આમચી મુંબઈમહારાષ્ટ્ર

વસઇમાં આઠ વર્ષની બાળકીની હત્યા: કિશોર, તેના પિતા પકડાયા

બાળકી વારંવાર મજાક ઉડાવતી હોવાથી ગુસ્સામાં ગળું દબાવીને તેને મારી નાખી

મુંબઈ: વસઇમાં આઠ વર્ષની બાળકીની હત્યા કરવા પ્રકરણે પેલ્હાર પોલીસે પડોશમાં રહેતા 16 વર્ષના કિશોર અને તેના પિતા રામેશ્વર સુધાકર કરાળે (44)ને ઝડપી પાડ્યા હતા. બાળકી વારંવાર કિશોરની મજાક ઉડાવતી હોવાથી ગુસ્સામાં તેણે ગળું દબાવી તેને મોતને ઘાટ ઉતારી હતી, જ્યારે પુત્રને બચાવવા પિતાએ મૃતદેહને બાજુના ખાલી ઘરમાં સંતાડ્યો દીધો હતો, એમ તપાસમાં જાણવા મળ્યું હતું.

પેલ્હાર પોલીસના જણાવ્યા અનુસાર વસઇ પૂર્વમાં વસઇ ફાટા નજીક વન્યાચા પાડા વિસ્તારની ચાલમાં રહેતી આઠ વર્ષની ચાંદની સાહા 1 ડિસેમ્બર સ્કૂલેથી ઘરે પાછી ફર્યા બાદ નજીકની દુકાને આઇસક્રીમ લેવા માટે ગઇ હતી. ચાંદની ઘરે પાછી ન ફરતાં પિતાએ તેની શોધ ચલાવી હતી. જોકે તેનો કોઇ પત્તો ન લાગતાં પેલ્હાર પોલીસમાં ફરિયાદ નોંધાવાઇ હતી. પોલીસે અપહરણનો ગુનો દાખલ કરીને ચાંદનીની શોધ ચલાવી હતી. આખરે સોમવારે પોલીસને આ વિસ્તારના એક ખાલી ઘરમાંથી ચાંદનીનો કોહવાયેલો મૃતદેહ ગૂણીમાંથી મળી આવ્યો હતો.

દરમિયાન પોલીસે આ પ્રકરણે એક શકમંદને તાબામાં લીધો હતો. પૂછપરછમાં તેણે જણાવ્યું હતું કે બાળકીની પડોશમાં રહેતો કિશોર છેલ્લે તેનો પીછો કરતો જોવા મળ્યો હતો. આ માહિતીને આધારે પોલીસે કિશોરને શોધવાનું શરૂ કર્યું હતું, પણ તે મળ્યો નહોતો. આથી તેના પિતાને તાબામાં લેવામાં આવ્યો હતો. કિશોરના પિતાએ આકરી પૂછપરછમાં કબૂલ કર્યું હતું કે તેના પુત્રએ શનિવારે બાળકીની હત્યા કરી મૃતદેહ ગૂણીમાં નાખીને ચાલની પાછળ છુપાવી દીધો હતો. આ વાતની જાણ પિતાને થતાં તેણે મૃતદેહ ખાલી ઘરમાં સંતાડી દીધો હતો. બાદમાં તેણે પુત્રને ભગાવી દીધો હતો. પુત્રને જાલનાથી તાબામાં લેવામાં આવ્યો હતો, એમ સૂત્રોએ જણાવ્યું હતું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button