ધૂળને નિયંત્રણમાં લાવવા દાદર-શિવાજી પાર્કમાં એન્ટી સ્મોગ ટાવર બેસાડાશે
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈમાં છેલ્લા અનેક મહિનાઓથી પ્રદૂષણનું સ્તર સતત વધી રહ્યું છે, તેમાં ખાસ કરીને વાતાવરણમાં ધૂળનું પ્રમાણ વધી ગયું છે. આ સમસ્યાથી દાદર-શિવાજી પાર્કના રહેવાસીઓ પણ બચી શક્યા નથી. લાંબા સમયથી સ્થાનિક રહેવાસીઓ મેદાનમાંથી લાલ માટી ઊડીને પ્રદૂષણ વધારી રહી હોવાની ફરિયાદ કરી રહ્યા છે, ત્યારે ધૂળને નિયંત્રણમાં લાવવા સ્મોગ ટાવર બેસાડવાની સાથે જ પાર્કમાં રહેલી લાલ માટી હટાવવા સહિત અન્ય ઉપાયયોજના અમલમાં મૂકવામાં આવવાની છે, તે માટે તૈયાર કરવામાં આવેલા પ્રસ્તાવને પાલિકા કમિશનર ઈકબાલસિંહ ચહેલે મંજૂરી આપી છે.
દાદરમાં શિવાજી પાર્કની જમીનનો અભ્યાસ કરવા અને તેનો ઉકેલ લાવવા માટે મુંબઈ મહાનગર પાલિકા સલાહકાર નીમવાની છે. સ્થાનિક રહેવાસીઓ લાંબા સમયથી લાલ માટી અને ધૂળની ડમરીઓ વધી રહી હોવાની ફરિયાદ કરી રહ્યા છે. તેથી પાલિકાએ શિવાજી પાર્કમાં હરિયાળી વધારવા અને તેની સુંદરતા વધારવા માટે સ્મોગ ટાવર બેસાડવાની યોજના બનાવી રહી છે. સલાહકાર નીમ્યા પછી તે એક મહિનામાં તેનો રિપોર્ટ સબમીટ કરે તેવી અપેક્ષા છે. જોકે આ પ્રોજેક્ટ સામે સ્થાનિક રહેવાસીઓ વિરોધ કરી રહ્યા છે.મંજૂરી બાદ આઈઆઈટીની સલાહકાર તરીકે નિમણૂક કરવામાં આવવાની છે. તેનો અહેવાલ આવ્યા બાદ ટેન્ડર બહાર પાડીને ધૂળ રોકવા માટે પગલા લેવામાં આવવાના છે.
શિવાજી પાર્કના સ્થાનિક નાગરિકો લાલ માટીથી કંટાળી ગયા છે. ઑક્ટોબર મહિનામાં તેઓ વિરોધ પ્રદર્શન કરીને લાલ માટી તાત્કાલિક દૂર કરવાની માગણી કરી હતી. સ્થાનિક નાગરિકોના દાવા મુજબ અગાઉ જમીનમાં કુદરતી માટી હતી, તે તીવ્ર પવનો દરમિયાન પણ જમીન પર રહેતી હતી. પરંતુ પાલિકાના શિવાજી પાર્ક બ્યુટિફિકેશન પ્રોજેક્ટના ભાગરૂપે ૨૦૨૧માં જમીન પર લાલ માટી નાખવામાં આવી હતી. હવે આ જ લાલ માટીને આ વિસ્તારમાં ધૂળના પ્રદૂષણમાં વધારો કર્યો હોવાનો આક્ષેપ સ્થાનિક નાગરિકો કરી રહ્યા છે.
સ્થાનિક સાંસદ અને પાલિકા અધિકારીઓએ આ મુદ્દે ઑક્ટાબરમાં બેઠક કરી હતી અને તેમાં શિવાજી પાર્કના પરિધની આસપાસ આઠ સ્મોગ ટાવર બેસાડવાનો નિર્ણય લીધો હતો. આ પ્રસ્તાવને તાજેતરમાં પાલિકા કમિશનર અને પ્રશાસક ઈકબાલસિંહ ચહેલે મંજૂરી આપી છે.
ઝોન-બેના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર રમાકાંદ બિરાદરના જણાવ્યા મુજબ ઈન્ડિયન ઈન્સ્સ્ટિયુટ ઓફ ટેક્નોલોજી -બોમ્બે (આઈઆઈટ) અથવા વીરમાતા જિજાબાઈ ટેક્નોલોજિકલ ઈન્સ્ટ્યિૂટ (વીજેટીઆઈ)ના નિષ્ણાતો જમીનનો અભ્યાસ કરવા અને તેને લઈને સલાહ આપવા માટે નીમવામાં આવવાના છે.
બે વર્ષ પહેલા પાર્કમાં લગબગ ૪૦૦ ટ્રક ભરીને માટી નાખવામાં આવી હતી, તેથી ઉપરના સ્તર પર રહેલી માટીને સરળતાથી દૂર કરવી સરળ નહીં. હરિયાળી વધારવા અને પ્રદૂષણ ઘટાડવા માટે પાલિકા તેના ૩૫ રિંગ વેલ (કુવા)માંથી દરરોજ ૨.૯ લાખ લિટર પાણીનો છંટકાવ કરી રહી છે. છતાં આ સમસ્યાનો ઉકેલ આવ્યો નથી. તેથી પાલિકા નિષ્ણાતોની મદદ લઈને તેનો ઉકેલ લાવવા માગે છે. સમસ્યા હજી કાયમ છે, તેથી પાલિકા નિષ્ણાતોની મદદ લેશે અથવા તો માટીના ઉપલા સ્તરે દૂર કરવામાં આવશે અને સ્મોગ ટાવરનો ઉપયોગ કરશે.