તેલંગણામાં કૉંગ્રેસે રાજસ્થાન-એમપીની ભૂલ ના દોહરાવી
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ
કૉંગ્રેસની એક તકલીફ એ છે કે, કોઈ પણ નિર્ણય ઝડપથી લેવાતો નથી અને લેવાય ત્યારે પણ જૂની ઘરેડ પ્રમાણે જ લેવાય છે. તેના કારણે કૉંગ્રેસ પરિવર્તનમાં કે યુવાઓને તક આપવામાં માનતી નથી એવી છાપ મજબૂત થઈ ગઈ છે. તેલંગણા વિધાનસભાની ચૂંટણીમાં કૉંગ્રેસે સ્પષ્ટ બહુમતી મેળવી પછી મુખ્ય પ્રધાનપદને મામલે એ જ હાલત હતી ને મુખ્ય પ્રધાન કોણ બનશે એ મુદ્દે ખેંચતાણ શરૂ થઈ હતી.
રવિવારે પરિણામ આવ્યાં પછી સાંજે જ પ્રદેશ કૉંગ્રેસ પ્રમુખ રેવંત રેડ્ડી અને કર્ણાટકના નાયબ મુખ્ય પ્રધાન ડી.કે. શિવકુમારે રાજ્યપાલને મળીને સરકાર બનાવવાનો દાવો કરી નાંખેલો પણ મૂરતિયો કોણ હશે એ જ નક્કી નહોતું તેથી જાન અટવાઈ ગયેલી. ભૂતકાળમાં કૉંગ્રેસ મુખ્ય પ્રધાનપદના મામલે નિર્ણય લેવામાં દિવસો કાઢી નાંખે છે એ જોતાં તેલંગણામાં પણ ૨૦૨૪ના નવા વરસમાં જ મુખ્યમંત્રી નક્કી થશે એવું લાગતું હતું પણ આશ્ર્ચર્યજનક રીતે કૉંગ્રેસે બે જ દિવસમાં નિર્ણય લઈ લીધો.
રવિવારે પરિણામ આવ્યાં ને મંગળવારે કૉંગ્રેસે જાહેરાત કરી નાંખી કે, રેવંત રેડ્ડી તેલંગણાના નવા મુખ્ય પ્રધાન બનશે અને કૉંગ્રેસે તેમના નામને મંજૂરી આપી દેતાં રેવંત રેડ્ડી સાત ડિસેમ્બરે સવારે ૧૧ વાગ્યે મુખ્ય પ્રધાનપદના શપથ લેશે. મંગળવારે દિલ્હીમાં યોજાયેલી કૉંગ્રેસની બેઠકમાં રાહુલ ગાંધી, મલ્લિકાર્જુન ખડગે અને રાષ્ટ્રીય મહાસચિવ કેસી વેણુગોપાલ સહિતના વરિષ્ઠ નેતાઓની હાજરીમાં રેવંત રેડ્ડીની તાજપોશીનો નિર્ણય લેવાઈ ગયો.
રેડ્ડીના નામની સત્તાવાર જાહેરાત હૈદરાબાદમાં કૉંગ્રેસ વિધાનસભ્ય પક્ષની બેઠક બાદ થશે એવી સ્પષ્ટતા કરાઈ ને બુધવારે એ ઔપચારિકતા પણ પતી ગઈ પણ તેનાથી કોઈ ફરક નથી પડતો. રાહુલ ગાંધીએ પોતે એલાન કરેલું કે, તેલંગણામાં મુખ્ય પ્રધાનપદ માટે રેવંત રેડ્ડીની પસંદગી કરવામાં આવી છે. રાહુલ બોલે એ કૉંગ્રેસમાં સવા વીસ ગણાય છે એ જોતાં રેવંત રેડ્ડીની તાજપોશી નક્કી જ થઈ ગયેલી.
આમ તો તેલંગણામાં કૉંગ્રેસની જીત પછી મુખ્ય પ્રધાનપદ માટે રેવંત રેડ્ડીનું નામ નક્કી જ હતું ને તેમનો શપથ ગ્રહણ સમારોહ છ ડિસેમ્બરની સાંજે યોજાશે એવું સમજીને રાજભવને બધી તૈયારીઓ પણ કરી નાંખેલી પણ કૉંગ્રેસના કેટલાક જૂના જોગીઓએ આડા ફાટીને વિરોધ કરતાં શપથવિધિનો કાર્યક્રમ રદ્દ કરવો પડ્યો હતો. રેવંત રેડ્ડીને મુખ્ય પ્રધાન બનાવવા સામે કૉંગ્રેસને છેલ્લા દસ વર્ષમાં કે. ચંદ્રશેખર રાવ સામે જીતાડી નહીં શકેલી ચંડાળ ચોકડી મુખ્ય હતી.
તેલંગણા કૉંગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખ એન ઉત્તમ કુમાર રેડ્ડી, વિધાનસભામાં વિપક્ષના ભૂતપૂર્વ નેતા નેતા ભટ્ટી વિક્રમાર્કા, ભૂતપૂર્વ પ્રધાન કોમાતિરેડ્ડી વેંકટ રેડ્ડી, ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન દામોદર રાજનરસિંહાને રેડ્ડી સામે વાંધો હતો તેથી તેમણે રેવંત રેડ્ડી સામે ભ્રષ્ટાચારનો આક્ષેપ કરીને વિરોધ કરેલો. આરોપ લગાવ્યો હતો. ૨૦૨૧માં રેડ્ડીને તેલંગણા કૉંગ્રેસની કમાન સોંપવામાં આવી ત્યારે પણ તેમનો વિરોધ થયેલો. એ વખતે આક્ષેપ લાગેલો કે, રેવંત રેડ્ડી કરોડો રૂપિયા ખર્ચીને પ્રદેશ પ્રમુખ બન્યા છે.
રેવંત રેડ્ડીને કૉંગ્રેસમાં વિરોધનો સામનો કરવો પડ્યો હોય એવું પહેલાં પણ બનેલું ને તેનું કારણ એ કે, રેવંત રેડ્ડીનાં મૂળ કૉંગ્રેસમાં નથી. જાણીને આશ્ર્ચર્ય થશે પણ રેવંત રેડ્ડી મૂળ ભાજપની પેદાશ છે. ઓસ્માનિયા યુનિવર્સિટીમાંથી સ્નાતક થયેલા રેવંતે ભાજપની વિદ્યાર્થી વિંગ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (એબીવીપી) સાથે જોડાઈને રાજકીય કારકિર્દીની શરૂઆત કરી હતી પણ એ વખતે ભાજપનો આંધ્ર પ્રદેશમાં કોઈ ભાવ નહોતું પૂછતું. ભાજપને પણ ટીડીપીના જુનિયર પાર્ટનર તરીકે સંતોષ હતો તેથી રેવંત રેડ્ડીએ પોતાની રીતે આગળ વધવાનું નક્કી કર્યું.
રેવંત રેડ્ડી ૨૦૦૬માં જિલ્લા પરિષદના સભ્ય તરીકે અપક્ષ લડીને ચૂંટાયેલા ને ૨૦૦૭માં અપક્ષ ઉમેદવાર તરીકે આંધ્ર પ્રદેશ વિધાન પરિષદના સભ્યપદે પણ ચૂંટાયા હતા. ચંદ્રબાબુ નાયડુનું ધ્યાન તેમની તરફ જતાં નાયડુએ રેડ્ડીને તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી)માં ખેંચી લીધા. ૨૦૦૯માં રેવંત ટીડીપીની ટિકિટ પર આંધ ્રપ્રદેશની કોંડગલ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડ્યા અને પાંચ વખત જીતેલા કૉંગ્રેસના ધારાસભ્ય ગુરુનાથ રેડ્ડીને હરાવીને સોને દંગ કરી દીધા હતા. રેવંત પછીથી તેલંગણા વિધાનસભાના સભ્ય બન્યા ત્યારે નાયડુએ તેમને તેલંગણા વિધાનસભામાં પાર્ટીના નેતા બનાવ્યા હતા.
જો કે તેલંગણાની રચનાનો વિરોધ કર્યો હોવાથી તેલંગણામાં ટીડીપીનું કોઈ વજન નહોતું તેથી રેવંતે કૉંગ્રેસ સાથે હાથ મિલાવવાની હિલચાલ શરૂ કરી. રેવંત કૉંગ્રેસની નજીક આવી રહ્યા છે તેની ખબર પડતાં ૨૦૧૭માં નાયડુએ ટીડીપીના નેતા પદેથી હટાવી દીધા હતા. રેવંત થોડા દિવસો પછી કૉંગ્રેસમાં જોડાયા અને ૨૦૧૮ની ચૂંટણીમાં કોડંગલથી ચૂંટણી લડ્યા પણ હારી ગયા હતા. રેવંત ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં મલકાજગીરી બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા અને જીતીને પહેલીવાર સંસદમાં પહોંચ્યા હતા. જૂન ૨૦૨૧માં કૉંગ્રેસ હાઈકમાન્ડે તેમને એન. ઉત્તમ રેડ્ડીની જગ્યાએ તેલંગણાની કમાન સોંપી ત્યારે કૉંગ્રેસના નેતા તેમને આઉટસાઈડર ગણતા હતા તેથી વિરોધ કરેલો.
રાહુલ ગાંધી એ વખતે મક્કમ રહેલા ને રેવંતને પ્રદેશ પ્રમુખ બનાવીને મોકલ્યા તેનું પરિણામ સામે છે. જેમને હરાવી શકાય એવી કલ્પના પણ નહોતી કરી શકાતી એવા કેસીઆરને
હરાવીને રેવંતે કૉંગ્રેસને સત્તા અપાવી છે. આ સંજોગોમાં રેવંત રેડ્ડી મુખ્ય પ્રધાનપદ માટે સૌથી લાયક હતા. રાહુલે આ
વાત સમજીને ફરી મક્કમતા બતાવી એ બદલ તેમને વખાણવા જોઈએ.
રેવંત રેડ્ડીને મુખ્ય પ્રધાનપદ સોંપીને કૉંગ્રેસે ભૂતકાળમાં મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં કરેલી ભૂલોને નથી દોહરાવી. રાજસ્થાનમાં સચિન પાયલોટે ૨૦૧૮માં કૉંગ્રેસને જીત અપાવેલી પણ જૂના જોગીઓ સામે ઝૂકીને કૉંગ્રેસે અશોક ગહલોતને મુખ્ય પ્રધાન બનાવ્યા તેમાં પાંચ વર્ષ પછી રાજસ્થાન ખોવાનો વારો આવ્યો. મધ્ય પ્રદેશમાં પણ જ્યોતિરાદિત્ય સિંધિયાને બદલે કમલનાથને આગળ કરવામાં કૉંગ્રેસ સત્તા મળ્યાના દોઢ વર્ષમાં જ નવરી થઈ ગયેલી. તેલંગણામાં પણ રેવંત રેડ્ડીને મુખ્ય પ્રધાન ના બનાવાયા હોત તો એવી જ હાલત થઈ હોત. રાહુલ ગાંધીએ શાણપણ વાપરીને એવું ના થવા દીધું અને ઘૈડિયાઓને તેમની જગા બતાવીને સારું કર્યું.
રેવંત રેડ્ડીને તેલંગણાના ડી.કે. શિવકુમાર કહેવામાં આવે છે. શિવકુમારની જેમ મની મેનેજમેન્ટમાં પાવરધા રેવંત જેવા નેતાઓની જ કૉંગ્રેસને બીજાં રાજ્યોમાં પણ જરૂર છે, બાકી કૉંગ્રેસ સત્તરના ભાવમાં પતી જશે.