઘટનાર શૅરોમાં સૌથી વધુ ૧.૫૨ ટકાનો ઘટાડો એનટીપીસીમાં જોવા મળ્યો હતો. આ સિવાય અલ્ટ્રાટેક સિમેન્ટમાં ૧.૨૫ ટકાનો, એક્સિસ બૅન્કમાં ૧.૦૫ ટકાનો, આઈસીઆઈસીઆઈ બૅન્કમાં ૧.૦૧ ટકાનો, મારુતિ સુઝુકી લિ.માં ૦.૮૭ ટકાનો અને ભારતી એરટેલમાં ૦.૬૫ ટકાનો ઘટાડો આવ્યો હતો. વધુમાં આજે બીએસઈ લાર્જકેપ ઈન્ડેક્સમાં ૦.૬૧ ટકાનો, મિડકેપ ઈન્ડેક્સમાં ૦.૧૯ ટકાનો અને સ્મોલકેપ ઈન્ડેક્સમાં ૦.૧૮ ટકાનો વધારો થયો હતો.
વધુમાં આજે બીએસઈ ખાતેના સેક્ટોરિયલ ઈન્ડેક્સમાં યુટીલિટી ઈન્ડેક્સમાં ત્રણ ટકાનો, પાવર ઈન્ડેક્સમાં ૨.૪૧ ટકાનો, ઑઈલ ઍન્ડ ગૅસ ઈન્ડેક્સમાં ૧.૯૬ ટકાનો, ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈન્ડેક્સમાં ૧.૪૮ ટકાનો, આઈટી ઈન્ડેક્સમાં ૧.૪૬ ટકાનો અને કેપિટલ ગૂડ્સ ઈન્ડેક્સમાં ૧.૨૫ ટકાનો વધારો થયો હતો, જ્યારે બેઝિક મટિરિયલ ઈન્ડેક્સમાં ૩.૦૫ ટકા, ક્ધઝ્યુમર ડિસ્ક્રેશનરી ગૂડ્સ ઍન્ડ સર્વિસીસ ઈન્ડેક્સમાં ૨.૪૦ ટકાનો, હૅલ્થ કૅર ઈન્ડેક્સમાં ૦.૬૪ ટકાનો, ટેલિકોમ ઈન્ડેક્સમાં ૦.૫૮ ટકાનો, બૅન્કેક્સમાં ૦.૫૦ ટકાનો, રિયલ્ટી ઈન્ડેક્સમાં ૦.૧૩ ટકાનો અને ક્ધઝ્યુમર ડ્યુરેબલ ઈન્ડેક્સમાં ૦.૦૬ ટકાનો ઘટાડો આવ્યો હતો.
દરમિયાન આજે એશિયામાં હૅંગસૅંગ અને નિક્કી અનુક્રમે ૦.૯૦ ટકા અને ૨.૦૪ ટકાના સુધારા સાથે બંધ રહ્યા હતા, જ્યારે ચીનનો શાંધાઈ કમ્પોઝિટ ઈન્ડેક્સ ૦.૧૧ ટકા ઘટીને બંધ રહ્યો હતો. તેમ જ આજે યુરોપના બજારોમાં સુધારાતરફી વલણ રહ્યું હતું જેમાં ફ્રાન્સના સીએસી ૪૦માં ૧.૦૮ ટકા જેટલો ઉછાળો આવ્યો હતો, જ્યારે લંડનના એફટીએસઈ ૧૦૦માં ૦.૨૯ ટકાનો અને જર્મનીના ડેક્સમાં ૦.૭ ટકા જેટલો સુધારો દર્શાવાઈ રહ્યો હતો.