સઉદીમાં ઝારખંડના 45 મજૂર ફસાયા, મદદ માટે ભારત સરકારને કરી અપીલ
સઉદી અરેબિયામાં મજૂરી કરવા ગયેલા 45 મજૂરને ત્યાંની કંપનીએ પગાર અટકાવીને ફસાવ્યા હોવાની વિગતો બહાર આવી છે. આ મજૂરો ઝારખંડના અલગ અલગ જિલ્લાઓ જેમ કે ગિરડીહ, હજારીબાગ, બોકારોના છે. હવે આ મજૂરોએ એક વીડિયો જાહેર કરીને સરકાર પાસે મદદ કરવા માટે અપીલ કરી છે.
છેલ્લા પાંચેક મહિનાથી પગાર ન મળવાને કારણે આ મજૂરો સામે ખાવાપીવાનું સંકટ ઉભુ થઇ ગયું છે. તેમણે વીડિયોમાં પોતાની વ્યથાનું વર્ણન કરતા તેમણે જણાવ્યું હતું કે જે કંપનીમાં તેઓ નોકરી મેળવવાની આશાએ ગયા હતા ત્યાં તેમને હવે અનાજ-પાણીના પણ ફાંફાં પડી રહ્યા છે.
આ મજૂરો 11 મે 2023ના રોજ સાઉદી ગયા હતા. કમર્શિયલ ટેકનોલોજી પ્લસ નામની કંપનીએ તેમને સઉદીમાં કામ અપાવ્યું હતું. તેમણે 55 હજાર રૂપિયાનું કમિશન પણ ચૂકવ્યું હતું. ભારતથી સાઉદી અરેબિયા લઇ જતા સમયે તેમની સાથે કરાર કરવામાં આવ્યો હતો કે લાઇનમેનને 1500 રિયાલ, ઓવરનાઇટના 700 રિયાલ ચૂકવવામાં આવશે.
મજૂરો 7 મહીનાથી કામ કરી રહ્યા હતા જેમાંથી તેમને ફક્ત 2 મહિનાનું વેતન જ મળ્યું છે. જો તેઓ બાકી વેતનની માગ કરે તો તેમની સાથે જબરજસ્તી કરવામાં આવે છે અને જેલમાં નાખી દેવાની ધમકી આપવામાં આવે છે.
પ્રવાસી મજૂરોના હિતમાં કામ કરતા સિકંદર અલીએ ભારત સરકાર અને ઝારખંડ સરકાર પાસેથી મજૂરોને પરત લાવવાની માગ કરી છે. ઝારખંડમાંથી રોજગારના અભાવમાં વિદેશ જતા લોકો સાથે અવારનવાર આ પ્રકારની ઘટનાઓ બનતી હોય છે. કંપનીઓ વેતન ચૂકવતી નથી અને બંધક બનાવી પારાવાર વેદનાઓ આપતી હોય છે. સરકારે નોકરી-રોજગારની યોગ્ય તકો પૂરી પાડવાની જરૂર છે.