જોનસનને વોર્નર પર ટિપ્પણી કરવી પડી ભારે, જાણો હવે શું થયું?
મેલબોર્નઃ ઓસ્ટ્રેલિયાના પૂર્વ ફાસ્ટ બોલર મિશેલ જોનસન ડેવિડ વોર્નર પર ટિપ્પણી કરવાને લઇને વિવાદોમાં છે. મિશેલ જોનસન પોતાની કોલમમાં પાકિસ્તાન સામેની ટેસ્ટ શ્રેણી માટે વોર્નરની પસંદગી થવા પર નિશાન સાધ્યું હતું.
જોનસને કહ્યું હતું કે વોર્નરની પસંદગી એટલા માટે કરવામાં આવી હતી કારણ કે તે શ્રેણી પછી નિવૃત્ત થઈ રહ્યો હતો તેના ફોર્મને કારણે નહીં. ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલરે એમ પણ કહ્યું કે વર્તમાન ખેલાડીઓના મુખ્ય પસંદગીકાર જ્યોર્જ બેઈલી સાથે ખૂબ સારા સંબંધો છે. તે પ્રદર્શનના આધારે નહીં, પરંતુ સંબંધોના આધારે ટીમની પસંદગી કરી રહ્યો છે. આ વિવાદ પછી ઓસ્ટ્રેલિયન ક્રિકેટમાં ખળભળાટ મચી ગયો હતો.
વાસ્તવમાં મિશેલ જોનસને કહ્યું હતું કે તે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ પાકિસ્તાન ટેસ્ટ શ્રેણી માટે ‘ટ્રિપલ એમ’ કોમેન્ટ્રી ટીમનો ભાગ બનશે. જોકે, કંપની દ્વારા મંગળવારે જાહેર કરવામાં આવેલી કોમેન્ટેટર્સની યાદીમાં તેમનું નામ સામેલ નહોતું.
આ યાદીમાં મર્વ હ્યુજ, વસીમ અકરમ અને માર્ક ટેલર જેવા દિગ્ગજ લોકોના નામ સામેલ હતા, પરંતુ જોનસનને તેમાંથી બાકાત રાખવામાં આવ્યો છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ મિશેલ જોનસનને કોમેન્ટ્રી પેનલમાંથી હટાવી દીધો છે.