દુબઈઃ ભારતીય ખેલાડીઓના શાનદાર પ્રદર્શનની અસર ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી) રેન્કિંગમાં પણ જોવા મળી રહી છે. આઈસીસીની 12 અલગ-અલગ રેન્કિંગમાંથી ભારતીય ટીમ અથવા ભારતીય ખેલાડીઓએ આઠ રેન્કિંગમાં ટોચનું સ્થાન મેળવ્યું છે.
ભારતીય ટીમ ત્રણેય ફોર્મેટમાં આઇસીસી રેન્કિંગમાં ટોચ પર યથાવત છે. એટલે કે વન-ડે, ટી-20 અને ટેસ્ટ ફોર્મેટમાં ટીમ ઇન્ડિયા દુનિયાની નંબર વન ટીમ છે. પાંચ ભારતીય ખેલાડીઓ આઇસીસી રેન્કિંગમાં ટોચ પર છે.
ટી20માં ભારતીય ટીમ 16,137 પોઈન્ટ સાથે ટોચ પર છે, જ્યારે બીજા સ્થાને રહેલી ઈંગ્લેન્ડના 11,133 પોઈન્ટ છે. ભારતનો સૂર્યકુમાર યાદવ ટી-20માં નંબર વન બેટ્સમેન છે અને બોલરની રેન્કિંગમાં રવિ બિશ્નોઈ ટોચ પર છે.
વનડેમાં ભારતીય ટીમ 6,640 પોઈન્ટ સાથે ટોપ પર છે. બીજા સ્થાને રહેલા ઓસ્ટ્રેલિયાના 4,926 પોઈન્ટ છે. વન-ડે રેન્કિંગમાં બેટ્સમેનોમાં શુભમન ગિલ ટોપ પર છે. વિરાટ કોહલી ત્રીજા સ્થાને અને રોહિત શર્મા ચોથા સ્થાન પર છે. બોલરોમાં મોહમ્મદ સિરાજ ત્રીજા સ્થાને, જસપ્રીત બુમરાહ ચોથા સ્થાને, કુલદીપ યાદવ છઠ્ઠા અને મોહમ્મદ શમી 10મા સ્થાને છે. ઓલરાઉન્ડર રેન્કિંગમાં રવિન્દ્ર જાડેજા 10મા સ્થાને છે.
ટેસ્ટમાં પણ ભારતીય ટીમ ટોપ પર છે. ભારતના 3,434 પોઈન્ટ છે, જ્યારે ઓસ્ટ્રેલિયા 3,534 પોઈન્ટ સાથે બીજા ક્રમે છે. બંને ટીમનું રેટિંગ 118 છે. ઓસ્ટ્રેલિયાએ ભારત કરતાં એક મેચ વધુ રમી છે. જેના કારણે આ ટીમ બીજા સ્થાને છે. તો ભારતીય કેપ્ટન રોહિત શર્મા બેટ્સમેનોની રેન્કિંગમાં 10માં નંબર પર છે.
બોલરમાં રવિચંદ્રન અશ્વિન ટોપ પર યથાવત છે. રવિન્દ્ર જાડેજા ત્રીજા સ્થાને છે. ઓલરાઉન્ડર રેન્કિંગમાં રવિન્દ્ર જાડેજા પ્રથમ સ્થાને અને રવિચંદ્રન અશ્વિન બીજા સ્થાને છે. અક્ષર પટેલ પણ પાંચમા સ્થાને યથાવત છે.